વિશ્વામિત્રી પ્રોજેક્ટ ફેલ થયો છે, તેવું માનવ અધિકાર પંચની એક્સપર્ટ કમિટીના પ્રાથમિક રિપોર્ટમાં જ ખુલી ચૂક્યું છે
અમેય શાસક પક્ષે જાહેરાત કરી છે કે હર ઘર પાની..પાની

વડોદરાની હાલત પણ હવે સુરત શહેર જેવી થશે, કોર્પોરેશનની કામગિરીની પોલ ખુલી ગઇ
વડોદરા શહેરમાં મંગળવારે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેવા સાથે છુટક છુટક વરસાદ પણ પડ્યો હતો. જો કે વડોદરામાં પણ હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે અને બીજી બાજુ વરસાદ ચાલુ રહેતા અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વડોદરા પાલિકાની ચિંતા વધી છે. શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી 10.5 ફૂટે પહોંચી ગઇ છે ત્યારે હવે વડોદરા શહેરની હાલત પણ સુરત શહેર જેવી જ થવાના પગલે છે તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. જે શહેરમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મંત્રી પ્રફુલ પાનસેરીયા રહેતા હોય તે શહેર સુરતમાં એકધારો વરસાદ વરસવાના કારણે સુરત જળબંબાકાર બની ગયું છે. જો હવે 24થી 48 કલાકમાં શહેરમાં એક ધારો વરસાદ પડશે તો વડોદરા શહેરની હાલત પણ સુરત જેવી થઇ જશે તે વાત ચોક્કસ છે. પાણી ભરાય ત્યારે નિરીક્ષણ કરવાના નામે નેતાઓ વડોદરામાં આંટો મારી જાય છે પણ સામાન્ય પ્રજાનું શું થશે તે કોઇ વિચારતું નથી. શહેરમાં મંગળવારે પણ હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો તેમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા તો રસ્તા પર ખાડા પડવાની સાથે ભુવા પણ પડી ગયા હતા. ઘણા ઠેકાણે ઝાડ પણ પડેલા હતા. કોર્પોરેશનની કહેવાતી પ્રિ મોન્સુન કામગિરીની પોલ ખુલી ગઇ છે. કોર્પોરેશન ભલે ગમે તેટલા પ્રયાસો કરે પણ તેની ખરાબ કામગિરી ક્યારેય ઢાંકી શકાશે નહી. શહેરમાં ચોમાસા પહેલા વરસાદી કાંસોની સફાઇ તથા ગટરની સફાઇ થઇ જવી જોઇતી હતી પણ થઇ નથી તે વાસ્તવીક્તા છે. કાંસો પર જે ગેરકાયદેસરના દબાણો ઉભા થઇ ગયા છે તે તોડાયા નથી. વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં નદી કિનારે જે પણ ગેરકાયદેસર બાંધકામો બંધાયેલા છે તેવા મોલ, હોસ્પિટલ, હોટલ અને માલેતુજારોના બંગલા તોડાયા નથી. આ તમામ વાસ્તવીક્તા વડોદરાનો નાગરીક પોતાની નજરે જોઇ રહ્યો છે અને તેથી કોર્પોરેશનના શાસકો ભલે એવી ગુલાંબાંગો પોકારે કે આ વખતે પુર નહી આવે અને પાણી નહી ભરાય પણ તે વાત શહેરીજનોને ગળે ઉતરતી નથી. કોર્પોરેશને હવે નાગરીકોને ભગવાન ભરોસે છોડી દીધા છે અને તેમના માટે બોટ અને તરાપા તૈયાર કરી દીધા છે. કોર્પોરેશન ધારત તો આ વખતે પણ આગોતરી તૈયારી કરીને શહેરીજનોને જળબંબાકારની સ્થિતીમાંથી બચાવી શકત પણ શાસકોને પ્રજાની કંઇ પડી નથી અને તેથી જ દર વર્ષે શહેરમાં પૂર આવે છે અને આગામી સમયમાં પૂર આવતું જ રહેશે.
