ચેપી રોગ દવાખાના નજીક રસ્તો ધસી પડતાં ડ્રેનેજ લીકેજને જવાબદાર ગણાઈ રહ્યું છે
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ચેપી રોગના દવાખાના નજીક મુખ્ય માર્ગ પર આજે એક મોટો ભૂવો પડતાં સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. સતત વાહનવ્યવહારથી ભરેલા આ માર્ગ પર અચાનક ભૂવો પડતાં ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી અને સ્થાનિકોએ તાત્કાલિક અવરજવર રોકી દીધી હતી.
સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં ડ્રેનેજ લાઇન અને પાણીની પાઈપલાઈનમાં વારંવાર લીકેજની સમસ્યા જોવા મળી રહી છે. આ લીકેજને કારણે જમીન ધીમે ધીમે ખોખલી બની રહી હતી, જેના કારણે અંતે મુખ્ય માર્ગનો ભાગ ધસી પડ્યો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી મરામત કામગીરીમાં યોગ્ય ગુણવત્તા જાળવવામાં આવતી નથી, જેના પરિણામે ચોમાસા પૂર્વે જ શહેરના રસ્તાઓની સ્થિતિ ખરાબ થઈ રહી છે. વારંવારના પેચવર્ક અને તાત્કાલિક સમારકામ છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતાં જનતામાં અસંતોષ વધતો જોવા મળે છે.
સ્થાનિકોએ વડોદરા મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓને અપીલ કરી છે કે તેઓ માત્ર ઓફિસ કે એસી કેબિનમાં બેસીને નિર્ણય લેવાના બદલે સ્થળ પર આવી વાસ્તવિક પરિસ્થિતિનું નિરીક્ષણ કરે. ટેક્સ ચૂકવનાર નાગરિકોને સુરક્ષિત અને મજબૂત માર્ગ સુવિધા ઉપલબ્ધ કરાવવી એ તંત્રની મૂળભૂત જવાબદારી છે.
હાલ તંત્ર દ્વારા ભૂવો પૂરવાની તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે માત્ર તાત્કાલિક મરામત નહીં પરંતુ કાયમી અને વૈજ્ઞાનિક સમાધાન જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને અને કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.
Reporter: admin







