વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે ‘ઓપરેશન પરાક્રમ’ અંતર્ગત મોટી કાર્યવાહી કરી વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં મુંબઈ-દિલ્હી ભારતમાલા એક્સપ્રેસ હાઇવે પરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટાટા ઇન્ટ્રા ગાડી ઝડપી પાડી છે. પોલીસે ગાડીમાંથી રૂ.7.72 લાખની કિંમતનો 7,728 ક્વાર્ટર વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે.
પોલીસને બાતમી મળી હતી કે MH-03-ES-5145 નંબરની ટાટા ઇન્ટ્રા ગાડીમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરવામાં આવ્યો છે અને ગાડી ભરૂચ તરફથી ભારતમાલા એક્સપ્રેસ હાઇવે મારફતે વડોદરા તરફ આવી રહી છે. બાતમીના આધારે એલસીબીની ટીમે સમીયાળા ગામ નજીક મુંબઈથી દિલ્હી તરફના ટ્રેક પર વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને કોર્ડન કરી ઝડપી લીધી હતી. ગાડીમાં એક જ વ્યક્તિ સવાર હોવાનું જણાયું હતું. પોલીસે તેની પૂછપરછ કરતાં તેનું નામ મનોહરલાલ બાબુલાલ બિશ્નોઈ, રહે. સાંગડવાવ, તા. ચિતલવાડા, જિ. ઝાલોર, રાજસ્થાન હોવાનું બહાર આવ્યું હતું.
ગાડીની તલાશી લેતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી કુલ 161 પેટીઓ મળી આવી હતી. ગણતરી કરતાં કુલ 7,728 ક્વાર્ટર મળી આવ્યા હતા, જેની કિંમત રૂ.7,72,800 હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસે વિદેશી દારૂ ઉપરાંત રૂ.5 લાખની ટાટા ઇન્ટ્રા ગાડી અને રૂ.5 હજારનો મોબાઇલ ફોન મળી કુલ રૂ.12,77,800નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા આરોપી વિરુદ્ધ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગણનાપાત્ર ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા દારૂની હેરાફેરી, બુટલેગરો તથા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ‘ઓપરેશન પરાક્રમ’ અંતર્ગત કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી હોવાનું પોલીસ પ્રેસનોટમાં જણાવાયું છે.
Reporter: admin







