News Portal...

Breaking News :

જૈન દેરાસરમાં મહાવીર સ્વામી સહિતની મૂર્તિઓ ખંડિત કરનાર ત્રણ આરોપીની ધરપકડ

2025-03-26 14:39:56
જૈન દેરાસરમાં મહાવીર સ્વામી સહિતની મૂર્તિઓ ખંડિત કરનાર ત્રણ આરોપીની ધરપકડ


વડોદરા : પંચમહાલ જિલ્લાના ઘોઘંબા પાસે આવેલા ધનેશ્વર ગામના જૈન દેરાસરમાં મહાવીર સ્વામી સહિતની મૂર્તિઓ ખંડિત કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 



સોમવારે 10 માર્ચએ બનેલી ઘટના બાદ પોલીસે મંગળવારે 11 માર્ચએ કેટલાક શકમંદોની અટકાયત કરીને પૂછપરછ શરુ કરતાં તેમણે જણાવ્યું હતું કે મસ્તીઓમાં મૂર્તિઓ ખંડિત કરી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ધનેશ્વર ગામમાં વિજય ઇન્દ્ર જગત વિદ્યાલયના પટાંગણમાં ભગવાન મહાવીર સ્વામીનું જિનાલય આવેલું છે. રવિવારે કેટલાંક અજાણ્યા ઇસમો દ્વારા દેરાસરના મિજાગરા નકુચા તોડી અંદર બિરાજમાન ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિને ખંડિત કરવામાં આવી હતી. પલાઠી અને હાથ તોડી નાખવામાં આવ્યા હતા. 


ગર્ભગૃહ બહાર સ્થાપિત ગૌતમ સ્વામીની પ્રતિમાનો તો પલાઠી સિવાયનો સંપૂર્ણ ભાગ તોડી પડાયો હતો અને વલ્લભસૂરી મહારાજની મૂર્તિનું માથું ધડથી અલગ કરી દેવાયું હતું. આ ઘટનાની જાણ વાયુવેગે જૈન સમાજમાં પ્રસરી જતાં ભારે આક્રોશનું વાતાવરણ જોવા મળ્યું હતું.આ મામલે જૈન અગ્રણીઓએ મંગળવારે ઘોઘંબાના રાયગઢ પોલીસ સ્ટેશનના મહિલા પી.આઈ. બી.ટી. બુટીયાને રજૂઆત કરી હતી કે, આરોપીઓને શોધી કાઢવામાં આવે. દુનિયાભરમાં વસતા લાખો જૈનોની ધાર્મિક લાગણી દુભાણી છે. મામલાની ગંભીરતા જોતાં પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું છે અને શકમંદો તથા સીસીટીવીના ફૂટેજના આધારે આ ઘટનાને અંજામ આપનાર તત્ત્વો ઉપર ગાળીયો કસવામાં આવ્યો હતો.

Reporter: admin

Related Post