મંગળવારની મીટિંગોમાં માત્ર આયોજનના વડા, ગ્રાઉન્ડ પર સ્થિતિ સાવ ફ્લોપ
જ્યારે આખું વડોદરા પાણીના એક-એક ટીપા માટે રસ્તા પર ઉતરી આવ્યું છે, ત્યારે મહાશય મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ મંગળવારે રિવ્યૂ બેઠક બોલાવવાનું જ્ઞાન લાધ્યું છે. કમિશનરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ સરકારી મીટિંગમાં અધિકારીઓ સાથે પાણીની ગંભીર કટોકટી અંગે માત્ર ચર્ચાના ગપગોળા હાંકવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાય સમયથી જનતા તરસથી વ્યાકુળ છે, પણ તંત્ર હજુ એ જ વિચારે છે કે મુશ્કેલીને પહોંચી વળવા માટે શું આયોજન કરવું — આથી મોટી શરમજનક બાબત વડોદરા માટે બીજી કઈ હોઈ શકે?
સાહેબે મીટિંગ પતાવીને બહુ સહજતાથી સ્વીકાર્યું કે ઇસ્ટ ઝોનના બે વોર્ડ અને નોર્થ ઝોનના એક વોર્ડમાં લો-પ્રેશર અને ગંદા-દૂષિત પાણીની ગંભીર સમસ્યાઓ નડી રહી છે. પણ સવાલ એ છે કે અત્યાર સુધી આ આખી ફોજ કુંભકર્ણની ઊંઘમાં સૂતી હતી? જ્યારે પાલિકા પોતાનાં પ્લાન્ટ સરખા ચલાવી શકતી નથી, ત્યારે હવે પોતાની નાકામી છુપાવવા માટે જનતાના માથે દોષનો ટોપલો ઢોળવામાં આવી રહ્યો છે.
કમિશનરે આદેશ આપ્યો છે કે લોકો જે ગેરકાયદેસર મોટરો ચલાવીને પાણી ખેંચે છે, તેમની સામે કડક કાર્યવાહી કરો. અરે સાહેબ, જો તમારી સિસ્ટમ પૂરતા પ્રેશરથી પાણી આપતી હોત, તો સામાન્ય નાગરિકને મોટરો લગાવવાની જરૂર જ કેમ પડત? વાત અહીં જ અટકતી નથી. પાલિકાનાં આકાઓનો અહંકાર એ સ્તરે પહોંચ્યો છે કે તેઓ એવો દાવો કરી રહ્યા છે કે કેટલાક લોકો બિનજરૂરી પાણીના ટેન્કરો મંગાવી રહ્યા છે અને સોસાયટીઓમાં સંપ હોવા છતાં કૃત્રિમ અછત ઊભી કરવામાં આવી રહી છે.

ગરમીમાં સુકાતા વડોદરાના લોકો શું શોખ ખાતર ટેન્કરો મંગાવે છે? કમિશનર સાહેબ, એસી કેબિનમાંથી બહાર નીકળીને પૂર્વ વિસ્તારની બહેનોની વેદના જુઓ, તો ખબર પડે કે કૃત્રિમ અછત કોને કહેવાય. બીજી તરફ, ચોમાસું માથે આવીને ઊભું છે ત્યારે તંત્ર જાગ્યું છે. શહેરમાં ચાલતા ડ્રેનેજનાં અધૂરા કામો અને રોડના પેચવર્ક આગામી 15 જૂન પહેલાં પૂરા કરવાની કડક સૂચના અપાઈ છે.
વડોદરાની જનતા સારી રીતે જાણે છે કે દર વર્ષે આવી ખોટી ડેડલાઈનો આપીને માત્ર કાગળો કાળા કરવામાં આવે છે. જો 15 જૂન સુધીમાં આ લઘર-વઘર કામો પૂરા નહીં થાય અને પહેલા જ વરસાદમાં વડોદરા ધોવાશે, તો કમિશનર અને તેમની નકામી અધિકારીઓની ટોળકી જનતાના રોષનો ભોગ બનવા તૈયાર રહે.
વધારાનું પાણી મંગાવવાનું પણ નક્કી કરેલું છે
મીડિયા સમક્ષ કમિશનર અરુણ બાબુએ કહ્યું કે કોર્પોરેશન દ્વારા પાણીની સમસ્યા હલ કરવા માટે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ સાથે વાત કરીને વધારાનું પાણી મંગાવવાનું પણ નક્કી કરેલું છે. એક મહિના માટે થોડું વધારાનું પાણી એક્સેસ મંગાવવામાં આવશે, કારણકે આ વખતે વરસાદ થોડો મોડો આવી રહ્યો છે. હાલમાં પાણીની અછત છે,કેટલીક સોસાયટીઓમાં સંપ બનાવવામાં આવ્યા છે છતાં કૃત્રિમ અછત ઊભી થઈ છે. તેમાં બે વસ્તુ છે—કેટલાક સ્થળોએ ખરેખર પ્રશ્ન છે અને તેમની સમસ્યા હલ કરવા માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ.
Reporter: admin







