News Portal...

Breaking News :

એસએસજી હોસ્પિટલની કેન્ટીનમાં આરોગ્ય વિભાગનો દરોડો, અસ્વચ્છતા સામે આવી

2026-07-21 10:57:06
એસએસજી હોસ્પિટલની કેન્ટીનમાં આરોગ્ય વિભાગનો દરોડો, અસ્વચ્છતા સામે આવી

મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ગણાતી વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં આજે પાલિકાના આરોગ્ય અને ખોરાક શાખા દ્વારા અચાનક હાથ ધરવામાં આવેલા સરપ્રાઇઝ ચેકિંગથી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓ માટે કાર્યરત હોસ્પિટલ પરિસરની મુખ્ય કેન્ટીનમાં મોટાપાયે અસ્વચ્છતા અને નિયમોના ભંગની બાબતો સામે આવતાં વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, પાલિકાના ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરોની ટીમે સવારે અચાનક કેન્ટીનમાં દરોડો પાડ્યો હતો. આ તપાસ દરમિયાન કેન્ટીનના રસોડામાં અત્યંત ગંદકી જોવા મળી હતી. રસોઈ બનાવવા માટે વપરાતા વાસણો અસ્વચ્છ હતા, જ્યારે ખુલ્લામાં રાખવામાં આવેલી ખાદ્ય સામગ્રી પર માખીઓ ગણગણતી નજરે પડી હતી. આ ઉપરાંત, અગાઉથી બનાવી રાખેલો અને વાસી થઈ ગયેલો ખોરાક પણ ગ્રાહકોને પીરસવામાં આવતો હોવાનું બહાર આવ્યું હતું.
આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પરથી તેલ, લોટ, તૈયાર મસાલા અને અન્ય ખાદ્યપદાર્થોના શંકાસ્પદ નમૂનાઓ લીધા છે. આ નમૂનાઓને વધુ તપાસ અને લેબોરેટરી વિશ્લેષણ માટે મોકલી આપવામાં આવ્યા છે.

હોસ્પિટલ એવી જગ્યા છે જ્યાં હજારો દર્દીઓ અને તેમના સ્વજનો સારવાર અને આશા સાથે આવે છે. જો અહીં જ અસ્વચ્છ અને દૂષિત ખોરાક આપવામાં આવે તો રોગચાળો ફેલાવાનો ભય રહે છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર કોઈ પણ સંચાલકને બક્ષવામાં ન આવે તેવી લાગણી દર્દીઓના સ્વજનોએ વ્યક્ત કરી હતી.
સરકારી હોસ્પિટલની કેન્ટીનમાં આ પ્રકારની બિન-આરોગ્યપ્રદ પરિસ્થિતિ સામે આવતાં સ્થાનિકો અને દર્દીઓના સગાંઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ પણ આ કેન્ટીનના ખોરાકની ગુણવત્તા અંગે મૌખિક ફરિયાદો ઉઠી હતી, પરંતુ આજે પાલિકાના દરોડા બાદ આ ક્ષતિઓ સપાટી પર આવી છે.
આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે શહેરની અન્ય હોસ્પિટલો અને જાહેર સ્થળો પર આવેલી કેન્ટીનોમાં પણ આગામી દિવસોમાં આ પ્રકારનું સઘન ચેકિંગ ચાલુ રાખવામાં આવશે.

Reporter: admin

Related Post