News Portal...

Breaking News :

સ્વચ્છતામાં પણ વડોદરાના નેતાઓમાં ભારી વિવાદ, આખરે કાર્યક્રમ જ રદ કરવો પડ્યો

2025-05-19 10:04:00
સ્વચ્છતામાં પણ વડોદરાના નેતાઓમાં ભારી વિવાદ, આખરે કાર્યક્રમ જ રદ કરવો પડ્યો


શહેરનાં નેતાઓને હવે સેવાયજ્ઞમાં નહી, હવે મેવાયજ્ઞમાં જ રસ છે.
સ્વચ્છતામાં પણ વડોદરાના નેતાઓમાં ભારી વિવાદ, આખરે કાર્યક્રમ જ રદ કરવો પડ્યો...
એક નેતા બીજા નેતાનું સારું જોઈ શકતો નથી. એકબીજાને પછાડવામાં પડ્યા છે..
સ્થાનિક ચૂંટણી નજીક આવતા, શહેરી બાવાઓનાં તેવર બદલાયા



શહેર પ્રમુખ ડૉ.જયપ્રકાશ સોનીને સ્થાનિક કાઉન્સિલરો અને નેતાઓ ગાંઠતા નથી. એમણે જો ગ્રીન સિગ્નલ આપ્યું હોત તો આ કાર્યક્રમ યથાવત રહ્યો હોત. તેમણે પોતાની એક નવી ટીમ બનાવવી પડશે.

વડોદરા શહેર ભાજપમાં એટલી હદે આંતરિક જૂથબંધી અને આંતરિક રાજકારણ રમાઇ રહ્યું છે કે તેમાં શહેરીજનોને મોટું નુકશાન થઇ રહ્યું છે. કિસ્મતના જોરે પક્ષના સંગઠનમાં કોઇ પણ પ્રકારનું કામ કર્યા વગર નેતા બની ગયેલા કેટલાક લોકો માત્ર પોતાનું જ કદ વધે તેવા પ્રયાસો કરી રહ્યા છે. રવિવારે 18 તારીખે શહેરના હરણી તળાવ ખાતે વોર્ડ નંબર 7ના કોર્પોરેટર બંદિશ શાહે 'સ્વચ્છતાનો સેવાયજ્ઞ' નામનો કાર્યક્રમ યોજ્યો હતો અને તેનું ઉદ્ધાટન પ.પૂ.ગો 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ કરવાના હતા. કાર્યક્રમમાં દંડક બાળુ શુક્લા, મેયર પિંકી સોની, શહેર પ્રમુખ ડો.જયપ્રકાશ સોની સહિતના આગેવાનો હાજર રહેવાના હતા. પણ આંતિરક એવું રાજકારણ રમાયું કે સવારે આ કાર્યક્રમ અચાનક રદ કરી દેવો પડ્યો. રવિવાર સવાર સુધી જોરદાર તૈયારીઓ ચાલી. આખરે પાર્ટી લેવલથી ફોન આવતા રદ્દ કરવાની ફરજ પડી હતી. શહેરના નેતાઓને કદાચ ખ્યાલ નહીં હોય કે આ કાર્યક્રમ કેટલો યોગ્ય હતો. આમ પણ વડોદરા શહેર સ્વચ્છતામાં છેલ્લી હરોળમાં છે. તેની શરમ કરવાના બદલે નેતાઓએ વિવાદ ઉભો કરીને આ કાર્યક્રમ જ થવા ના દીધો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ સ્વચ્છતાના ખુબ આગ્રહી છે. તેમણે સત્તામાં આવતાની સાથે જ દેશવ્યાપી સ્વચ્છતા અભિયાન શરુ કર્યું હતું. હજુ પણ રાજ્યમાં આ અભિયાન ચાલી જ રહ્યું છે. નવનિયુક્ત કમિશનર બાબુજીની પણ પ્રાથમિકતા સ્વચ્છતા ઉપર હતી. વડોદરાના કેટલાક એવા નેતા છે જે ઇચ્છે છે કે વડોદરામાં સ્વચ્છતા અભિયાન શરુ જ ના થાય. આ કાર્યક્રમનો વિરોધ એટલો બધો થયો કે તે શહેરના હાઇકમાન્ડ સુધી મામલો પહોંચ્યો હતો. આખરે હાઇકમાન્ડની સૂચના બાદ આ કાર્યક્રમને રદ કરી દેવામાં આવ્યો હતો. વડોદરામાં રાતોરાત બની ગયેલા નેતાઓ સ્વચ્છતામાં પણ આડોડાઈ કરી રહ્યા છે અને વિવાદ થયો. છ મહિનામાં હવે કોર્પોરેશનની ચૂંટણી આવે છે એટલે નેતાઓએ અત્યારથી જ  બખાડા શરુ કર્યા છે. લોકોને ખબર છે કે પૂરમાં ધારાસભ્યો અને 5 વર્ષમાં કોર્પોરેટરો એ શુ કામ કર્યું છે. પૂરમાં તમામ કોર્પોરેટરો-નેતાઓ ફેઈલ ગયા હતા. સ્વછતાની લીડ કરનાર વોર્ડ નંબર 7ના કોર્પોરેટર બંદિશ શાહનો આ કાર્યક્રમનો મુળ હેતુ તો સ્વચ્છતા કરાવાનો હતો.બધાનું સારુ દેખાત,તેટલું આ નેતાઓ સમજી ના શક્યા. કોઇ પણ કોર્પોરેટર કે ધારાસભ્ય જનહિતમાં કોઇ પણ કામ કરી શકે છે. વડોદરા શહેરની કમનસીબી છે કે પ્રજાના હીતનાં કાર્યક્રમોમાં પણ નેતાઓ બખાડા કરે છે. 



