એનડીપીએસ એકટની કલમ 27 A મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો...
અકસ્માતમાં એક મહિલાનુ મોત,એક બાળક-બાળકી સહિત કુલ 7ને ઈજા થઈ હતી...
વડોદરામાં ગત 13 માર્ચે હોળીની રાત્રે રક્ષિત ચૌરસિયાએ આઠ લોકોને અડફેટે લીધા હતા જેમાંથી એક મહિલાનું મોત થયું હતું. ત્યારે આ આરોપીએ ગાંજાનું સેવન કર્યું હોવાનો શુક્રવારે ઘટસ્ફોટ થયો છે. જે-તે સમયે પોલીસે બ્લડ સેમ્પલ લઈ એફએસએલમાં તપાસ માટે મોકલ્યા હતા. જેનો રિપોર્ટ આવતા પોલીસે રક્ષિત ચૌરસિયા, પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. ત્યારે પ્રાંશુ ચૌહાણને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે. જ્યારે સુરેશ ભરવાડ અકસ્માતના ચોથા દિવસથી ભાડાનું ઘર ખાલી કરી ફરાર થઈ ગયેલો છે.. રક્ષિત ચૌરસિયાના રિમાન્ડ બાદ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. હવે આરોપીને ધરપકડ વોરંટ આધારે જેલમાંથી અટકાયત કરી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરશે. ત્રણેય જણાએ ગાંજો સુરેશના ઘેર પીધો હતો કે કેમ તેની તપાસ પણ શરુ કરાઇ છે.

શહેરના કારેલીબાગ વિસ્તારમાં થયેલા અકસ્માત બાદ આરોપી રક્ષિત ચૌરસીયા, પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમના બ્લડ સેમ્પલને FSLમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં ખુલાસો થયો કે રક્ષિત, પ્રાંશુ અને સુરેશના બ્લડ સેમ્પલમાં ગાંજાની હાજરી સામે આવી હતી. ત્યારે હવે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ત્રણેય સામે એનડીપીએસ એકટની કલમ 27 A મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને હવે એકબાદ એક આરોપીના રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આ ગુનામાં હાલમાં રક્ષિત ચૌરસિયા અને પ્રાંશુ ચૌહાણ બંને પોલીસ કસ્ટડીમાં છે, ત્યારે ત્રીજો આરોપી સુરેશ ભરવાડના ઘેર તપાસ કરતા તે આ ભાડાનું મકાન અકસ્માતની ઘટનાના ચાર દિવસ બાદ છોડીને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ મકાનમાં સુરેશ ભરવાડ રહેવા આવ્યાના માત્ર 13 દિવસ થયા હતા અને આ અકસ્માતની ઘટના બની હતી. તે જ રાત્રે પોલીસે આ સુરેશ ભરવાડ સહિત ત્રણેય આરોપીને દબોચી પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ બાદ સુરેશ ભરવાડ ભાડાના મકાનમાં સામાન લઈ ચાલ્યો ગયો હોવાનું મકાન માલિકે જણાવ્યું હતું.
સુરેશ ભરવાડના ઘરે રોકાયા હતા ત્યારે આ અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા અને તેમાં આ ત્રણેય મિત્રો સુરેશ ભરવાડના ભાડાના મકાનમાં 45 મિનિટ સુધી રોકાયા હતા. ત્યારે સવાલ થઈ રહ્યા છે કે તે રાત્રે આ ત્રણે આરોપીઓએ ગાંજાનું સેવન કર્યું હતું તે ક્યાં કર્યું હતું અને કેટલી માત્રામાં કર્યું હતું. હવે પોલીસ બંને આરોપીના રિમાન્ડ બાદ આ ગાંજાનું સેવન ક્યાં કર્યું હતું, ક્યાંથી લાવ્યા હતા અને તેમની સાથે અન્ય કોણ કોણ હતા તે દિશામાં તપાસ કરશે.
ઉલ્લેખનિય છે કે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે 13 માર્ચ, 2025ની રાત્રે નશામાં ચૂર કારચાલકે 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા, જેમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમના પતિ પૂરવ પટેલને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનામાં એક બાળક-બાળકી સહિત કુલ 7ને ઈજા થઈ હતી. અકસ્માત બાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આરોપી કારચાલક રક્ષિત રવિશ ચૌરસિયા (વારાણસી, ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરી સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો હતો.
સુરેશ પોલીસની નિષ્કાળજીથી થયો ફરાર
અકસ્માત બાદ ત્રણેયના પોલીસે બ્લડ સેમ્પલ લીધા ત્યારે સવાલ થાય છે કે પ્રાંશુ ચૌહાણ ઝડપાયો અને સુરેશ કઈ રીતે ફરાર થયો. સુરેશ ભરવાડને શોધવા પોલીસ ટીમો બનાવી કામગીરી કરી રહી છે ત્યારે સુરેશ પર પોલીસે વોચ રાખી હોત તો કદાચ આજે તેને શોધવો ન પડત.
Reporter: admin