News Portal...

Breaking News :

પારુલ યુનિ.માં વિદ્યાર્થીઓનાં સ્વાસ્થ્ય સાથે ચેડા..મેસનાં ભોજનમાં "કૉકરોચ"

2026-08-17 10:32:16
પારુલ યુનિ.માં વિદ્યાર્થીઓનાં સ્વાસ્થ્ય સાથે ચેડા..મેસનાં ભોજનમાં

લાઇમલાઇટ અને સેલિબ્રિટીઝના તામજામ પાછળ કાળું કામ કરતી પારુલ યુનિવર્સિટીનું વહીવટી તંત્ર ફરી એકવાર સરેઆમ ખુલ્લું પડી ગયું છે. વાઘોડિયા સ્થિત કેમ્પસમાં 15મી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસે જ યુનિવર્સિટીના સંચાલકોની કાળા કરતૂતોનો ભોગ બનેલા હજારો વિદ્યાર્થીઓ મધરાતે રસ્તા પર ઉતરી આવ્યા હતા. સંચાલક દેવાંશુ પટેલની તાનાશાહી અને પૈસાના જોરે બધું ખરીદી લેવાની અહંકારી માનસિકતા સામે આ વખતે 'Gen-Z' પેઢીએ મોરચો માંડ્યો છે.

યુનિવર્સિટીની અટલ ભવન હોસ્ટેલની મેસમાં પીરસવામાં આવેલા ભોજનમાંથી કોકરોચ નીકળતાં લાંબા સમયથી ઉકળતો વિદ્યાર્થીઓનો આક્રોશ જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો હતો. વિદ્યાર્થીઓએ કેમ્પસ ઘેરીને દેવાંશુ પટેલ અને તેમના મેનેજમેન્ટ વિરુદ્ધ સખત સૂત્રોચ્ચાર કરી કેમ્પસને ધમધમાવી મૂક્યું હતું.


15મી ઓગસ્ટે ધ્વજવંદનનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ જ્યારે મેસમાં જમવા ગયા ત્યારે થાળીમાં જીવતો વંદો મળી આવ્યો હતો. વાર્ષિક લાખો રૂપિયાની ફી વસૂલતા તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને કીડા-મંકોડાવાળું ભોજન પીરસવામાં આવતું હોવાની ઘટના વાયુવેગે ફેલાઈ ગઈ હતી. ભૂતકાળમાં પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ સુધારો ન થતાં વિદ્યાર્થીઓની ધીરજ ખૂટી ગઈ હતી.

સંચાલક દેવાંશુ પટેલ કદાચ એવા ભ્રમમાં છે કે તેઓ પોતાના નાણાકીય પ્રભાવથી દરેક અવાજને દબાવી દેશે, પરંતુ તેઓ એ ભૂલી રહ્યા છે કે આજનો યુવાવર્ગ એટલે Gen-Z અન્યાય સામે ક્યારેય ઝૂકતો નથી. નેપાળમાં સત્તા ઉથલાવનારા, દેશના શિક્ષણ મંત્રીને ઘેર ભેગા કરનારા અને રાંચીમાં સરકારોને હચમચાવનારા આ જ આક્રમક વિદ્યાર્થીઓ છે. ભૂતકાળમાં પણ વિદ્યાર્થી આંદોલનોએ ગુજરાતની સરકારોને બદલી નાખી છે. ત્યારે પારુલ યુનિવર્સિટીનો આ વિરોધ દેવાંશુ પટેલના સામ્રાજ્યના લીરેલીરા ઉડાવી રહ્યો છે.

વિદ્યાર્થીઓની સ્પષ્ટ માંગ છે કે મેસના કથિત ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરનું લાઇસન્સ તાત્કાલિક રદ કરવામાં આવે અને ગંભીર બેદરકારી દાખવનારા સત્તાધીશો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. યુનિવર્સિટી માત્ર બોગસ જાહેરાતો અને ફેક માર્કેટિંગના જોરે ગ્લેમર ઊભું કરે છે, પરંતુ અંદરખાને વિદ્યાર્થીઓનાં સ્વાસ્થ્ય સાથે સરેઆમ ચેડાં થઈ રહ્યા છે.


