News Portal...

Breaking News :

વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં વાહવાહી લૂંટવા મેયર પોતે જ મેયર પદની ગરિમા ભુલ્યા

2025-03-27 10:00:12
વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં વાહવાહી લૂંટવા મેયર પોતે જ મેયર પદની ગરિમા ભુલ્યા


મ્યુનિકમિશનર -ચેરમેન અને મેયર વચ્ચે સંકલનનો અભાવ....
લો... બોલો હજુ મેયર વિશ્વમિત્રી દબાણો મુદ્દે ચર્ચાની વાત કરે, 
ઝાડી -ઝાંખરા કાઢવાથી શહેરમાં પૂર નહીં આવે?
17 દિવસ માં માત્ર 5 ટકા કામ થયું...

શહેરની વિશ્વામિત્રી નદીમાં પૂર ના આવે તે માટે કોર્પોરેશન દ્વારા શરુ કરાયેલો વિશ્વામિત્રી પ્રોજેક્ટ અત્યારે નેતાઓ માટે લાઇમલાઇટમાં રહેવાનો પ્રોજેક્ટ બની ગયો છે અને સસ્તી પ્રસિદ્ધી મેળવવા માટે રોજે રોજ નેતાઓ અધિકારીઓને સાથે રાખીને સ્થળ નિરીક્ષણ કરી રહ્યા છે.  બુધવારે જો કે મેયર અને સ્થાયી ચેરમેન અને મ્યુનિ.કમિશનર વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો હતો. 


સ્થાયી ચેરમેન અને મ્યુનિ.કમિશનર મંગલ પાંડે બ્રિજ પાસે થઇ રહેલી કામગિરીનું નિરીક્ષણ કરવા માટે વહેલા પહોંચ્યા હતા પણ મેયર મોડા પહોંચ્યા હતા. જો કે સ્થાયી ચેરમેન અને મ્યુનિ.કમિશનરનું તો આ જ કામ છે કે ચાલી રહેલા કામોનું સુપરવિઝન કરીને સુચના આપે પણ મેયર પણ વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં વાહવાહી લૂંટવા માટે સ્થળ વિઝીટ કરી રહ્યા છે. મેયર પદ સૌથી કરતા અલગ છે અને તેની ગરીમા પણ અલગ છે. વડોદરા શહેરની અસ્મિતા મેયર પદ સાથે જોડાયેલી છે પણ હવે તો ખુદ મેયરપદ શોભાવતા નેતાઓ જ મેયરપદની ગરિમા જાળવતા નથી. મેયર આ પ્રકારે ચાલુ કામની વિઝીટ કરે તે મેયરના કામોમાં આવતું જ નથી. કોઇ ફરિયાદ મળી હોય કે કોઇ  ઘટના બની હોય ત્યારે મેયર સ્થળ વિઝીટ કરે તે યોગ્ય વાત છે પણ બિનજરુરી રીતે સ્થાયી ચેરમેન જાય છે અને મ્યુ.કમિશનર જાય છે તેવી વાત જાણી તેમની સાથે હોડમાં પોતે પણ સ્થળ વિઝીટ કરવા જતા રહે તે યોગ્ય નથી. આ જ દર્શાવે છે કે મેયર વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં લાઇમલાઇટમાં રહેવા માગે છે અને લોકોને દર્શાવવા માગે છે કે વિશ્વામિત્રી પ્રોજેક્ટ મારા કારણે શરુ થયો છે પણ મેયર ભુલી જાય છે કે 100 દિવસમાં કોર્પોરેશને એટલે કે તમારે આ કામ પુર્ણ કરી ચોમાસામાં લોકોને પૂરથી બચાવવાના છે અને હજું માત્ર પાંચથી સાત ટકા જ કામ થયું છે. મેયર પોતે આટલી દોડાદોડી કરે છે અને સસ્તી પ્રસિદ્ધી મેળવવાના પ્રયાસો કરે છે પણ એમણે જાણી લેવું જોઇએ કે 17 દિવસ માં માત્ર 5-7 ટકા જ કામ થયું છે. અને તેમાં ઝડપ લાવવાની તમારે અધિકારીઓને સૂચના આપવી જોઇએ. આ રીતે સ્થળ વિઝીટની દોડાદોડી કરવાથી કામમાં સ્પીડ નહી આવે. કોન્ટ્રાક્ટરને તમારી ચેમ્બરમાં બોલાવીને ખખડાવવો જોઇએ તો જ તમારું કામ યોગ્ય રીતે પૂર્ણ થશે. બુધવારે મંગલ પાંડે રોડ પાસેની નદીમાં ચાલી રહેલી કામગિરીનું નિરીક્ષણ કરીને મેયરે દાવો કર્યો કે 4 સેક્શનમાં કામગિરી ચાલી રહી છે અને 130 મશીનો કામે લગાડાયા છે. જળચરોને કોઇ નુકશાન ના થાય તે રીતે કામ કરાઇ રહ્યું છે. જો કે ગેરકાયદેસરના દબાણ વિશે મેયર થોથવાઇ ગયા હતા અને કહ્યું હતું કે જે દબાણો હશે તે ટેક્નિકલી ચર્ચા કરી સ્થળ વિઝીટ કરી જરુરી લાગશે તે કાર્યવાહી કરાશે.  



