કલાનુભૂતિના આયોજને આજે વડોદરાના સર સયાજીરાવ નગર ગૃહ ખાતે પરમ પૂજ્ય શ્રી જગદીશાનંદજી (રંગબાળ)ના સ્વ કંઠે પ્રસ્તુત ભવ્ય સંગીતમય કાર્યક્રમ "હું છું ગુજરાતી..." ભાવભેર અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો. કાર્યક્રમ દરમિયાન ભજન, લોકસંગીત અને સંતવાણીના દિવ્ય સ્વરોના સંગાથે ઉપસ્થિત સંગીતરસિકો ભક્તિરસમાં લીન બન્યા હતા. ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા, આધ્યાત્મિક મૂલ્યો અને ગુજરાતી અસ્મિતાનો અનોખો સંગમ સર્જતા કાર્યક્રમને ઉપસ્થિત સૌએ હૃદયપૂર્વક વધાવ્યો હતો.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ઉપરાંત ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, ગુજરાત સરકારના મંત્રીશ્રી તથા શહેર વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ, શહેર ભાજપ અધ્યક્ષ ડૉ. જયપ્રકાશભાઈ સોની, વડોદરા મહાનગરપાલિકાના મેયર ગીતાબેન મકવાણા, ધારાસભ્યઓ તેમજ શહેરના મહાનુભાવો, કલાકારો, આગેવાનો અને મોટી સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવવંતો બનાવ્યો હતો.

કાર્યક્રમના અંતે કલાનુભૂતિ દ્વારા તમામ મહાનુભાવો, કલાકારો, સહયોગીઓ અને ઉપસ્થિત સંગીતપ્રેમીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Reporter: admin







