વડોદરાની સયાજી હોસ્પિટલમાં આવેલ મેડીકલ કોલેજ એડિટોરિયમ ખાતે આજે લઘુ ઉદ્યોગ ભારતી ક્ષેત્રિય સંમેલન યોજવા જઈ રહ્યું છે.
આ કાર્યક્રમમા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેવાના છે તે પૂર્વ જ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયેલ અને વિશ્વામિત્રીમાં સાફ સફાઈ કરી રહેલાં આપના 10 કાર્યકર્તાઓની અટકાયત કરી છે. આ સાથે મુખ્યમંત્રીના આગમન પૂર્વે સયાજી હોસ્પિટલની આસપાસ સાફ-સફાઈ, રંગરોગન અને જ્યાં દિવસભર હોસ્પિટલના ગેટ બહાર ખાનગી એમ્બ્યુલન્સનો જમાવડો રહેતો હતો ત્યાં આજે સન્નાટો જૉવા મળી રહયો છે. આ સાથે જ જે લોકો ત્યાં વ્યવસાય કરતા હતા તેઓના દબાણો ઉપર આજે દબાણ શાખાએ સપાટો બોલાવ્યો છે. આ દરમિયાન દબાણ શાખાની ટીમના અધિકારીઓ અને એક દારૂડિયા વચ્ચે જૉવા જેવી થઈ હતી.હોસ્પિટલના ગેટની બહાર વ્યવસાય કરતા કોઈ વ્યક્તિના કેબિન અને સામાન દબાણ શાખા હટાવવા માટે આવી હતી. ત્યારે તે વ્યક્તિ નશામાં ધૂત હતો અને પોતાનો સામાન ન લઈ જવા દબાણ શાખા સાથે આજીજી કરતો રહયો હતો.
ત્યારે ક્યારે ન ફરકેલ દબાણ શાખાના અધિકારીઓ આજે મુખ્યમંત્રીના આગમન પૂર્વે ત્યાં પહોંચ્યા ત્યારે બંને વચ્ચે જૉવા જેવી થઈ હતી અને દારૂડિયાએ પોતાના માથા પર પથ્થર લીધો અને જમીન પર પણ તે માથા ફૂટતો નજરે પડ્યો હતો.તો બીજી તરફ સામાન ભરતાની સાથે જ આ દારૂડિયાએ બાજુમાં રહેલ ઝાડના કેબલ સાથે ગળેફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે દબાણ શાખાના એક કર્મચારીએ કટર વડે વાયર કાપી લીધું હતું. બાદમા દબાણ શાખા ની ટીમ નીકળતી હતી. ત્યારે દારૂડિયો તેઓની ગાડીની આસપાસ આજીજી કરતો નજરે પડ્યો હતો. મુખ્યમંત્રીના આગમન પૂર્વે કોઈપણ પ્રકારનો વિરોધ કે અડચણ ઊભી ન થાય તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવે છે. હોસ્પિટલ ની આસપાસના દબાણોને દૂર કરવામાં આવ્યા છે અને પોલીસને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. દરમિયાન વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજ પર આવેલા ઘાટ પર સાફ-સફાઈ કરી રહેલા આમ આદમી પાર્ટીના 10 જેટલાં કાર્યકર્તાઓની અટકાયત પોલીસે કરી હતી.
Reporter: admin