વિદેશ મંત્રાલય (MEA)એ ગુરુવારે જાહેરાત કરી કે વર્ષ 2003 બેચના ભારતીય વિદેશ સેવા (IFS)ના અધિકારી દેવેશ ઉત્તમને ફેડરલ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ઇથિયોપિયામાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ ટૂંક સમયમાં પોતાની નવી જવાબદારી સંભાળશે. હાલ તેઓ લિથુઆનિયામાં ભારતના રાજદૂત તરીકે ફરજ બજાવી રહ્યા છે અને ઇથિયોપિયામાં વર્તમાન રાજદૂત અનિલ કુમાર રાયનું સ્થાન લેશે.
ભારત અને ઇથિયોપિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર રીતે મજબૂત બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇથિયોપિયા મુલાકાત દરમિયાન બંને દેશોએ પોતાના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે પહોંચાડ્યા હતા. વેપાર, રોકાણ, કૃષિ, ટેક્નોલોજી, આરોગ્ય અને ક્ષમતા નિર્માણ જેવા વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે અનેક મહત્વપૂર્ણ કરારો પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
દેવેશ ઉત્તમ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને વર્ષ 2003માં ભારતીય વિદેશ સેવામાં જોડાયા હતા. તેમણે વિદેશ મંત્રાલયમાં કાઉન્સ્યુલર, પાસપોર્ટ અને વિઝા (CPV) વિભાગના વડા સહિત અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. ઉપરાંત તેઓ ઇરાન, લિબિયા, સીરિયા તેમજ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. તેમના લાંબા અને સમૃદ્ધ રાજદ્વારી અનુભવને ધ્યાનમાં રાખીને ઇથિયોપિયામાં તેમની નિમણૂક ભારત-ઇથિયોપિયા સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Reporter: admin







