પાલિકાના પાપે ફરી નાગરિકો પરેશાન થાય તો નવાઈ નહીં...
બે દિવસ પછી ધીમે ધીમે અલગ અલગ વિસ્તારમાં પાણી ઉતર્યા હતા...
વિશ્વામિત્રી પ્રોજેક્ટના સપના બતાવીને કોર્પોરેશનના શાસકો શહેરમાં પૂર નહીં આવે તેવા દાવા ઠોકી રહ્યા છે. પ્રજા બધુ સમજી ગઇ છે...
વિશ્વામિત્રી પ્રોજેક્ટના સપના બતાવીને કોર્પોરેશનના શાસકો શહેરમાં પૂર નહીં આવે તેવા દાવા ઠોકી રહ્યા છે. પ્રજા બધુ સમજી ગઇ છે...

શહેરમાં વરસાદે બે દિવસ મોકડ્રિલ કરતા પાલિકાની પોલ ખુલી ગઈ હતી. વરસાદના કારણે વિશ્વામિત્રી પ્રોજેક્ટની સાઇટ પરના માટીના ઢગલા નદીમાં જ ગરકાવ થઇ ગયા હતા અને મળેલી માહિતી મુજબ સિંચાઈ વિભાગ કાદવ કીચડ હટાવવાની કામગીરી લાગ્યો છે. જો કે ગુરુવારના રોજ વિશ્વામિત્રીની સાફ સફાઈની કામગીરી કરવામાં આવી ન હતી. જે રીતે કોર્પોરેશન કામ કરી રહ્યું છે તે જોતાં આ વખતે પણ નાગરિકો ભગવાન ભરોસે છે. પૂર નહીં જ આવે તેવી ખાતરીપૂર્વક કોઈ પણ કહી શકે તેમ નથી અને પાલિકાના પાપે ફરી નાગરિકો પરેશાન થાય તો નવાઈ નહીં. બે દિવસના કમોસમી વરસાદમાં પણ શહેર જળબંબાકાર થયું હતું અને બે દિવસ પછી ધીમે ધીમે અલગ અલગ વિસ્તારમાં પાણી ઉતર્યા હતા. જ્યાં વિશ્વામિત્રીના પાણી નથી આવતા એવા શહેરનો પૂર્વ કે પશ્ચિમ વિસ્તાર હોય, તમામ વિસ્તારોમાં સોસાયટીઓ જળબંબાકાર થઇ ગઇ હતી. વરસાદી કાંસોની નિયમીત સફાઇ થઇ ના હોવાના કારણે કાંસમાંથી પાણીનો નિકાલ થઇ શકતો નથી અને ડ્રેનેજની પણ સફાઇ ના થવાના કારણે વરસાદી પાણી નીકળી શકતું નથી. જેથી જળબંબાકારની સ્થિતી પેદા થઇ રહી છે. બે દિવસના વરસાદમાં શહેરની આવી સ્થિતી થઇ ગઇ તો હજુ ચોમાસુ બાકી છે અને ચોમાસામાં શું સ્થિતી થશે તેની કલ્પના પણ કોઇ કરી શકે તેમ નથી. વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં તો માત્ર એક તરફી જ 58 ટકા કામ થયાનો દાવો પાલિકા કરી રહી છે. અને વિશ્વામિત્રી પ્રોજેક્ટના સપના બતાવીને કોર્પોરેશનના શાસકો શહેરમાં પૂર નહીં આવે તેવા દાવા ઠોકી રહ્યા છે. પ્રજા બધુ સમજી ગઇ છે. નદીમાં ઝાડી ઝાંખરા સાફ થઇ રહ્યા છે પણ વાસ્તવમાં તો નદીના કિનારે ગેરકાયદેસર બંધાયેલા મકાનો, મોલ તથા હોસ્પિટલ અને હોટલના દબાણો તોડવાની તાત્કાલિક જરુરી છે તે વાત કોર્પોરેશનના શાસકો સમજતા જ નથી. વરસાદી કાંસો પર ઉભા થઈ ગયેલા દબાણો પણ તોડવા અત્યંત જરુરી છે, મ્યુનિ.કમિશનર અરુણ મહેશ બાબુને પણ કોર્પોરેશનનું તંત્ર કેવી બેદરકારીથી કામ કરી રહ્યું છે તેનો અંદાજ આવી ગયો છે પણ તેમણે પણ વરસાદી કાંસો, ગટરની સફાઇ પર પુરતું ધ્યાન આપવું જ પડશે. દબાણો તોડવા જ પડશે અને તો જ શહેરીજનોને પૂરથી બચાવી શકાશે.