પારુલ યુનિવર્સિટી હવે શિક્ષણધામ નહીં, ગેરરીતિઓનો અડ્ડો

પારુલ યુનિવર્સિટી હવે માત્ર શિક્ષણધામ નથી રહી, પરંતુ ગેરરીતિઓનો અડ્ડો બની ચૂકી છે. 2024માં ગુજરાત હાઈકોર્ટે પ્રવેશ પ્રક્રિયાની કટ-ઓફ તારીખ પૂર્ણ થઈ ગયા બાદ પણ ધારાધોરણોને નેવે મૂકીને કરાયેલા 38 ગેરકાયદેસર એડમિશન રદ કરીને યુનિવર્સિટીનાં મોઢા પર તમાચો માર્યો હતો. અદાલતે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દ્વારા કરાયેલા ખોટા સોગંદનામાં બદલ ભારે ઝાટકણી કાઢી હતી અને સંસ્થાની માન્યતા રદ કરવાની પણ ચીમકી આપી હતી. આ સિવાય 2023નું બી.ટેક. પેપર લીક પ્રકરણ હોય, 2024માં ગેરકાયદે હોર્ડિંગ્સ કે જુલાઈ 2026માં નકલી ચલણી નોટો વટાવવાના અત્યંત ગંભીર આરોપો હોય, આ સંસ્થાનું મેનેજમેન્ટ પોતાના આર્થિક સ્વાર્થ માટે કોઈપણ સ્તરે જઈ શકે છે, તેવા આક્ષેપો થઈ ચૂક્યા છે.

દારૂબંધીનાં લીરેલીરા અને કેમ્પસમાં ગુનાખોરી

ગુજરાતમાં કાગળ પરની દારૂબંધીનો પારુલ યુનિવર્સિટીના કેમ્પસમાં ખુલ્લેઆમ ઉપયોગ થાય છે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ અવારનવાર દારૂના નશામાં ધૂત થઈને અકસ્માતો સર્જે છે અને સ્થાનિક સોસાયટીના રહીશો સાથે મારામારી કરે છે. વલસાડ પોલીસે તાજેતરમાં જ પારુલનાં વિદેશી વિદ્યાર્થીઓને કારમાંથી રૂ. 3.50 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો સાથે ઝડપી પાડ્યા હતા. પૈસાના જોરે સુરક્ષાનાં મોટા દાવા કરતી સંસ્થાના કેમ્પસમાં દારૂ અને નશાનો કારોબાર બેફામ ફૂલ્યો-ફાલ્યો છે. વાલીઓ પોતાના બાળકોને ભણવા મોકલે છે અને અહીં તંત્રની નાકામીને કારણે કેમ્પસ ગુનાખોરી અને નશાખોરીનું કેન્દ્ર બની ગયું છે.

શોષણની કડવી વાસ્તવિકતા

પારુલ યુનિવર્સિટીનાં ઇતિહાસ પર નજર કરીએ તો સંસ્થાપક જયેશ પટેલ સામે 2016માં નર્સિંગની વિદ્યાર્થિની પર આચરવામાં આવેલા કાળજું કંપાવી દેનારા 'દુષ્કર્મ કાંડ'થી લઈને હોસ્ટેલની ઇમારતો પરથી કૂદીને વિદ્યાર્થીઓ દ્વારા કરાતી આત્મહત્યાના બનાવો સુધી કેમ્પસ રક્તરંજિત થયેલું છે. વિદ્યાર્થીઓનાં માનસિક સ્વાસ્થ્ય કે સુરક્ષાની કોઈને પડી નથી. માર્ચ 2026માં જ્યારે બોમ્બની ધમકીનો ઈમેઇલ આવ્યો ત્યારે 65 હજાર વિદ્યાર્થીઓનો જીવ તાળવે ચોંટ્યો હતો. વાર્ષિક લાખોની ફી વસૂલતું તંત્ર સુરક્ષાનાં નામે તંબૂરો વગાડે છે. ભોજનમાં કીડા-મંકોડા પીરસવાથી લઈને વિદ્યાર્થીઓનું માનસિક શોષણ કરવા સુધી આ મેનેજમેન્ટ પાપનું ભાગીદાર બન્યું છે.

