વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ ફક્ત એક જ પ્રશ્ન સંસદમાં ઉઠાવ્યો
દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થયું છે. બરાબર એક વર્ષ અગાઉ 9 જૂનના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીમંડળે શપથ લીધા હતા. એક વર્ષના આ સમયગાળામાં 3 વખત લોકસભાનું સત્ર યોજાયું હતું જેમાં ગુજરાતના 26 સાંસદોની સરેરાશ હાજરી 93 ટકા નોંધાઇ છે જ્યારે સરેરાશ 47 પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. જેમાં વડોદરા ના સાંસદ હેમાંગ જોશીએ ફક્ત એક જ પ્રશ્ન સંસદમાં ઉઠાવ્યો હતો. ગુજરાતના સાંસદોની વાત કરવામાં આવે તો અમરેલીના ભરત સુતરિયા પ્રથમ વર્ષમાં મૌન જ રહ્યા છે અને તેમના દ્વારા એક પણ પ્રશ્ન પૂછવાની તસ્દી લેવામાં આવી નથી. તેમની હાજરી 94 ટકા રહી છે અને માત્ર એક વખત ચર્ચામાં ભાગ લીધો છે.
પ્રથમ વર્ષ દરમિયાન સૌથી વધુ પ્રશ્ન પૂછવામાં અમદાવાદ પશ્ચિમના દિનેશ મકવાણા મોખરે રહ્યા છે તેમણે 92 જેટલા પ્રશ્ન પૂછ્યા હતા અને ચાર ડિબેટમાં ભાગ લીધો હતો તેઓની સરેરાશ હાજરી 99 ટકા રહી છે.સૌથી વધુ પ્રશ્ન પૂછવામાં જામનગરનાં પૂનમ માડમ 83 પ્રશ્ન સાથે બીજા, સાબરકાંઠાના શોભનાબેન બારૈયા 82 પ્રશ્ન સાથે ત્રીજા, દાહોદના જસવંત ભાભોર 81 પ્રશ્ન સાથે ચોથા અને જુનાગઢના રાજેશ ચુડાસમા 79 પ્રશ્ન સાથે પાંચમા સ્થાને રહ્યા છે. ગુજરાતમાંથી કોંગ્રેસના એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોરે 57 પ્રશ્ન પૂછ્યા હતા અને 18 ડિબેટમાં ભાગ લીધો હતો તેમની સરેરાશ હાજરી 85 ટકા રહી છે.વડાપ્રધાન તરીકે સળંગ સૌથી લાંબા કાર્યકાળમાં નરેન્દ્ર મોદી 11 વર્ષ 14 દિવસ સાથે હવે ત્રીજા સ્થાને છે. આ યાદીમાં જવાહરલાલ નેહરૂ 16 વર્ષ 286 દિવસ સાથે મોખરે, ઇન્દિરા ગાંધી 11 વર્ષ 59 દિવસ સાથે બીજા સ્થાને છે. વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધીનો કૂલ કાર્યકાળ 15 વર્ષ 350 દિવસનો હતો.
Reporter: admin