જીરીબામ : મણિપુરમાં હિંસાની ઘટનાનો સતત બની રહી છે. જેમાં મણિપુર આસામ- બોર્ડર નજીકના જીરીબામમાં શુક્રવારે પણ ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા. જેમાં બે શિશુ અને એક મહિલાનો સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ કેટલાક દિવસો પહેલા પરિવારના છ સભ્યોનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ મૃતદેહો આસામની સરહદ પર નદીના કિનારેથી મળી આવ્યા હતા. જો કે હજુ સુધી મૃતદેહોની ઓળખ થઈ શકી નથી.પોલીસે કહ્યું કે હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ શકી નથી કે આ મૃતદેહો અપહરણ કરાયેલા લોકોના છે કે અન્ય કોઈના.ઓળખ માટે મૃતદેહોનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. મંગળવારે જ જીરીબામમાં જ સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં ઉગ્રવાદીઓને ઠાર કર્યા હતા. ઉગ્રવાદીઓએ CRPFની ચોકી પર હુમલો કર્યો હતો. આ જ ગામમાં મેઇતેઇ પરિવારના છ લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું.
અધિકારીઓનું કહેવું છે કે ઉગ્રવાદીઓએ એક જ પરિવારનું અપહરણ કર્યું હતું.મણિપુરમાં ગયા વર્ષે 3 મેથી હિંસાની ઘટનાઓ ચાલી રહી છે. કેન્દ્ર સરકારે મણિપુરમાં વધારાના દળો પણ તૈનાત કર્યા છે. જો કે, હિંસા હજુ અટકી નથી. મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં શુક્રવારે સેંકડો લોકો જીરીબામમાં સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા લોકો માટે ન્યાયની માંગ સાથે વિરોધ કરવા માટે રોડ પર ઉતર્યા હતા.
Reporter: admin