સુરતના પ્રદેશ પ્રમુખ, ગૃહ મંત્રી અન્ય મંત્રીઓ છતાં સુરતમાં પાણી ભરાયા...
પ્રદેશ પ્રમુખ સુરતના ગૃહ મંત્રી સુરતના અન્ય મંત્રીઓ સુરતના છતાં સુરતમાં પાણી ભરાયા એ જ ગ્રહ મંત્રી કે જેઓ વડોદરા ના પણ પ્રભારી મંત્રી છે. તંત્ર ભલે આપણને ભરોસો આપે પરંતુ જે હાલત સુરતની થઈ છે એ જ હાલત વડોદરાની થવાની છે તે નક્કી છે. હજી અમે કહીએ છીએ કે વડોદરાની કાંસની કન્ટીન્યુટી બની નથી.ફક્ત કેચપીટ સાફ કરવાથી કામ ચાલશે નહીં. એક જગ્યાએથી નીકળેલુ પાણી બીજા(આખરી) ભાગમાં નીકળે છે કે કેમ એની ખરાઈ કરવાની જવાબદારી,સંબંધિત ઝોનનાં અધિકારીઓની છે. જ્યાં સુધી નુર્મ યોજનાં હેઠળ ઉત્તર- દક્ષિણ- પૂર્વ- પશ્ચિમમાં બનેલા વરસાદી કાંસનાં નેટવર્કનાં ઇન- આઉટ, બંને બાજુના આઉટલેટ ઉપર પાણી નીકળે છે કે કેમ એની ખરાઈ કર્યા બાદ જ કહી શકાય કે વરસાદી કાંસની કન્ટીન્યુટી સાથેની સફાઈ થઈ છે.

આગામી સાત દિવસ વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. જો શહેરમાં ભારે વરસાદ એકધારો પડ્યો તો ફરી પાછી ગયા વર્ષ જેવી હાલત થવાની છે તે વાત ચોક્કસ છે આગામી ટૂંક સમયમાં જ લોકો માટે કોર્પોરેશનના મેયર, ચેરમેન, તમામ કોર્પોરેટરો, ધારાસભ્ય, સાંસદ, કમિશનર, ડે.કમિશનરો, આસિ.કમિશનર, સહિત કોર્પોરેશનના તમામ અધિકારીઓના નામ અને ફોન નંબર જાહેર કરશે જેથી લોકો ઇમરજન્સીમાં આ તમામને ફોન કરીને મદદ મેળવી શકે કારણ કે જે રીતે કોર્પોરેશને કામગિરી કરી છે તે જોતાં હવે શહેરને જળબંબાકાર થતાં ભગવાન જ બચાવી શકે તેમ છે. કોર્પોરેશને શહેરીજનોને ભગવાન ભરોસે છોડી દીધા છે.
પાલિકા તમામ જવાબદાર અધિકારીઓના નામ જાહેર કરે.
ક્વીક રિસ્પોન્સ ટીમના પણ નંબરો જાહેર કરે. કંટ્રોલરૂમના કોમન નંબરો જાહેર કરે.ઝોનવાઈઝ કમ્પ્લેન કરવાની હોય તો એના પર નંબર જાહેર કરે. ઓફિસ વર્ષ બાદ જો રાજમાર્ગ ઉપર પાણી ભરાય સોસાયટીઓમાં પાણી ભરાય પૂર આવે તો સંપર્ક કોને કરવો તેના પર નંબર જાહેર કરે શનિ રવિ વી રજા ને દિવસે જ્યારે પૂર આવે ત્યારે રાજમાર્ગ ઉપર પાણી ભરાય કે સોસાયટીમાં પાણી ભરાય તો કોને સંપર્ક કરવો કમિશનર ચેરમેન આ બધા મોબાઈલ નંબર ફોન નંબર જાહેર કરે કારણ કે વરસાદી કાંસમાં જો પાણી ભરાય તો એની કમ્પ્લેન હેલ્પ સેન્ટર લેતું નથી. તેની પણ કમિશનર સ્પષ્ટતા કરે અથવા હુકમ કરે કે આવા પ્રકારની કમ્પ્લેન કોલ સેન્ટર ઉપર લેવામાં આવશે. સાંજ પછી લાંબા સમય સુધી કોલસેન્ટરમાં કોલ એટેન્ડન્ટ કરતા નથી
મેયર પાણી ભરાવાના મુદ્દે પણ મૌન
