News Portal...

Breaking News :

આખરે બાબુજી નર્મદાને શરણે આજવા સરોવરની સપાટી ઘટીને 206 ફૂટે પહોંચી ગઈ

2026-06-10 15:21:23
આખરે બાબુજી નર્મદાને શરણે  આજવા સરોવરની સપાટી ઘટીને 206 ફૂટે પહોંચી ગઈ



વડોદરામાં જળ કટોકટી, તંત્રની અણઆવડત અને ભ્રષ્ટાચારે જનતાને ટીપે-ટીપે તરસાવીને પોતાની નાકામી છુપાવવા હવે નર્મદા નિગમ પાસેથી પાણી ખરીદાશે



વડોદરા આજે કોર્પોરેશન તંત્રના પાપે તરસતી નગરી બની ગઈ છે. છેલ્લા બે મહિનાથી જ્યારે વડોદરાની જનતા 45 ડિગ્રીની અસહ્ય ગરમીમાં પાણીના એક-એક ટીપા માટે ટળવળી રહી હતી, ત્યારે કોર્પોરેશનના આકાઓ અને મ્યુનિસિપલ કમિશનર એસી કેબિનોમાં બેસીને મોટી-મોટી વાતોના વડા કરતા હતા. આજવા સરોવર ખાલી થઈ રહ્યું છે તેની ખબર રાખવાની પણ તકેદારી આ વેકેશન મોડમાં રાચતા અધિકારીઓએ રાખી નથી. પરિણામે આજે વડોદરાના માથે ભયાનક જળ સંકટ આવી પડ્યું છે અને પોતાની નાકામી છુપાવવા માટે કોર્પોરેશને હવે નર્મદા નિગમ સામે ભીખ માંગવાનો વારો આવ્યો છે. આજવા સરોવરની સપાટી ઘટીને 206 ફૂટે પહોંચી ગઈ છે. આ પરિસ્થિતિ કંઈ રાતોરાત સર્જાઈ નથી; છેલ્લા એક મહિનાથી પાણી સતત ઘટી રહ્યું હતું. તેમ છતાં પાલિકાનાં એન્જિનિયરો અને કમિશનર મૂકપ્રેક્ષક બનીને તમાશો જોતા રહ્યા. કોઈ આગોતરું આયોજન કરવામાં આવ્યું નહીં. જ્યારે પાણી સાવ ખૂટી ગયું, ત્યારે અચાનક સફાળા જાગેલા તંત્રએ નર્મદા નિગમ પાસે દૈનિક 30 એમએલડી પાણીની તાત્કાલિક માંગ કરી છે. આ પાણી મફત નથી મળવાનું; વડોદરાની જનતાના વેરાના પૈસા ઉડાવીને આ પાણી ખરીદવામાં આવશે. જે કોર્પોરેશન ભૂતકાળમાં આશરે 4 હજાર કરોડ રૂપિયા નર્મદા નિગમને ચૂકવી શક્યું નથી, તે હવે પોતાની મૂર્ખતા અને અણઆવડતનાં કારણે વડોદરાને દેવાના ડુંગર નીચે વધુ દબાવશે અને નવી ઉધારી કરશે. ખાસ કરીને વડોદરાના પૂર્વ વિસ્તારની સ્થિતિ અત્યંત દયનીય બની છે. ગૃહિણીઓ પાણી માટે રસ્તા પર ઉતરી આવી છે. અસહ્ય ગરમી વચ્ચે છેલ્લા 20 દિવસથી લોકોને કાં તો પાણી મળતું નથી, અને જો મળે છે તો સાવ ઓછા દબાણથી અથવા ગંદુ અને દૂષિત પાણી આપવામાં આવે છે. રોગચાળો ફાટી નીકળવાની પૂરી સંભાવના છે, છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ છે. લોકો સવાલ પૂછે છે કે અમે નિયમિત વેરો ભરીએ છીએ તો અમને શુદ્ધ પાણી કેમ નથી મળતું? અધિકારીઓની નાકામી સાર્વજનિક થતાં હવે શાસક પક્ષના કાઉન્સિલરો પણ પોતાની ચામડી બચાવવા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.


કોર્પોરેશનની આર્થિક કંગાળિયત અને ઉધારનું પાણી
વડોદરા મહાનગરપાલિકાની આર્થિક વ્યવસ્થા સાવ ખાડે ગઈ છે. પાલિકાએ ભૂતકાળમાં નર્મદા નિગમ પાસેથી લીધેલા પાણીના અંદાજે 4 હજાર કરોડ રૂપિયા ચૂકવ્યા નથી. આટલું મોટું દેવું માથે હોવા છતાં અધિકારીઓની આયોજન વિનાની નીતિના કારણે ફરીથી નર્મદા નિગમ પાસેથી 30 MLD પાણી ઉધારી સાથે ખરીદવું પડશે. સ્માર્ટ સિટીનાં નામે કરોડોના ધુમાડા કરનારું તંત્ર જનતાને પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવામાં સાવ નકામું સાબિત થયું છે.





અધિકારીઓનાં બહાનાબાજીનો ફુગ્ગો ફૂટ્યો
જ્યારે વિપક્ષ અને જનતાએ સવાલો ઉઠાવ્યા ત્યારે અધિકારીઓએ એવું લંગડું બહાનું કાઢ્યું કે “નર્મદા નદીમાંથી પાણીની આવક જ નથી.” આ વાત પર કાઉન્સિલરો અને જનતાએ આકરા સવાલો ઉઠાવ્યા છે કે જો નર્મદામાં પાણી ન હોય તો સેંકડો કિલોમીટર દૂર કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી પાણી કેવી રીતે પહોંચી રહ્યું છે? વડોદરા તો નર્મદાની સાવ નજીક છે, તો અહીં જ પાણીની અછત કેમ સર્જાય? જો નર્મદામાં ખરેખર કટોકટી હતી, તો પાલિકાએ મહીસાગર નદીમાંથી પાણી મેળવવાનો વૈકલ્પિક પ્લાન કેમ તૈયાર ન રાખ્યો? આ તમામ સવાલો સાબિત કરે છે કે વડોદરાના અધિકારીઓ માત્ર ભ્રષ્ટાચાર અને આળસમાં રાચે છે; તેમને જનતાની સુખાકારી સાથે કોઈ લેવાદેવા નથી.






જનતા આજે આકરા તાપમાં પાણીના ટેન્કરો પાછળ દોડી રહી છે
વડોદરાની જનતા આજે આકરા તાપમાં પાણીના ટેન્કરો પાછળ દોડી રહી છે. કમિશનરની મોટી-મોટી વાતો અને ડિજિટલ પ્રેઝન્ટેશનો વડોદરાના લોકોની તરસ છિપાવી શક્યા નથી. જો આગામી દિવસોમાં આ ગંભીર બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં નહીં આવે અને પાણી પુરવઠો પૂર્વવત નહીં થાય, તો વડોદરામાં જનઆંદોલન ફાટી નીકળશે અને સ્થિતિ કાબૂ બહાર જશે તેમાં કોઈ શંકા નથી.

Reporter: admin

Related Post