અત્યાર સુધી પાંચ - સાત ટકા કામ થયું છે....
હોળી ધુળેટીના તહેવારોના લીધે કામ ઓછું થયું હતું પણ હવે કામમાં સ્પીડ આવે તેની સુચના આપી છે. અધિકારીઓ પણ સતત મોનટરીંગ કરે અને પર્યાવરણ ગાઇડલાઇનનું પાલન થાય તથા મગરને નુકશાન ના થાય તેનો પ્રયાસ કરાયો છે. વાઇલ્ડલાઇફના કાર્યકર્તા રેકી કરી સેફ એરીયા બાબતે સિગ્નલ મળે પછી કામ શરુ થાય છે. મગરને હોમલેન્ડ છોડવાની જરુર ના પડે તેની કાળજી રાખી કામ કરાઇ રહ્યું છે. ધીરે ધીરે 16 હજાર ક્યુબીક મીટર માટી કઢાશે 

ડો.શીતલ મીસ્ત્રી, ચેરમેન સ્થાયી સમિતી
ગેરકાયદેસરના દબાણો તો તોડો...
વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં નદીની અંદર રહેલા કે કિનારે રહેલા ઝાડ કાપવાથી કંઇ નહીં થાય પણ નદીના કિનારે જેટલા પણ ગેરકાયદેસર દબાણો છે તેનો સર્વે કરીને તાત્કાલિક અસરથી આ દબાણો દુર કરવાની નક્કર કામગિરી કરવી જોઇએ કારણ કે આ દબાણોના કારણે જ નદીનું ધસમસતુ પાણી કિનારા છોડીને શહેરમાં પ્રવેશી જાય છે. પૂરનું પાણી કિનારે રહેલા ઝાડના કારણે શહેરમાં પ્રવેશતું નથી તે શાસકો અને અધિકારીઓએ સમજી લેવું જોઇએ. ગેરકાયદેસર દબાણો જ પાણીને રોકે છે પણ અત્યારે જે રીતે કામગિરી ચાલી રહી છે તે માત્ર દેખાડો કરવા કે બતાવવા માટે જ કામગિરી થઇ રહી છે તે સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે. 

પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર તો વરસાદમાં જ જળબંબાકાર થાય છે, પૂરના કારણે નહીં...
નદીના પટ પર કે નદીની આજુબાજુ હોય તેવા નીચાણવાળા વિસ્તારમાં પૂરના પાણીની અસર થાય તે દેખીતી વાત છે પણ ચોમાસામાં તો શહેરનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય...બંને તરફના વિસ્તારો જળબંબાકાર બની જાય છે. આ વિશ્વામિત્રીનું એક ઈંચ પાણી નથી,  પણ વરસાદી કાંસોની યોગ્ય સફાઇ ના થઇ હોય, ડ્રેનેજની સફાઇ ના થઇ હોય તેના કારણે થાય છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદી કાંસોની સફાઇ , ડ્રેનેજની સફાઇ, વરસાદી કાંસો પર ઉભા થયેલા દબાણો તોડવાની કામગિરી કરાય તો જ શહેરને જળબંબાકાર થતું બચાવી શકાશે. વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં શહેરમાં જળબંબાકાર નહી થાય તેવું ચિત્ર ઉભુ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટના નામે શાસક પક્ષ ચરી ખાય છે અને કરોડો રુપિયા સ્વાહા થઇ જશે. પણ ખરેખ તો તમામ વિસ્તારોમાં ભલે ગમે તેટલો વરસાદ પડે પણ વરસાદી પાણીનો તુરત જ નિકાલ થાય તેના પર ધ્યાન કેન્દ્રીત કરીને તેવી વ્યવસ્થા કરવી જોઇએ.

વિશ્વામિત્રી સાથે 10 તળાવોની સંગ્રહક્ષમતા વધારાશે
હાલ 4 સેક્શનમાં કામગિરી ચાલી રહી છે અને 130 મશીનો કામે લગાડાયા છે. આગામી દિવસોમાં જરુર પડ્યે વધુ મશીનો લગાવાશે અને કામના કલાકો પણ વધારાશે. નદીના જળચરોને કોઇ નુકશાન ના થાય તે રીતે કામ કરાઇ રહ્યું છે. નદી કિનારે જે દબાણો હશે તે ટેક્નિકલી ચર્ચા કરી સ્થળ વિઝીટ કરી જરુરી લાગશે તે કાર્યવાહી કરાશે. 100 દિવસમાં એટલે કે 19 જૂન સુધીમાં આ કામગિરી કરવાની છે પણ 10 જૂન સુધીમાં તમામ કામગિરી કરી દેવાશે. વિશ્વામિત્રી સાથે 10 તળાવોની સંગ્રહક્ષમતા વધારાશે

પિંકી સોની, મેયર

Reporter: admin

Related Post