News Portal...

Breaking News :

પારૂલ યુનિ. સંચાલિત ન્યુ ઈરા હાઇસ્કૂલમાં ખુલ્લા વીજ વાયરે લીધો 15 વર્ષીય દેવ શાહનો જીવ

2026-08-18 10:44:36
પારૂલ યુનિ. સંચાલિત ન્યુ ઈરા હાઇસ્કૂલમાં ખુલ્લા વીજ વાયરે લીધો 15 વર્ષીય દેવ શાહનો જીવ

વડોદરા નજીક આવેલી અને વારંવાર વિવાદોમાં ઘેરાતી ખાનગી પારુલ યુનિવર્સિટી ફરી એકવાર ભારે આક્રોશના વંટોળમાં સપડાઈ છે. પારુલ  મેનેજમેન્ટ હેઠળ ચાલતી નિઝામપુરા સ્થિત જાણીતી ‘ન્યુ ઇરા સીનિયર સેકન્ડરી હાઈસ્કૂલ’માં 15 ઓગસ્ટના પવિત્ર દિવસે જ એક કંપારી છૂટી જાય તેવી કમકમાટીભરી દુર્ઘટના સામે આવી છે. ધોરણ-11 સાયન્સમાં અભ્યાસ કરતા અને ઉત્કૃષ્ટ ફૂટબોલ ખેલાડી એવા 15 વર્ષીય તેજસ્વી વિદ્યાર્થી દેવ પ્રશાંતભાઈ શાહનું શાળા પરિસરમાં ફૂટબોલ પ્રેક્ટિસ કરતી વખતે ખુલ્લા વીજ વાયરના કરંટના સંપર્કમાં આવી જતાં કરુણ મોત નીપજ્યું છે.

વિવાદોની પૃષ્ઠભૂમિ ધરાવતી પારુલ યુનિવર્સિટીના સંચાલન હેઠળ ચાલતી શાળાનાં રમતગમતના ગ્રાઉન્ડ પર વીજ પ્રવાહ ખુલ્લો હોવો એ તંત્ર અને મેનેજમેન્ટની ગંભીર, ગુનાહિત અને અક્ષમ્ય બેદરકારી તરફ સીધી આંગળી ચિંધે છે.નિઝામપુરા વિસ્તારમાં રહેતા જાણીતા ડેન્ટિસ્ટ પ્રશાંતભાઈ શાહનો 15 વર્ષીય પુત્ર દેવ શાહ આ શાળાનો હોનહાર વિદ્યાર્થી હતો.

15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા પર્વની ઉજવણી પૂર્ણ થયા બાદ તે શાળાના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં ફૂટબોલ પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આ દરમિયાન ગ્રાઉન્ડ નજીક રહેલા વીજ પોલ અને ખુલ્લા લટકતા વીજ વાયરના સંપર્કમાં આવી જતાં તેને ભયાનક કરંટ લાગ્યો હતો અને તે સ્થળ પર જ ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવે તે પહેલાં જ તેણે દમ તોડી દીધો હતો.

વાર્ષિક લાખો રૂપિયાની જંગી ફી વસૂલતી પારુલ યુનિવર્સિટીનું તંત્ર વિદ્યાર્થીઓની પાયાની સુરક્ષા વ્યવસ્થા પ્રત્યે કેટલું ઉદાસીન અને બેદરકાર છે, તે આ ઘટના પરથી સાબિત થાય છે. આ કમકમાટીભરી દુર્ઘટનાના પગલે વડોદરા જિલ્લા શિક્ષણ વિભાગ ઊંઘમાંથી સફાળું જાગ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડે દ્વારા આ બનાવની ઊંડાણપૂર્વક તપાસના તાત્કાલિક આદેશો જારી કરવામાં આવ્યા છે.
શિક્ષણ તંત્ર દ્વારા પ્રત્યેક ટીમમાં 3 સભ્યો હોય તેવી કુલ 7 વિશેષ તપાસ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમોને વડોદરા શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં આકસ્મિક મુલાકાત લઈને ઇલેક્ટ્રિકલ સેફ્ટીની સઘન ચકાસણી કરવા તાકીદ કરાઈ છે. આગામી 3 દિવસમાં સ્થળ તપાસ પૂર્ણ કરીને વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવા આદેશ અપાયો છે.

