કેપ: 31 મેના ઓનલાઈન ફરિયાદ બાદ પણ સમારકામ ન થતાં રસ્તાઓ પર નદી જેવો પ્રવાહ, રહેવાસીઓ મુશ્કેલીમાં
હોળી પહેલાંથી ચાલુ રહેલી લીકેજને લઈને સોસાયટીમાં ભારે અસંતોષ, તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી પ્રમુખસ્વામી કુટીર સોસાયટીમાં પાણીની લીકેજની ગંભીર સમસ્યા સામે આવી છે. સોસાયટીના રહેવાસીએ 31 મે 2026ના રોજ આ અંગે ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી, છતાં આજદિન સુધી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું સમારકામ કરવામાં આવ્યું નથી.
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, આ લીકેજ લાંબા સમયથી ચાલુ છે અને હોળી તહેવાર પહેલાંથી જ તેની શરૂઆત થઈ હતી. સમય જતા પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે અને હાલ સ્થિતિ એવી છે કે લીકેજનું પાણી રસ્તા પર વહેતાં નદી જેવો નજારો સર્જાઈ રહ્યો છે. વીડિયોમાં પણ સ્પષ્ટપણે જોવા મળે છે કે પાણીનો પ્રવાહ સતત ચાલુ રહેતા વિસ્તારમાં અવરજવર મુશ્કેલ બની રહી છે.
રહેવાસીઓએ આ બાબતે પાલિકા તંત્રની બેદરકારી પર આક્ષેપ કર્યો છે. તેમનું કહેવું છે કે વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ ઈજનેર કે જવાબદાર અધિકારી સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરાકરણ લાવવા આવ્યા નથી. પાણીનો વ્યય વધતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
સોસાયટીના લોકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે લીકેજનું સમારકામ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય તેની તંત્ર દ્વારા કડક તકેદારી રાખવામાં આવે. હાલ સ્થિતિ યથાવત રહેતા રહેવાસીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે.
Reporter: admin







