જૂનાગઢ: કેશોદના માંગરોળ રોડ ઓવરબ્રિજ નજીક સર્વિસ રોડ પર પૂરઝડપી કારે રિક્ષા અને બાઈકને અડફેટે લેતા ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર, રિક્ષા અને બાઈક પર સવાર કુલ પાંચ લોકોને ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, વેરાવળ તરફથી પૂરઝડપે આવી રહેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર બેકાબૂ બન્યા બાદ રસ્તા પરથી પસાર થઈ રહેલી રિક્ષા અને બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણેય વાહનોને ભારે નુકસાન થયું હતું અને ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.
અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત પાંચેય લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. કેશોદ પોલીસે CCTV ફૂટેજના આધારે ફરાર કારચાલકની શોધખોળ શરૂ કરી છે. પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Reporter: admin







