અમદાવાદઃ ગુજરાતભરના ભગવાન જગન્નાથના ભક્તો જેની સૌ કોઈ આખું વર્ષ રાહ જોતા હોય છે, એ અષાઢી બીજનો પાવન અવસર આજે આવી ગયો છે.
અમદાવાદ શહેરમાં આજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળી ચૂકી છે. આજે જગતના નાથ સામે ચાલીને નગરચર્યાએ નીકળ્યા અને ભક્તોને દર્શન આપી રહ્યાં છે. સવારે ચાર વાગ્યે જગતના નાથની મંગળા આરતી કરવામાં આવી હતી. અમદાવાદની રથયાત્રાનો કુલ રૂટ 16 કિમી લાંબો છે. અમદાવાદની રથયાત્રામાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલએ પહિંદ વિધિ કરીને રથ ખેંચ્યો હતો.ભગવાન જગન્નાથની 147મી રથ યાત્રાની તમામ કામગીરીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જેમાં રથયાત્રાનોપ્રારંભ થાય તે પહેલા પહિંદ વિધિ કરવામાં આવે છે. ભાઈ બલભદ્રજી, બહેન સુભદ્રાજી અને ભગવાન જગન્નાથજીને ત્રણેય રથમાં બિરાજમાન કરાય ત્યાર પછી રથયાત્રાના રસ્તાને સોનાની સાવરણીથી સાફ કરાય છે. દેશનો રાજા હોય તે સોનાની સાવરણી લઈને રથયાત્રાના પ્રારંભિક રસ્તાની સફાઈ કરે છે. પરંતુ હાલ રાજ્યના મુખ્યપ્રધાન રથયાત્રાના રસ્તાને સોનાની સાવરણીથી સાફ કરે છે અને ત્યાર પછી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. આને રથયાત્રામાં પહિંદ વિધિ કહેવાય છે.પહિંદ વિધિમાં મુખ્યપ્રધાને સોનાની સાવરણીથી ભગવાનનો રથ સાફ કર્યો હતો.
આ સાથે જ રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રથયાત્રામાં સૌથી આગળ ગજરાજ છે. મોટી સંખ્યામાં શણગારેલા ટ્રક, ભજન મંડળીઓ, અખાડાના કુસ્તીબાજો રથયાત્રામાં જોડાયા છે. ભક્તિના રંગમાં આજે સૌ રંગાઈ જશે અને જગતના નાથના વધામણા કરાશે. પહિંદ વિધિ કર્યા બાદ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જય જગન્નાથનો નારો લગાવ્યો હતો. આ રથયાત્રામાં પહિંદ વિધિનું વિશેષ મહાત્યમ રહેલુ છે.આ અવસરે દેશના ગૃહપ્રધાન અમિત શાહ પણ પહોંચ્યા હતા અને પરિવાર સાથે તેમણે ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બળભદ્રજીની મંગળા આરતી કરી હતી. તેમની સાથે જગદીશ મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર જ્હા જોડાયા હતા. તો મંદિરના પ્રાંગણમાં ભક્તોએ પણ આરતીનો લ્હાવો લીધો હતો.જગન્નાથજી રથયાત્રામાં પહિંદ વિધિનું અનોખું મહાત્મ રહેલુ છે. જેમાં નાથની નગરયાત્રા પહેલા રાજ્યનો રાજા એટલે કે મુખ્યપ્રધાન જગન્નાથજીનો પ્રથમ સેવક હોવાથી તેમના દ્વારા સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરવામાં આવે છે. ગુજરાતમાં આ વિધિને પહિંદ વિધિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ઓડિશાના જગન્નાથ પુરીમાં તેને છેરા પહેરા તરીકે ઓળખવામાં આવે છે. રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા જગતના નાથ નગરયાત્રાએ નીકળે ત્યારે રસ્તો સાફ કરવામાં આવે છે. તથા રાજ્યના પ્રથમ નાગરિક દ્વારા જ ભગવાનના રથનું દોરડું ખેંચીને રથને પ્રસ્થાન કરાવવામાં આવે છે.
Reporter: News Plus