News Portal...

Breaking News :

ફિલિપાઈન્સની સ્કૂલમાં ગોળીબાર, વિદ્યાર્થીએ સહાધ્યાયીની હત્યા બાદ પોતાને પણ ગોળી મારી

2026-08-18 10:18:06
ફિલિપાઈન્સની સ્કૂલમાં ગોળીબાર, વિદ્યાર્થીએ સહાધ્યાયીની હત્યા બાદ પોતાને પણ ગોળી મારી

મનીલા: દક્ષિણ ફિલિપાઈન્સના ઝામ્બોઆંગા શહેરમાં આવેલી એથેનિયો ડી ઝામ્બોઆંગા યુનિવર્સિટીના સ્કૂલ કેમ્પસમાં મંગળવારે ગોળીબારની ઘટના બનતાં હડકંપ મચી ગયો હતો. એક હાઈસ્કૂલ વિદ્યાર્થી બે હથિયારો સાથે સ્કૂલમાં પહોંચ્યો હતો અને ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં એક સહાધ્યાયીનું મોત થયું હતું. ત્યારબાદ હુમલાખોર વિદ્યાર્થીએ પોતાને પણ ગોળી મારી દીધી હતી. ઘટનામાં અન્ય બે લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.

ગોળીબાર બાદ સ્કૂલ કેમ્પસમાં અફરાતફરી મચી ગઈ હતી અને સેંકડો વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ અને સુરક્ષા દળોએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર કેમ્પસને સુરક્ષિત કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે.

ઝામ્બોઆંગાના મેયર ખાઈમર ઓલાસોએ જણાવ્યું કે હુમલાખોર વિદ્યાર્થી પાસે એક પિસ્તોલ અને એક રાઈફલ હતી. પોલીસે ગોળીબાર પાછળનું કારણ અને ઘટનાની સમગ્ર પરિસ્થિતિ અંગે તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ લોકોને અપ્રમાણિત તસવીરો, વીડિયો અથવા માહિતી સોશિયલ મીડિયા પર શેર ન કરવા અપીલ કરી છે.

આ ઘટના બાદ ફિલિપાઈન્સમાં સ્કૂલોની સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી ગંભીર ચિંતા ઊભી થઈ છે.

Reporter: admin

Related Post