વડોદરા ગ્રામ્ય એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર પી.જે. ખરસાણના માર્ગદર્શન હેઠળ ટીમે કરજણ વિસ્તારમાં કાર્યવાહી કરી ટ્રકમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂની 4,632 બોટલ-બીયરના ટીન, ટ્રક, અર્ટીગા કાર અને મોબાઇલ સહિત કુલ રૂ.29.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઇવેના સાપા ટોલનાકાથી પાદરા તરફના ટ્રેક પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન ભરૂચ તરફથી આવતી અર્ટીગા કાર અને તેની પાછળ આવતી SML ટ્રકને રોકી તપાસ કરવામાં આવી હતી.
ટ્રકમાંથી પ્લાસ્ટિકના થેલામાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ગણતરી કરતાં દારૂની 162 પેટીઓમાંથી કુલ 4,632 બોટલ-બીયરના ટીન મળી આવ્યા હતા, જેની કિંમત રૂ.17.19 લાખ હોવાનું જાણવા મળ્યું હતું.
આ કાર્યવાહી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.કે. ભૂત અને એલ.સી.બી. ટીમે કરી હતી. પોલીસે ટ્રક ચાલક વિકાસકુમાર ખરવાર સહિત અર્ટીગા કારમાં સવાર હસનભાઈ પટેલ, નરેન્દ્રભાઈ સોઢા, દિનેશભાઈ સોલંકી અને સવિતાબેન માવીને ઝડપી લીધા હતા.
પ્રાથમિક પૂછપરછમાં દારૂ દમણના કચી ગામેથી લાવી આણંદમાં વેચાણ માટે લઈ જવાતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગણનાપાત્ર ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.
Reporter: admin







