News Portal...

Breaking News :

પારુલ યુનિવર્સિટીની બિલ્ડીંગના લોખંડના સ્ટ્રક્ચર ઉપર તંત્રની નજર પડે છે છતાંય કોઈને વાંધો જણાતો નથી

2024-06-20 15:34:59
પારુલ યુનિવર્સિટીની બિલ્ડીંગના લોખંડના સ્ટ્રક્ચર ઉપર તંત્રની નજર પડે છે છતાંય કોઈને વાંધો જણાતો નથી


શહેરના કારેલીબાગ વિસ્તારની પાણીની ટાંકી ચાર રસ્તા પર પારુલ યુનિવર્સિટીની વડોદરા ઓફિસ બિલ્ડીંગની આગળની બાજુએ લોખંડનું સરસ સ્ટ્રક્ચર ઉભુ કરવામાં આવ્યુ છે. ઉપરાંત, એની ઉપર વજનદાર સોલાર પેનલ પણ લગાવવામાં આવી છે.


પારૂલ યુનિવર્સિટીના આવા અનોખા સ્ટ્રક્ચરથી પ્રેરણા લઈને વડોદરાના બીજા બિલ્ડીંગોની આગળ પણ આવા લોખંડના કામચલાઉ સ્ટ્રક્ચર ઉભા કરવા આવે તેવી સંભાવના છે. પારુલ યુનિવર્સિટીની વડોદરા ઓફિસ કારેલીબાગના પ્રાઈમ લોકેશન પર આવેલી છે. સ્વાભાવિક છે કે, આવી સરસ બિલ્ડીંગ પર બધાની નજર પડતી જ હશે. અહીંના વોર્ડ ઓફિસરો પણ એને જોતા જ હશે અને સ્થાનિક કાઉન્સિલરો પણ એની તરફ નજર કરતા જ હશે. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ પણ ક્યારેક તો એને જોઈ જ હશે. અને ખૂણેખાંચરે ફાયર એનઓસીની તપાસ કરતા ફાયર બ્રિગેડે તો એને અચૂક જોઈ જ હશે. બીયુ સર્ટિફિકેટ માટે આખાય શહેરની મોટીમોટી મિલકતોને સીલ મારનારા ટાઉન પ્લાનીંગ વિભાગે તો એને સર્વે પણ કર્યો જ હશે. તેમ છતાંય બિલ્ડીંગની આગળ ઉભા કરવામાં આવેલા લોખંડના કામચલાઉ સ્ટ્રક્ચર ઉપર કોઈ પ્રકારનો વાંધો લેવામાં આવ્યો નથી.


એનો સીધો મતલબ એવો થાય છે કે, આ સ્ટ્રક્ચર ખરેખર વખાણવા લાયક હશે. જો, બિલ્ડીંગની આગળ આવું લોખંડનું સ્ટ્રક્ચર લગાવવાનું પ્રિવિલેજ પારુલ યુનિવર્સિટીને મળતુ હોય તો એ લાઈનની બધી જ ઈમારતોને પણ આવું સ્ટ્રક્ચર ઉભુ કરવાની પરવાનગી મળી શકશે. ખેર, અમારું તો સ્પષ્ટ માનવુ છે કે, જો પારુલ યુનિવર્સિટી આવુ કરી શકતી હોય અને કોર્પોરેશનને એમાં કોઈ વાંધો ના જણાતો હોય તો શહેરમાં બધા જ લોકો આ પેટર્ન અનુસરીને પોતપોતાના ઘર કે, બિલ્ડીંગની બહાર મોટામોટા લોખંડના સ્ટ્રક્ચર ઉભા કરી દે તો નવાઈ નહીં. (અમારે અહેવાલ એટલે લખવો પડે છે કારણ કે, પારુલ યુનિવર્સિટીની બહાર ઉભેલા લોખંડના સ્ટ્રક્ચરને પડદા નાંખીને પણ ઢાંકી શકાય એમ નથી. જો, અમે એને જોઈ શકતા હોય તો સ્વાભાવિક છે કે, કોર્પોરેશનના બધા જ અધિકારીઓએ એને જોયું જ હશે. તેમ છતાંય કોઈ પગલા લેવાયા નથી. આવું કેવી રીતે થઈ શકે ? તેનો ખુલાસો કરવો અમને જરૂરી નથી લાગતો કારણ કે, તમે ખુદ સમજદાર છો...)

Reporter: News Plus

Related Post