શિક્ષણ વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તપાસમાં વીજ સલામતીના નિયમોનું લેશમાત્ર પણ ઉલ્લંઘન કે બેદરકારી જણાશે, તો સંચાલકો સામે કાયદેસરના શિક્ષાત્મક પગલાં ભરાશે.

બીજી તરફ, આ મુદ્દે રાજકીય અને સામાજિક ક્ષેત્રે પણ ભારે ગરમાવો આવી ગયો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પારુલ યુનિવર્સિટીના મેનેજમેન્ટ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું છે કે પારુલ તંત્ર દ્વારા સંચાલિત ન્યુ ઇરા સ્કૂલમાં માસૂમ બાળકનો જીવ જવો એ રીતસરની ઘોર લાપરવાહી છે. આ ઘટના માટે જવાબદાર સંચાલકો સામે તાત્કાલિક કાયદેસરની કડક કાર્યવાહી થવી જોઈએ અને પીડિત પરિવારને યોગ્ય વળતર મળવું જોઈએ.

વડોદરા કોર્પોરેશનમાં પણ આ મુદ્દો ગાજ્યો હતો, જ્યાં કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા અને શહેર પ્રમુખ ઋત્વિજ જોશીએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપીને પારુલ યુનિ. સંચાલિત શાળા સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે એમજીવીસીએલનો કોઈ વાંક નથી, પરંતુ સ્કૂલના આંતરિક વાયરો ખુલ્લા હોવાથી આ અસહ્ય ઘટના બની છે.


ન્યુ ઇરા સ્કૂલ મેનેજમેન્ટની આપખુદશાહી અને બેદરકારી સામે આક્રોશ

વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલી પારુલ યુનિવર્સિટી દ્વારા સંચાલિત ન્યુ ઇરા સીનિયર સેકન્ડરી હાઈસ્કૂલમાં 15 ઓગસ્ટે 15 વર્ષીય તેજસ્વી વિદ્યાર્થી દેવ શાહનું ફૂટબોલ રમતી વખતે કરંટ લાગવાથી કમકમાટીભર્યું મોત નીપજતાં સમગ્ર વડોદરામાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. જાણીતા ડેન્ટિસ્ટ પ્રશાંતભાઈ શાહનો પુત્ર દેવ ધોરણ-11 સાયન્સનો તેજસ્વી વિદ્યાર્થી હતો અને શાળાનો ઉત્કૃષ્ટ ફૂટબોલર હતો. રમતના મેદાનમાં વીજ પોલમાંથી પ્રસરતા ખુલ્લા કરંટના સંપર્કમાં આવતાં જ તે જમીન પર ઢળી પડ્યો હતો.

લાખો રૂપિયાની ફી વસૂલતી અને શિક્ષણના નામે વેપલો કરતી પારુલ યુનિવર્સિટીના તંત્ર હેઠળ ચાલતી શાળામાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર વીજ વાયરો ખુલ્લા રહેવા એ સંચાલકોની ગુનાહિત લાપરવાહી દર્શાવે છે. સુરક્ષાના અભાવે એક હોનહારે બાળકે જીવ ગુમાવ્યો છે, જેના કારણે યુનિવર્સિટી મેનેજમેન્ટ વિરુદ્ધ વાલીઓ અને જનતામાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

દુર્ઘટના બાદ શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું

પારુલ ગૃપ સંચાલિત સ્કૂલમાં બાળકનો જીવ ગયા બાદ વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસના તાત્કાલિક આદેશો આપવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા 3-3 સભ્યોની કુલ 7 વિશેષ ટીમો બનાવવામાં આવી છે, જે વડોદરા શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં જઈને ઇલેક્ટ્રિકલ સેફ્ટી અંગે સઘન ચેકિંગ કરશે.