વિશ્વામિત્રી પ્રોજેક્ટ અને પ્રિ મોન્સુન કામગિરીના નામે લોકોને ખુશ કરવા નિકળેલા કોર્પોરેશનના શાસકોને ખબર છે કે ખરેખર વાસ્તવીકતા શું છે. મેયર પિંકી સોની વારંવાર મોટા ઉપાડે તેમ કહેતા ફરે છે કે વિશ્વામિત્રી પ્રોજેક્ટના કારણે હવે વડોદરામાં પૂર નહી આવે પણ તેમને ખબર છે કે કોઇ જ એવી નક્કર કામગિરી થઇ નથી કે વડોદરામાં પૂરને રોકી શકાય કે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને પણ જળબંબાકાર થતું અટકાવી શકાય અને તેથી જ જ્યારે પત્રકારોએ મેયરને સવાલ કર્યો કે આ વખતે પાણી નહી ભરાય તો તે સવાલ સાંભળતા જ મેયર પિંકી સોની ચૂપ થઇ ગયા હતા અને મૌન બનીને જોયા કર્યું હતું. મેયરને ખબર છે કે આ વખતે પરિસ્થિતી વધારે ખરાબ થવાની છે અને ફૂડ પેકેટ આપવા પણ પોતે જઇ શકશે નહી અને કાર્યકરોને મોકલવા પડશે કારણ કે લોકોનો ગુસ્સો સાતમા આસમાને હશે
કમિશનરે કહ્યું, સતત વરસાદ ના પડે તેવી આશા રાખીએ...
શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી 10.5 ફૂટે પહોંચતા મ્યુનિસિપલ કમિશનર અરૂણ બાબુએ કાલાઘોડા ખાતે વિશ્વામિત્રીની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. મ્યુનિસિપલ કમિશ્નરે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં પાણી કન્ટ્રોલ કરવાનો પ્રયાસ કરીશું.આ જ રીતનો વરસાદ હોય તો ઇસ્યુ નથી પણ સતત વરસાદ ના થાય તે માટે આશા રાખીએ છીએ.
કોર્પોરેશનના તમામ સ્ટાફ, ઇજનેરોની રજા રદ કરવી જરુરી...
શહેરમાં આગામી એક સપ્તાહ સુધી ભારે વરસાદની આગાહી છે તે જોતાં કોર્પોરેશન દ્વારા તમામ કર્મચારી, એન્જિનીયરો અને અધિકારીઓની રજાઓ રદ કરવી જરુરી છે અને આ સમગ્ર સ્ટાફ 24 કલાક વોર્ડ કચેરીએ હાજર રહે અને સતત ફિલ્ડમાં ફરીને તકલીફો દુર કરે તે જરુરી છે. ઇજનેરોને 24 કલાક વોર્ડ ઓફિસમાં ડ્યુટી આપવી જોઇએ. ફાયર બ્રિગેડમાં પણ તમામ કર્મચારીઓની રજા રદ કરીને ચીફ ફાયર ઓફિસરને ફાયર કન્ટ્રોલ રુમ દ્વારા મળતી માહિતીના આધારે સતત ફિલ્ડમાં રહેવું જોઇએ
વડસર બ્રિજ નીચે પડ્યો વધુ એક ભુવો...
વડસર રોડ ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે ત્યારે ગત રાત્રે જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પીલર ની બાજુમાં જ માટી ધસી પડતા અંદાજે 100 ફૂટ થી મોટો ભુવો પડ્યો હતોજેથી ભુવા માં ભરાયેલ પાણી કાઢવા પાઇપો મૂકવામાં આવી હતી . આ પાઇપોમાં પણ ઠેક ઠેકાણે લીકેજ જોવા મળ્યું હતું જેમાં કોર્પોરેશન દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કામગીરી કરવા જણાવ્યું હતું.



Reporter: admin