હરણી રોડ શ્રીવિજય નગરમાં પાઇપલાઇન લીકેજથી રોજ હજારો લીટર પાણી રસ્તા પર વહી જતાં રહીશોમાં રોષ
કલ્પના નગર સહિત 10 થી વધુ સોસાયટીઓમાં પીવાના પાણીની અછત વચ્ચે તંત્રની બેદરકારી સામે નાગરિકોમાં આક્રોશ, માટલા ફોડ આંદોલનની ચીમકી

વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં આવેલા વોર્ડ નંબર 4 માં તંત્રની અણઆવડત અને ઘોર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેણે સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ જગાવ્યો છે. સમગ્ર શહેરમાં જ્યારે ભરઉનાળે પીવાના પાણી માટે કટોકટી સર્જાઈ છે, ત્યારે આ વિસ્તારમાં એક તરફ વિરોધાભાસી સ્થિતિ જોવા મળી રહી છે. .

વોર્ડ 4 માં આવેલી કલ્પના નગર સહિતની 10 થી વધુ સોસાયટીઓના રહીશોને છેલ્લા ઘણા સમયથી પીવાનું પૂરતું પાણી મળી રહ્યું નથી અને લોકો ટીપે-ટીપા માટે તરસી રહ્યા છે, જ્યારે બીજી તરફ હરણી રોડ પર આવેલા શ્રીવિજય નગરમાં લાંબા સમયથી કિંમતી પીવાના પાણીનો બેફામ બગાડ અને વેડફાટ થઈ રહ્યો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, શ્રીવિજય નગર વિસ્તારમાં પીવાની મુખ્ય પાઇપલાઇનમાં લીકેજ અથવા તંત્રની લાપરવાહીના કારણે રોજ હજારો લીટર ચોખ્ખું પાણી રસ્તા પર વહી રહ્યું છે. આ અંગે પૂર્વ ઝોનના જવાબદાર અધિકારીઓ અને સ્થાનિક રાજકીય હોદ્દેદારોને વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. અધિકારીઓની આ કડવી ઉદાસીનતાને કારણે નાગરિકો હવે એવો ગંભીર આક્ષેપ કરી રહ્યા છે કે શું આ બધું જાણીજોઈને ખાનગી 'ટેન્કર રાજ' ને પ્રોત્સાહન અને સમર્થન આપવા માટે કરવામાં આવી રહ્યું છે? વિસ્તારની મહિલાઓએ રોષ ઠાલવતા કહ્યું કે એક સોસાયટીમાં પાણીના વલખાં છે અને બાજુમાં જ પાણી રસ્તા પર વહીને ગટરમાં જઈ રહ્યું છે. કોર્પોરેશન વેરો વસૂલવામાં તો સહેજ પણ મોડું કરતું નથી, પરંતુ સુવિધા આપવાના નામે મીંડું સાબિત થયું છે. કાળા ડિબાંગ ઉનાળામાં પણ આવી ગંભીર સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરનારા અધિકારીઓ અને સત્તાધીશો સામે સ્થાનિકોમાં ઉગ્ર નારાજગી વ્યાપી ગઈ છે. રહીશોએ ચીમકી આપી છે કે જો આ પાણીનો વેડફાટ તાત્કાલિક અટકાવીને પાણી વગર ટળવળતી સોસાયટીઓમાં પૂરતો પુરવઠો આપવામાં નહીં આવે, તો તેઓ આગામી દિવસોમાં પૂર્વ ઝોન ઓફિસની બહાર માટલા ફોડીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે
Reporter: admin