Gen-Zના આક્રોશથી દેવાંશુ પટેલનું પતન થઈ શકે

સંચાલક દેવાંશુ પટેલ એ ભ્રમમાં ન રહે કે આ મુદ્દો દબાઈ જશે. જે પેઢીએ નેપાળમાં ભ્રષ્ટ સત્તાઓ ઉખાડી ફેંકી અને દેશના શિક્ષણ મંત્રીને ઘરભેગા કરી દીધા, એ 'Gen-Z' હવે પારુલ યુનિવર્સિટીની દરેક પોલ ખોલવા તૈયાર છે. લાખો રૂપિયા ફી આપીને પણ જો જમવામાં વંદો મળે તો આ દેવાંશુ પટેલ અને પારુલ યુનિવર્સિટી તંત્રની નાકામી સિવાય બીજું કંઈ નથી. વિદ્યાર્થીઓ હવે શાંત બેસવાના નથી; સોશિયલ મીડિયાથી લઈને રસ્તા સુધી દેવાંશુ પટેલના કાળાં ધોળાં અને ભ્રષ્ટાચારને નગ્ન કરવામાં આવશે. જો તાત્કાલિક ધોરણે મેસનું લાઇસન્સ રદ કરી કડક પગલાં નહીં લેવાય, તો આ આંદોલન તેમનું પતન પણ કરી શકે છે.

પારુલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સમસ્યાઓને લઈને યુવરાજસિંહ જાડેજાએ ઉઠાવ્યો અવાજ

વડોદરા સ્થિત પારુલ યુનિવર્સિટીમાં લાખો રૂપિયાની ફી વસૂલવા છતાં વિદ્યાર્થીઓને પાયાની સુવિધાઓ ન મળતી હોવાના આક્ષેપો વચ્ચે યુવરાજસિંહ જાડેજાએ વિદ્યાર્થીઓની સમસ્યાઓને લઈને અવાજ ઉઠાવ્યો છે. યુવરાજસિંહ જાડેજાનાં જણાવ્યા મુજબ, હોસ્ટેલની મેસમાં પીરસાતા ભોજનમાંથી વાંદો અને ઉંદર જેવા જીવજંતુઓ મળી આવવાના ગંભીર કિસ્સા સામે આવ્યા છે. તેમજ પીવાના શુદ્ધ પાણીની યોગ્ય વ્યવસ્થા ન હોવા અને હોસ્ટેલના રૂમોમાં ભેજ તથા દીવાલોમાંથી પાણી ટપકવાની સમસ્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.

વિદ્યાર્થીઓ પોતાની સમસ્યાઓ અંગે અવાજ ઉઠાવે ત્યારે તેમને સસ્પેન્ડ અને રસ્ટિકેટ કરવાની ધમકીઓ આપવામાં આવતી હોવાનો તથા વિરોધ કરનાર વિદ્યાર્થીઓ પાસેથી QR કોડ મારફતે રૂ. 5,000થી રૂ. 10,000 સુધીનો દંડ વસૂલાતો હોવાનો પણ આક્ષેપ છે. યુવરાજસિંહ જાડેજાએ આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા યુનિવર્સિટીની હોસ્ટેલ, મેસ અને અન્ય સુવિધાઓનું તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરવાની માંગ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે યોગ્ય નિરાકરણ નહીં આવે તો પારુલ યુનિવર્સિટી તથા ગાંધીનગર સચિવાલય ખાતે ઉગ્ર આંદોલન અને ધરણાં કરવામાં આવશે.

Reporter: admin

Related Post