હરણીના નામથી નેતાઓ ગભરાય છે...
વાસ્તવમાં હરણીનું નામ પડતાં જ વડોદરાના શાસક પક્ષના નેતાઓ ગભરાઇ જાય છે. અધુરામાં પુરુ રવિવારનાં રોજ 18 તારીખ હતી. હરણી બોટકાંડને 16 મહિના પુરા થયા છે. જ્યાં આ સ્વચ્છતા કાર્યક્રમ યોજાવાનો હતો તે હરણી તળાવથી માત્ર 500 મીટર દુર છે. નેતાઓ આજ દિન સુધી પીડિતોને વળતર અપાવી શક્યા નથી અને ન્યાય પણ અપાવી શક્યા નથી. ઉલટાનું જવાબદાર અધિકારીઓ હજુ પણ બહાર ફરી રહ્યા છે. વડોદરાના શાસક પક્ષના નેતાઓને આ જવાબદાર અધિકારીઓને જલ્દી પકડવામાં આવે તેવી માંગ કરતા પણ ગભરામણ થાય છે. હરણી તળાવનું નામ છુટતાં નેતાઓને પરસેવો છુટે છે અને તેથી આજનો કાર્યક્રમ રદ કરવા માટે વિવાદ ઉભો કરવામાં આવ્યો હતો. 

સુરેશ ધુળાભાઈ પટેલને કોઈ મોટી જવાબદારી મળે તેવો પણ ભય...
હરણીનાં મોભી-ભામાશા પૂર્વ પ્રમુખ (કોંગ્રેસ) સુરેશ ધુળાભાઈ પટેલ ભલે કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ગયા પણ તેમનું ભાજપમાં જાહેરમાં અપમાન થાય છે. સુરેશ પટેલ, પ્રશાંત પટેલ સહિત જેટલા પણ નેતાઓ કોંગ્રસમાંથી ભાજપમાં આવ્યા તે તમામ, મૌની બાબા બનીને ખેલ જોઈ રહ્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સુરેશ ધુળા પટેલ અને પ્રશાંત પટેલ (ટીકો ) જેઓ કોંગ્રેસમાં પ્રમુખ પદની જવાબદારી ઉપર હતા. ભાજપ પક્ષમાં જોડાયા બાદ પક્ષમાં કાર્યક્રમમાં બોલાવે તો જવાનું, ના બોલાવે તો નહીં જવાનું.પક્ષનો કોઇ પણ પ્રકારે વિરોધ કરવાનો નહી તેવું તેમના મગજમાં ઠસાવી દેવાયું છે. કેટલાક ભાજપના નેતાઓમાં તો ડર પણ છે કે જો સુરેશ ભોળા પટેલને બોલાવીશું તો પક્ષમાં તેમનું સ્થાન અને કદ વધી જશે અને પક્ષ તેમને કોઈ જવાબદારી આપી દેશે. 

સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરે વિવાદ કર્યો.
પાર્ટીના સુત્રોએ કહ્યું કે મુળ આ વિવાદ સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરે ઉભો કર્યો હતો કારણકે બંદિશ શાહ આ કાર્યક્રમથી હીરો બની જશે અને પોતે લોકોની નજરમાંથી ઉતરી જશે તેવા ભયનાં કારણે સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરે વિવાદ ઉભો કરતા મામલો લોકલ હાઇકમાન્ડ સુધી પહોંચ્યો હતો અને રાત સુધી નક્કી રહેલા આ કાર્યક્રમને સવારે છેલ્લી ઘડીએ રદ કરી દેવામાં આવ્યો હતો. વડોદરાના ધારાસભ્યો અને કોર્પોરેટરોએ આ 5 વર્ષમાં અને ખાસ કરીને પૂરના સમયગાળામાં શું કામ કરેલું છે તેની જાણ હવે લોકોને થઇ ગઇ છે. વોર્ડનાં કોર્પોરેટરોએ સ્થાનિક પ્રશ્નોનાં ઉકેલ માટે પાલિકાની વડી કચેરી સુધી જવુ પડે છે. પ્રાથમિક સુવિધા થી હજુ નાગરિકો વંચિત છે. આ નેતાઓને ડર છે કે હવે તેમને ફરીથી ટિકીટ નહી મળે તેથી પાર્ટીમાં બીજાને મોટો થતો અટકાવવા માટે વિવાદ ઉભા કરી રહ્યા છે.

Reporter: admin

Related Post