વારાણસી: ઉત્તર પ્રદેશના વારાણસી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રવિવારે સવારે હથિયારની તપાસ દરમિયાન એક મુસાફરની પિસ્તોલમાંથી અચાનક ગોળી ચાલી ગઈ હતી. આ ઘટનામાં AAICLASના બે સુરક્ષા સ્ક્રીનર ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં એક મહિલા કર્મચારીનો પણ સમાવેશ થાય છે. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સ્થિતિ સામાન્ય હોવાનું જણાવાયું છે.
મળતી માહિતી મુજબ, આઝમગઢનો એક મુસાફર પોતાની પત્ની સાથે એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX-1810 મારફતે મુંબઈ જવાનો હતો. મુસાફરે પોતાના હથિયાર અંગે એરપોર્ટ અધિકારીઓને અગાઉથી જાણ કરી હતી. ત્યારબાદ સુરક્ષા તપાસ દરમિયાન પિસ્તોલ અને કારતૂસની તપાસ કરવામાં આવી રહી હતી.
આ દરમિયાન પિસ્તોલમાંથી અચાનક એક રાઉન્ડ ફાયર થઈ ગયો. ગોળી જમીન સાથે અથડાયા બાદ નજીકમાં ઊભેલા બે સુરક્ષા કર્મચારીઓને વાગી હતી. એક મહિલા કર્મચારીની જાંઘ અને એક પુરુષ કર્મચારીના હાથમાં ઈજા થઈ હતી.
ઘટના બાદ એરપોર્ટ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસે મુસાફરને કસ્ટડીમાં લઈને પિસ્તોલ જપ્ત કરી હતી. પોલીસ અને એરપોર્ટ પ્રશાસને ઘટનાની તપાસ શરૂ કરી છે અને સુરક્ષા તપાસ દરમિયાન ગોળી કયા સંજોગોમાં ચાલી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Reporter: admin







