ભારતીય બેડમિન્ટન ખેલાડી ઉન્નતિ હુડાએ BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ 2026માં શાનદાર શરૂઆત કરી છે. ઉન્નતિએ મ્યાનમારની થેત હતાર થુઝારને સીધી ગેમમાં હરાવીને આગામી રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. બંને ખેલાડીઓ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી, પરંતુ ઉન્નતિએ મહત્વની ક્ષણોમાં શાનદાર રમત બતાવી હતી.
પ્રથમ ગેમમાં સતત ઉતાર-ચઢાવ વચ્ચે ઉન્નતિએ 22-20થી જીત મેળવી હતી. બીજી ગેમમાં તેણે આક્રમક શરૂઆત કરતાં 11-1ની મોટી લીડ મેળવી હતી. થુઝારે વાપસીનો પ્રયાસ કરતાં અંતર 20-16 સુધી ઘટાડ્યું હતું, પરંતુ ઉન્નતિએ દબાણ વચ્ચે પણ સંયમ જાળવી રાખ્યો અને અંતિમ પોઈન્ટ મેળવીને મેચ પોતાના નામે કરી હતી.
હવે આગામી રાઉન્ડમાં ઉન્નતિનો મુકાબલો કેનેડાની 13મી ક્રમાંકિત ખેલાડી મિશેલ લી સામે થશે. મિશેલ લીએ ચાઈનીઝ તાઈપેઈની પી. ચિઉને 22-20, 21-12થી હરાવીને આગામી રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે.
આ પહેલા મિક્સ્ડ ડબલ્સમાં રોહન કપૂર અને ઋત્વિકા શિવાની ગડ્ડેની જોડીને કેનેડાની જોનાથન લાઈ અને ક્રિસ્ટલ લાઈની જોડી સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે આયુષ શેટ્ટીએ મોટો અપસેટ સર્જીને ટોચના ક્રમાંકિત અને વર્તમાન ચેમ્પિયન શી યુ કીને હરાવ્યો હતો. જ્યારે એમઆર અર્જુન-હરિહરણ અમસાકરુનન, ત્રિશા જોલી-ગાયત્રી ગોપીચંદ અને પીવી સિંધુએ પણ પોતાની શરૂઆતની મેચ જીતીને શાનદાર શરૂઆત કરી હતી.
Reporter: admin







