નવી દિલ્હી : કોઈપણ ભાષા શીખવામાં દિલચસ્પી હોય તો આ બધે બધું ઓન-લાઇન શકય જ નહીં, એકદમ સરળ છે. આ સીધી, સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિમાં સામેલ થવાની ઝંખના કયારેક ભયંકર પરિણામ સુધી ઢસડીને લઇ જઇ શકે છે.
ઇન્ટરનેટના આગમન બાદ ઘણું-ઘણું ઓનલાઇન શીખવાનું શકય અને સરળ બની ગયું છે. સંગીત, ધાર્મિક, સત્સંગ, ભાષાઓ શીખવી, અમુક રમત શીખવાથી લઇને અમુક પ્રવૃત્તિમાં સામેલ થઇ શકાય છે અને એ પણ ઘરના ઉમરાની બહાર પગ મૂકયા વગર.આ સાથે વિવિધ બાબતો જાણવા, સમજવા અને શીખવાના શોખ પણ પૂરા થઇ શકે છે.જ્ઞાન પ્રસાર માટે ઇન્ટરનેટનો ખૂબ મોટો આશીર્વાદ છે, પરંતુ દરેક સિક્કાની બે બાજુ હોય છે. એ જ રીતે ઓનલાઇન શિક્ષણને નામે ઘણીવાર ભળતા જ લફડામાં ભેરવાઇ જવાની ધાસ્તી રહે છે.સાયબર ઠગી દ્વારા નીતનવી મોડસ ઓપરેન્ડીથી કાળી કમાણીની આવક ગુમાવી દેવી એ હવે રોજબરોજની ઘટના બની ગઇ છે, પરંતુ એનાથીય વધુ જોખમ ઇન્ટરનેટ થકી ઊભા થયા છે.
આવા એક આઘાતજનક કૌભાંડને અમુક સમય અગાઉ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ પકડી પાડયું હતું. ભાષા શીખવવાને નામે આતંકવાદીઓની ભરતીનું ષડયંત્ર ચાલતું હતું. એનઆઇએ દ્વારા ઇસ્લામિક સ્ટેટ (આઇ.એસ.)ની પ્રવૃત્તિ સંબંધી ૩૧ સ્થળે દરોડા પડાયા હતા. ટેલિગ્રામ અને વૉટ્સએપ એપ જેવા દ્વારા ભારતીય યુવાનોને અરબી ભાષા શીખવવાના ઓઠા હેઠળ, કટ્ટરવાદી બનાવ્યા બાદ આતંકવાદમાં પલોટવાનો કારસો રચાયાનો દાવો કરાયો હતો.આ કામગીરી એક-બે સ્થળેથી જ નહોતી ચાલતી. એન.આઇ.એ. તામિલનાડુ અને તેલંગણાના મળીને કુલ ૩૧ સ્થળે ત્રાટકયું હતું. આઇ.એસ.ના પીઠબળથી ચાલતી આ નિમણૂક ઝુંબેશને તોડી પાડવા માટે ચેન્નાઇના ત્રણ, કોઇમ્બતુરના ૨૨ અને તેલંગણામાં પાંચ સ્થળે દરોડા પડાયા હતા.
Reporter: News Plus