મહારાજગંજ : રવિવારે દુર્ગા પૂજા દરમિયાન મહારાજગંજ વિસ્તારમાં હિંસા ભડકી ઉઠી હતી, જેને લઇને પોલીસે ૩૧ની ધરપકડ કરી છે.
સોમવારે અનેક વિસ્તારોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળ્યો હતો. અને લોકોએ પોલીસ તેમજ પ્રશાસનની સામે સુત્રોચ્ચાર કર્યો હતો. બાદમાં ટોળાને વિખેરીને પોલીસે ફ્લેગ માર્ચ કાઢી હતી. ગૃહ સચિવ સંજીવ ગુપ્તા અને એડિશનલ ડાયરેક્ટર જનરલ અમિતાભ યશ સ્થળ પર પહોંચ્યા હતા. આ ઉપરાંત પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. હિંસાને લઇને વિવાદ વધી રહ્યો છે. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર સમક્ષ શાંતિ વ્યવસ્થા જાળવવાની અપીલ કરી હતી. સાથે જ જનતાને પણ કાયદો વ્યવસ્થા હાથમાં ના લેવા તેમજ શાંતિ જાળવવા માટે કહ્યું હતું. રવિવારે હિંસા દરમિયાન રામ ગોપાલ મિશ્ર નામના એક ૨૨ વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું.
આ મોતના અહેવાલો સમગ્ર વિસ્તારમાં ફેલાઇ ગયા હતા જે બાદ અશાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. દરમિયાન હિંસાખોરોએ એક સ્થાનિક હોસ્પિટલને પણ આગ લગાવી દીધી હતી. અંદર લગાવવામાં આવેલી એક્સ રે મશીનમાં તોડફોડ કરી હતી. નજીકના મેડિકલ સ્ટોરમાં પણ ભારે તોડફોડ કરી હતી. હિંસાખોરોએ જે પણ અડફેટે આવ્યું તેને બાનમાં લઇને તોડફોડ કરી આગ લગાવી દીધી હતી.મહારાજગંજ વિસ્તારમાં કેટલાક મકાનો અને દુકાનોને આગ લગાવવાની ઘટના પણ સામે આવી છે. અહીંયા એક બે માળના મકાનને આગ લગાવવામાં આવી હતી. જ્યારે ત્યાં જ પાર્ક કરેલી બે કારોને પણ આગને હવાલે કરી દીધી હતી. સાથે જ લાઠી ડંડાથી પણ તોડફોડ કરવામાં આવી હતી. દરમિયાન મૃતક રામગોપાલ મિશ્રાના પરિવારજનોએ પ્રશાસન સમક્ષ ન્યાયની માગણી કરી છે અને જે પણ આરોપીઓ હત્યામાં સામેલ છે તેના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે તેવી પણ માગણી કરી છે.
Reporter: admin