દિલ્હી : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના મૃતદેહના અંતિમ સંસ્કારને લઇને વિવાદ પણ સામે આવ્યો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે મનમોહનસિંહના મૃતદેહના અંતિમ સંસ્કારમાં સરકારની ભારે ગેરવ્યવસ્થા સામે આવી, અયોગ્ય વ્યવસ્થાને કારણે મનમોહનસિંહનું અપમાન કરાયું છે.
કોંગ્રેસના નેતા પવન ખેરાએ અનેક આરોપો લગાવ્યા હતા, તેમણે કહ્યું હતું કે દિલ્હીના નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કારની પ્રક્રિયા શરૂ કરાઇ ત્યારે માત્ર દુરદર્શન સિવાય અન્ય કોઇ જ ન્યૂઝ એજન્સીને લાઇવ ટેલિકાસ્ટની છૂટ ના મળી, જ્યારે દુરદર્શને માત્ર નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર જ ધ્યાન આપ્યું, મનમોહનસિંહના પરિવારનું કવરેજ જ ના કર્યું. મનમોહનસિંહના પરિવારજનો માટે આગલી હરોળમાં માત્ર ત્રણ જ ખુરસીઓ રાખવામાં આવી હતી.
કોંગ્રેસના નેતાઓએ પરિવારના અન્ય લોકો માટે ખુરસીઓ ખાલી કરી આપી. જ્યારે તોપોની સલામી અપાઇ રહી હતી અને રાષ્ટ્રધ્વજને વિધવાને સોંપાઇ રહ્યો હતો ત્યારે નરેન્દ્ર મોદી પોતાની જગ્યાએ ઉભા નહોતા થયા, અમિત શાહના મોટરકેડે સમગ્ર અંતિમ સંસ્કારની પ્રક્રિયામાં વિક્ષેપ પેદા કર્યો, મહમોહનસિંહના પરિવારની કાર બહાર ફસાયેલી રહી. દરવાજો બંધ કરી દેવાયો હતો.
Reporter: admin