વડોદરા કોર્પોરેશનની કામગીરી તો દિલ્હી પણ જાણે છે...
શહેરમાં હજુ પણ શહેરમાં પ્રી મોનસુનની કામગીરી કરવામાં આવી નથી. પાલિકાના બધા વિભાગોમાંથી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. વડોદરા આમ પણ દિલ્હી સુધી ફેમસ છે. કારણકે વડોદરામાં વિવાદો બહુ ચાલે છે. વડોદરામાં પાલિકા તંત્ર કામ નથી કરતું તથા લોકોને પ્રાથમિક સુવિધા નથી આપતું તે વાતની દિલ્હીના નેતાઓને પણ હવે તો ખબર પડી ગઇ છે. એટલે જ વિશ્વામિત્રી પ્રોજેક્ટની ચાલુ કામગીરીએ મ્યુની. કમિશનરની બદલી કરી દેવામાં આવે છે, તેમના ભ્રષ્ટાચારની ફરિયાદ છેક ગાંધીનગર સુધી ગઈ હતી. આખરે સરકારે આકરા પગલા લેવા પડ્યા હતા. વિશ્વામિત્રીની આસપાસ તો ઠીક પણ જ્યાં નદીને કંઇ લાગતું વળગતું નથી તેવા પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પાણી ભરાયા હતા. આમ છતાં તંત્ર માત્ર વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર ફોકસ કરીને બેઠું છે
કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું...
શહેરમાં બે ઇંચ વરસાદમાં ઠેર પાણી ભરાતા કોંગ્રેસે ગુરુવાર ના રોજ મ્યુનિ.કમિશનરને આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆતો કરી હતી. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ચોમાસુ આવતા પહેલાં જ કોર્પોરેશનની કામગિરીની ઠેર ઠેર પોલ ખુલી ગઇ છે. કેટલાક વિસ્તારોમાં કોન્ટ્રાક્ટરો ડ્રેનેજ લાઇન નાખીને રવાના થઇ ગયા છે પણ ડ્રેનેજમાં પાણી જતું જ નથી. કોન્ટ્રાક્ટરોના પાપે શહેરીજનો હેરાન થઇ રહ્યા છે.
પાણી અને ગટરના કામો ના થયા હોય તેમની સામે નોટિસ ઇસ્યુ કરીને પગલાં લેવાશે...
કોંગ્રેસે આવેદનપત્ર આપીને મારા સમક્ષ વિવિધ સમસ્યાના મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું. ડ્રેનેજ માટે આજે જ બેઠક કરી હતી. વિવિધ સમસ્યા ઉકેલવા કેટલાક તાત્કાલિક તો કેટલાક લાંબા ગાળાના પગલાં લેવા વિશે ચર્ચા કરાઇ છે. નદીમાં ઠલવાતા પ્રદૂષિત પાણીની સમસ્યા અંગે પણ ઉકેલ લવાશે. પાણી અને ગટરના કામો ના થયા હોય તેમની સામે નોટિસ ઇસ્યુ કરીને પગલાં લેવાશે. પ્રજાની સમસ્યા ઉકેલવાનો પ્રયાસ કરીશું.
અરુણ મહેશ બાબુ, મ્યુનિ.કમિશનર



Reporter: admin