News Portal...

Breaking News :

આત્મનિર્ભર ભારતની દિશામાં વડોદરાનું યોગદાન: સ્વાયત્ત સિસ્ટમ વિકસાવી રહી છે સ્વદેશી ઓટોનોમસ ટેક્નોલોજી

2026-08-18 13:07:40
આત્મનિર્ભર ભારતની દિશામાં વડોદરાનું યોગદાન: સ્વાયત્ત સિસ્ટમ વિકસાવી રહી છે સ્વદેશી ઓટોનોમસ ટેક્નોલોજી

ટેક્નોલોજી નવી ઊંચાઈઓ સર કરી રહી છે તેમ યુદ્ધભૂમિનું સ્વરૂપ પણ ઝડપથી બદલાઈ રહ્ય

છે.આવતીકાલના યુદ્ધો માત્ર મોરચા પર તૈનાત સૈનિકો દ્વારા જ નહીં, પરંતુ સ્વાયત્ત મશીનો, બુદ્ધિશાળી સિસ્ટમો અને અત્યંત જોખમી પરિસ્થિતિઓમાં કાર્ય કરી શકે તેવી ટેક્નોલોજી દ્વારા પણ લડવામાં આવશે. સંરક્ષણ ક્ષેત્રના આ બદલાતા પરિદ્રશ્યમાં ગુજરાત પણ એવા યુવા સંશોધકો અને નવતર વિચારકોનું કેન્દ્ર બની રહ્યું છે, જેઓ ભવિષ્યમાં સૈનિકોને મદદરૂપ થઈ શકે તેવી ટેક્નોલોજી વિકસાવી રહ્યા છે.

વડોદરામાં આવો જ એક પ્રયાસ એરોનોટિકલ એન્જિનિયર શ્રેય મેહતાના નેતૃત્વ હેઠળ આગળ વધી રહ્યો છે. તેમણે પોતાની કારકિર્દીને પરંપરાગત એરોસ્પેસ   એન્જિનિયરિંગથી આગળ લઈ જઈને એક મહત્વપૂર્ણ પ્રશ્ન સાથે જોડ્યો છે કે, શું ભારત અન્ય દેશોમાં વિકસિત ટેક્નોલોજી પર વધુ પડતી નિર્ભરતા રાખ્યા વિના પોતાની સ્વાયત્ત સંરક્ષણ ટેક્નોલોજી વિકસાવી શકે? શ્રેય મેહતાની આ દિશામાં સફરની શરૂઆત ગુજરાતથી થઈ,તેમણે એરોનોટિકલ એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી મેળવી. એરોસ્પેસ અને પરંપરાગત વિમાનોથી અલગ પ્રકારની એરક્રાફ્ટ સિસ્ટમ્સ પ્રત્યેના રસને કારણે તેમણે શૈક્ષણિક સંશોધન પણ કર્યું, જેમાં મલ્ટીપર્પઝ ઓર્નિથોપ્ટરની ડિઝાઇન પરનું કાર્ય સામેલ હતું. ત્યારબાદ તેમણે રશિયામાં વધુ અભ્યાસ કર્યો, જ્યાં તેમને એરોસ્પેસ અને ટેક્નિકલ સિસ્ટમ્સ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય અનુભવ મળ્યો. ભારત અને વિદેશમાં મળેલા અનુભવે તેમને અદ્યતન ટેક્નોલોજીના વિકાસ અને ઉત્પાદન ક્ષેત્રમાં રહેલી કેટલીક ખામીઓનો અનુભવ કરાવ્યો. હાલની વ્યવસ્થાનો માત્ર એક ભાગ બનવાને બદલે મેહતાએ પોતાનું ટેક્નોલોજી ઇકોસિસ્ટમ ઊભું કરવાનો નિર્ણય લીધો.

આ વિચારમાંથી જ સ્વાયત સિસ્ટમની સ્થાપના થઈ. વડોદરા સ્થિતઆ R&D કેન્દ્રિત કંપની સંરક્ષણ અને નાગરિક ક્ષેત્રો માટે સ્વાયત્ત સિસ્ટમ્સ વિકસાવવા પર કામ કરી રહી છે સંસ્કૃત શબ્દમાં 'સ્વાયત્ત' નો અર્થ સ્વતંત્ર રીતે કાર્ય કરવાની ક્ષમતા અને સ્વતંત્રતાના વિચારથી પ્રેરિત છે અને કંપનીના વિશાળ ઉદ્દેશને પ્રતિબિંબિત કરે છે, એટલે કે ભારતને ટેક્નોલોજીના ક્ષેત્રમાં વધુ આત્મનિર્ભર બનાવવું.

કંપની વિવિધ પ્રકારના સ્વાયત્ત પ્લેટફોર્મ વિકસાવી રહી છે, જેમાં સર્વેલન્સ સિસ્ટમ્સ, સંરક્ષણ ડ્રોન, માનવરહિત ગ્રાઉન્ડ વ્હીકલ્સ અને સ્વાયત્ત ગ્રાઉન્ડ-કંટ્રોલ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે. જોકે, કંપનીનું કાર્ય માત્ર અલગ-અલગ મશીનો બનાવવાથી મર્યાદિત નથી. સ્વાયત્ત પ્લેટફોર્મને પડકારજનક પરિસ્થિતિઓમાં કાર્યરત બનાવવા માટે જરૂરી હાર્ડવેર, સોફ્ટવેર, કંટ્રોલ સિસ્ટમ્સ અને બૌદ્ધિક સંપદા (Intellectual Property)ના સંયુક્ત વિકાસ પર પણ કંપની ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

કંપનીના મહત્વપૂર્ણ વિકાસમાંનું એક SGV-500 Scorpion માનવરહિત ગ્રાઉન્ડ વ્હીકલ છે, જે લશ્કરી કામગીરીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી રહ્યું છે. આશરે ૫૦૦કિલોગ્રામની ક્ષમતા ધરાવતું આ પ્લેટફોર્મ મોડ્યુલર સિસ્ટમ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, જેને વિવિધ પ્રકારના મિશન અનુસાર અનુકૂળ બનાવી શકાય છે.