ખુલ્લા વાયરો, એમસીબી, ઇએલસીબી, સ્વીચબોર્ડ અને વરસાદી વાતાવરણમાં શોર્ટ સર્કિટના જોખમો અંગે ચકાસણી કરીને 3 દિવસમાં અહેવાલ રજૂ કરવા તાકીદ કરાઈ છે. શિક્ષણ વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ શાળામાં વીજ સલામતીના નિયમોનું ઉલ્લંઘન કે બેદરકારી જણાશે, તો સંચાલકો સામે કડક શિક્ષાત્મક પગલાં ભરાશે. આ ઉપરાંત એમજીવીસીએલને પણ પત્ર લખીને તપાસમાં સાંકળવામાં આવ્યા છે.

યુવરાજસિંહ જાડેજાના આકરા પ્રહારો: કાયદેસરની કાર્યવાહી અને વળતરની માંગ

પારુલ યુનિવર્સિટીના સંચાલન હેઠળ ચાલતી શાળાની આ ગંભીર બેદરકારી સામે યુવા નેતાઓએ ઉગ્ર મોરચો માંડ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આકરા શબ્દોમાં જણાવ્યું કે પારુલ તંત્રની ઘોર લાપરવાહીના કારણે માસૂમ બાળકે જીવ ગુમાવ્યો છે. આથી જવાબદાર સંચાલકો સામે તાત્કાલિક ગુનો નોંધી કડક કાર્યવાહી થવી જોઈએ અને પીડિત પરિવારને યોગ્ય વળતર મળવું જોઈએ.

સ્કૂલના પોતાના આંતરિક વાયરો ખુલ્લા હોવાનો કોંગ્રેસનો આરોપ

બીજી તરફ, આ મુદ્દો વડોદરા કોર્પોરેશનમાં પણ ગાજ્યો હતો. કોંગ્રેસ કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા અને ઋત્વિજ જોશીએ કમિશનરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કે એમજીવીસીએલનો કોઈ દોષ નથી, પરંતુ સ્કૂલના પોતાના આંતરિક વાયરો ખુલ્લા હોવાથી આ હોનારત સર્જાઈ છે. જો તંત્ર કડક પગલાં નહીં ભરે તો અન્ય બાળકોના જીવ પણ આવી જ રીતે જોખમમાં મુકાઈ શકે છે.

 માસૂમ બાળક હોમાઈ ગયો, તેની આખરે જવાબદારી કોની?

ન્યુ ઇરા સ્કૂલમાં આશાસ્પદ વિદ્યાર્થી દેવ શાહનાં કમકમાટીભર્યા મોત બાદ હવે તંત્રએ આળસ મરડીને ઊંડાણપૂર્વક તપાસ કરવી અત્યંત જરૂરી બની ગઈ છે. પોલીસે પોતાની વિશેષ ટીમ બનાવી છે, જ્યારે એમજીવીસીએલ અને જિલ્લા શિક્ષણ અધિકારીની વિવિધ તપાસ ટીમો પણ કામે લાગી છે. પરંતુ સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આ માસૂમ બાળક હોમાઈ ગયો, તેની આખરે જવાબદારી કોની?

હાલ તો પોલીસે માત્ર અકસ્માત મોતનો ગુનો નોંધીને કાગળો કાળા કર્યા છે, પરંતુ શું ભવિષ્યમાં શાળા સંચાલકો સામે ગુનાહિત બેદરકારીનો કડક ગુનો દાખલ થશે ખરો?
રમતના મેદાનમાં ઇલેક્ટ્રિકલ સેફ્ટીના પાયાના સાધનો જેવા કે હેવીડ્યુટી ELCB (અર્થ લીકેજ સર્કિટ બ્રેકર) કે MCB (મીનીએચર સર્કિટ બ્રેકર) ઉપલબ્ધ હતા કે નહીં? તેની યોગ્ય તાંત્રિક તપાસ થવી અનિવાર્ય છે. ફાયર વિભાગે NOC કેવી રીતે આપી?ક્યારે રિન્યુ કરી હતી?ફાયર ઓફિસરનું -DEOનું છેલ્લું ઇન્સ્પેક્શન ક્યારે થયું હતું?
જો તંત્ર માત્ર તપાસના નાટકો કરીને કાગળ પર અહેવાલ બનાવી જવાબદારોને બચાવવાનો પ્રયાસ કરશે, તો પ્રજાનો ન્યાયપ્રણાલી પરથી વિશ્વાસ ઉઠી જશે.

Reporter: admin

Related Post