News Portal...

Breaking News :

દાંડિયાબજારની હોટલના રૂમમાંથી યુવકનો રહસ્યમય હાલતમાં મૃતદેહ મળ્યો, વિસ્તારમાં ચકચાર

2026-08-19 11:55:36
દાંડિયાબજારની હોટલના રૂમમાંથી યુવકનો રહસ્યમય હાલતમાં મૃતદેહ મળ્યો, વિસ્તારમાં ચકચાર

વડોદરાના દાંડિયાબજાર સ્થિત હોટલ વિન્ટેજ ઇનના રૂમ નંબર 302માંથી 29 વર્ષીય યુવકનો રહસ્યમય હાલતમાં મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મૃતકની ઓળખ પાણીગેટ ખાટકીવાડના રહેવાસી ગુલામમુસ્તફા ખુર્શીદઅહમદ નૈયર તરીકે થઈ છે.

મળતી માહિતી મુજબ, મોડી રાત્રે ગુલામમુસ્તફા નૈયર અને ભાયલી ગામના રહેવાસી કિશન વસાવા હોટલમાં આવ્યા હતા. હોટલ દ્વારા બંનેને શરૂઆતમાં રૂમ નંબર 304 આપવામાં આવ્યો હતો. જોકે, રૂમમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા રાત્રે આશરે 3 વાગ્યે બંનેને રૂમ નંબર 302માં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, બંને યુવાનો છેલ્લા કેટલાક સમયથી WhatsApp દ્વારા એકબીજાના સંપર્કમાં હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બંને વચ્ચે સમલૈંગિક સંબંધ હોવાનો અનુમાન કરવામાં આવી રહ્યો છે.

ગુલામમુસ્તફાના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે તેના મિત્ર કિશન વસાવાની અટકાયત કરી છે. યુવકના રહસ્યમય મોતની જાણ પણ કિશન વસાવાએ જ પોલીસને કરી હતી.
ઘટનાની જાણ થતાં ACP અશોક રાઠવા અને રાવપુરા પોલીસ મથકના PI સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.

હોટલના રૂમમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યાની જાણ થતા હોટલ બહાર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને વિસ્તારમાં ચકચાર મચી હતી.
રાવપુરા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Reporter: admin

Related Post