કોચી: કુઆલાલંપુરથી કોચી આવી રહેલી બાટિક એરની ફ્લાઇટમાં ત્યારે અફરાતફરી મચી ગઈ, જ્યારે એક મુસાફરે ઉડાન દરમિયાન વિમાનનું ઇમરજન્સી એક્ઝિટ ખોલવાનો પ્રયાસ કર્યો. આરોપીની ઓળખ જામશીર અથાનિક્કલ તરીકે થઈ છે. જણાવ્યા મુજબ તેણે ઇમરજન્સી એક્ઝિટ સાથે ચેડાં કર્યા હતા અને તેની બારીના પેનલને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત તેણે કેબિન ક્રૂ અને અન્ય મુસાફરો સાથે અભદ્ર વર્તન કરીને તેમને ધમકી આપી હતી.
પરિસ્થિતિ બગડતા કેબિન ક્રૂએ તાત્કાલિક કાર્યવાહી કરીને મુસાફરને કાબૂમાં લીધો. વિમાન સુરક્ષિત રીતે કોચી એરપોર્ટ પર ઉતર્યા બાદ એરલાઇનની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
તેની સામે વિમાન અધિનિયમ, ભારતીય ન્યાય સંહિતા (BNS) તેમજ કેરળ પોલીસ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
Reporter: admin







