સરકારી નોકરી એટલે નિયુક્તિ,બઢતી,બદલી અને નિવૃત્તિનો સરવાળો.તે પછી તેમાં બીજી બાબતો સરકારી સેવાની કારકિર્દી દરમિયાન ઉમેરાય.પરંતુ આ ચાર બાબતો નોકરીના પાયા જેવી છે.
બદલી આમ તો એક વહીવટી પ્રક્રિયા છે.તવા પર શેકાતી રોટલીને પલટાવી પડે.પાકવા મુકેલી કેરીઓને ફેરવવી પડે. નહીં તો રોટલી બળી જાય અને કેરી બગડી જાય.એક જ જગ્યાએ કર્મચારી રહે તેના ફાયદા પણ છે અને ગેરલાભો છે.ખાસ કરીને મહેસૂલ ,પુરવઠા, પોલીસ જેવા અગત્યના વિભાગોમાં નિયમિત પણે એક જ કચેરીમાં ટેબલો બદલાતા રહેવાની અને લગભગ ત્રણ વર્ષના ગાળે સ્થળ બદલવાનો નિયમ છે.આમ,સરકારી તંત્રમાં કચેરીમાં કામગીરીની આંતરિક બદલી કરવાની સાથે સમયાંતરે સ્થળ બદલી કરવામાં આવે છે.તેની પાછળનું મુખ્ય પ્રબળ કારણ કર્મચારી કે અધિકારીઓ ને સ્થાપિત હિત બનતા રોકવાનું છે.લાંબા સમય સુધી એક જ જગ્યાએ ચીટકી રહેવાનું મળે તો કર્મચારી કે અધિકારી મનમાન્યુ કરે,સંબંધો કેળવીને પદનો દુરુપયોગ કરે એવી સંભાવના જોવામાં આવે છે.આવું થાય જ એવું નક્કી માનવું ખોટું છે.પરંતુ શક્યતા તો રહે જ છે.એટલે સરકારી નોકરીમાં બદલીની જોગવાઇ રાખવામાં આવી છે.કેટલીક જગ્યાઓ તો એવી છે કે ત્રણ થી ચાર વર્ષે કર્મચારી સામે થી બદલી માંગે એ હિતાવહ ગણાય.પરંતુ સ્થાપિત હિત ના દુષણો નિવારવા માટેની બદલીની આ જોગવાઇ નો હવે સજા તરીકે ઉપયોગ કરવામાં આવે છે એ જરાય યોગ્ય નથી.
બદલી કરવાથી કર્મચારી કે અધિકારી સુધરી જાય એની કોઈ ખાતરી ન આપી શકે. એ બીજી જગ્યાએ જઈને પણ પોતાના કરતૂતો ચાલુ રાખી શકે છે.એના લીધે છેવટે તો નવી જગ્યાના લોકો,અરજદારો ને હેરાન થવાનો,ત્રાસ ભોગવવાનો વારો આવે છે.બીજું કે કેટલાક અધિકારીઓ બદલીનો કર્મચારીઓ ને દબડાવવા કે ધાકમાં રાખવાના હથિયાર તરીકે ઉપયોગ કરે છે.સાચા અને નિષ્ઠાવાન અધિકારી ખોટું કરવાની ના પાડવાની ટેવ વાળા હોય તો એમની સતત બદલી કરવામાં આવે છે.આમ,બદલીનો ઉપયોગ પોતાના મનસૂબા પાર પાડવા ના હથિયાર તરીકે પણ થાય છે.એટલે ઉપલા સ્તરે પ્રત્યેક બદલીની અથવા શંકાસ્પદ લાગે એવી બદલીઓની ચકાસણી થવી જોઈએ.સામાન્ય અને અસામાન્ય બદલીઓ એવો વિવેક ભેદ કેળવવો પડે.ટુંકમાં,બદલી એક વહીવટી પ્રક્રિયા છે.તંત્રને તાજુ અને ગેરરીતિ,ભ્રષ્ટાચાર ની શક્યતાઓ થી મુક્ત રાખવાની વ્યવસ્થા છે.પરંતુ એનો દુરુપયોગ પ્રત્યેક તબક્કે નિવારવો જરૂરી છે.એમાં વિવેકબુદ્ધિ રાખવી અનિવાર્ય છે...
Reporter: News Plus