આવી સિસ્ટમ્સનો હેતુ માત્ર સૈનિકોની જગ્યાએ મશીનો મૂકવાનો નથી. તેના બદલે, સ્વાયત્ત પ્લેટફોર્મ દ્વારા મનુષ્યોને અત્યંત જોખમી વિસ્તારોમાંથી દૂર રાખીને મશીનોની મદદથી સર્વેલન્સ, રિકોનિસન્સ, લોજિસ્ટિક્સ અને જોખમી કામગીરી હાથ ધરવાની સંભાવના ઊભી થાય છે.

સ્વાયત્ત ગ્રાઉન્ડ-કંટ્રોલ ટેક્નોલોજી, રિયલ-ટાઇમ સંકલન અને એવી સિસ્ટમ્સ પર પણ કામ કરી રહી છે, જે એવા વિસ્તારોમાં કાર્ય કરી શકે જ્યાં પરંપરાગત સંચાર અથવા નેવિગેશન વ્યવસ્થાઓ માટે પડકારો ઊભા થઈ શકે.

મેહતા માટે ગુજરાતમાં સ્વાયતનો નિર્માણ કરવાનો નિર્ણય માત્ર વ્યાવસાયિક નહીં, પરંતુ વ્યક્તિગત રીતે પણ મહત્વપૂર્ણ છે. ગુજરાતમાં જન્મેલા અને ઉછરેલા મેહતા એ દર્શાવવા માગે છે કે અદ્યતન એરોસ્પેસ, સ્વાયત્ત અને સંરક્ષણ ટેક્નોલોજીનું સંશોધન, વિકાસ અને ઉત્પાદન ગુજરાતમાંથી પણ થઈ શકે છે.

કંપનીનું વિઝન માત્ર સંરક્ષણ ક્ષેત્ર સુધી મર્યાદિત નથી. સ્વાયત ફાયરફાઇટિંગ, આપત્તિ પ્રતિસાદ અને મ્યુનિસિપલ કામગીરી જેવા ક્ષેત્રોમાં પણ સ્વાયત્ત ટેક્નોલોજીના ઉપયોગની સંભાવનાઓ પર કામ કરી રહી છે, જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંબંધિત કામગીરીનો પણ સમાવેશ થાય છે.
આ વ્યાપક ઉપયોગ પાછળનો મૂળ વિચાર એ છે કે જે મશીન યુદ્ધભૂમિ જેવી જોખમી પરિસ્થિતિમાં કાર્ય કરી શકે, તે જ ટેક્નોલોજી ઔદ્યોગિક આગ, આપત્તિગ્રસ્ત વિસ્તાર અથવા એવી જગ્યાએ પણ ઉપયોગી બની શકે છે જ્યાં માનવીને મોકલવું જોખમી હોય.

ભારત આત્મનિર્ભર ભારત અને સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓ પર વધુ ભાર મૂકી રહ્યું છે ત્યારે સ્વાયતનો ઉદ્દેશ પોતાની મુખ્ય ટેક્નોલોજીનો મોટો હિસ્સો ભારતમાં જ વિકસાવવાનો છે. કંપનીના જણાવ્યા અનુસાર, તેના પ્લેટફોર્મમાં સ્વદેશી હાર્ડવેર, સોફ્ટવેર અને બૌદ્ધિક સંપદા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. સાથે જ ભારતીય સંરક્ષણ ક્ષેત્રની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એવા મોડ્યુલર સિસ્ટમ્સ વિકસાવવામાં આવી રહ્યા છે, જેને ઓપરેશનલ જરૂરિયાતો અનુસાર આગળ વિકસાવી શકાય.

મેહતા માટે આ સમગ્ર પ્રયાસ માત્ર એક વાહન કે એક ડ્રોન બનાવવાનો નથી. તેમનું મોટું લક્ષ્ય ગુજરાતમાંથી એવું ટેક્નોલોજી અને R&D ઇકોસિસ્ટમ ઊભું કરવાનું છે, જે વિવિધ પ્રકારના સ્વાયત્ત પ્લેટફોર્મ વિકસાવી શકે અને ભવિષ્યમાં ભારતીય ટેક્નોલોજીને વૈશ્વિક બજારો સુધી લઈ જઈ શકે.

વડોદરાના એરોનોટિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીથી લઈને સ્વાયત્ત સંરક્ષણ સિસ્ટમ્સ પર કામ કરતા ઉદ્યોગસાહસિક સુધીની મેહતાની સફર ભારતના ટેક્નોલોજી ક્ષેત્રમાં થઈ રહેલા મોટા પરિવર્તનની પણ ઝલક આપે છે.

યુદ્ધભૂમિ બદલાઈ રહી છે, પરંતુ સંરક્ષણની વ્યાખ્યા પણ બદલાઈ રહી છે. અને ગુજરાતમાંથી નવી પેઢીના એન્જિનિયરો એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ભારત આવતીકાલની ટેક્નોલોજીનો માત્ર ઉપયોગકર્તા ન રહે, પરંતુ તેના નિર્માતાઓમાં પણ સ્થાન મેળવે.

Reporter: admin

Related Post