News Portal...

Breaking News :

એસએસજી હોસ્પિટલમાં દવાની બારીઓ પર હોબાળો, દર્દીઓ કલાકો સુધી લાઈનમાં

2026-07-21 11:00:27
એસએસજી હોસ્પિટલમાં દવાની બારીઓ પર હોબાળો, દર્દીઓ કલાકો સુધી લાઈનમાં

શહેરની એસએસજી હોસ્પિટલમાં સરકારી દાવાઓ અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત ફરી એકવાર સામે આવ્યો છે. હોસ્પિટલના આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ (ઓપીડી) ખાતે દવાની બારીઓ પર વહેલી સવારથી જ દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓની કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી રહી છે. કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ દવાઓ ન મળતાં આજે દર્દીઓનો આક્રોશ ફાટી નીકળ્યો હતો અને ઓપીડી પરિસરમાં ભારે હોબાળો મચ્યો હતો.

હોસ્પિટલમાં પ્રતિદિન હજારોની સંખ્યામાં દૂર-દૂરના ગ્રામ્ય વિસ્તારોમાંથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ સારવાર માટે આવે છે. પરંતુ તબીબને બતાવ્યા બાદ અસલી યાતના દવાની લાઈનમાં શરૂ થાય છે. દર્દીઓનો આક્ષેપ છે કે દવાની બારીઓ પૂરતી સંખ્યામાં ચાલુ રાખવામાં આવતી નથી. અસહ્ય ગરમી અને બફારા વચ્ચે નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધ દર્દીઓ કલાકો સુધી પગભર ઊભા રહેવા મજબૂર બન્યા છે. તેમ છતાં હોસ્પિટલ પ્રશાસન દ્વારા પીવાના પાણી કે બેસવાની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી.

લાંબી લાઈનોમાં ઊભા રહ્યા બાદ જ્યારે દર્દીનો નંબર આવે છે, ત્યારે પણ તેમને પૂરતી દવાઓ મળતી નથી. કેસ પેપર પર લખાયેલી ચાર દવાઓમાંથી માત્ર બે જ દવાઓ સરકારી સ્ટોકમાંથી આપવામાં આવે છે અને બાકીની દવાઓ બહારના મેડિકલ સ્ટોરમાંથી ખરીદવાની સલાહ આપવામાં આવે છે. જો દવાઓ બહારથી જ લેવી પડતી હોય, તો આટલી મોટી સરકારી હોસ્પિટલનો શું અર્થ? એવો તીખો સવાલ આક્રોશિત દર્દીઓએ ઉઠાવ્યો હતો.
હોસ્પિટલમાં ઓપીડીના કલાકો દરમિયાન થતી આ ગીચતા અને ધક્કામુક્કી નવી વાત નથી, પરંતુ હોસ્પિટલના સત્તાધીશો આ કાયમી સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ નીવડ્યા છે. જો ટોકન સિસ્ટમ અથવા ડિજિટલ વિતરણ પદ્ધતિ શરૂ કરવામાં આવે અને દવાની બારીઓની સંખ્યા વધારવામાં આવે, તો જ આ હાલાકીમાંથી મુક્તિ મળી શકે તેમ છે. હવે જોવાનું એ રહેશે કે આ સમાચાર બાદ હોસ્પિટલ તંત્ર જાગે છે કે દર્દીઓને આમ જ લાઈનોમાં પીડાવા માટે છોડી દેવાય છે.

Reporter: admin

Related Post