News Portal...

Breaking News :

બહુચરાજી ખાડીમા માટીનો ઢગ, કારેલીબાગ પર પૂરનો ખતરો

2026-06-09 17:11:42
બહુચરાજી ખાડીમા માટીનો ઢગ, કારેલીબાગ પર પૂરનો ખતરો


બહુચરાજી ખાડીમાં માટીનો ઢગ, કારેલીબાગ પર પૂરનો ખતરો!
ચોમાસું દસ્તક દઈ રહ્યું છે અને ખાડીનું વહેણ બંધ — કોન્ટ્રાક્ટરની બેદરકારીએ હજારો નાગરિકોને જોખમમાં મૂક્યા.
પાલિકાએ આપ્યું 10 જૂનનું અલ્ટીમેટમ : માટી નહીં હટે તો કારેલીબાગ થશે જળબંબાકાર!




ચોમાસાના આગમન આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વડોદરા શહેરમાં પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખૂલતી જોવા મળી રહી છે. વડોદરામાં વિશ્વામિત્રી નદી સાથે જોડાયેલી અને કારેલીબાગ વિસ્તારમાંથી પસાર થતી બહુચરાજી ખાડીનો મુદ્દો હાલ ભારે ચિંતાનો વિષય બન્યો છે. ખાડીમાં વરસાદી પાણીના કુદરતી વહેણને અવરોધવામાં આવતાં આગામી ચોમાસામાં સ્થાનિક સ્તરે પૂર જેવી સ્થિતિ સર્જાવાની અને પાણી ભરાવાની ગંભીર ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, બહુચરાજી ખાડી પર આવેલા પુલના પહોળા કરવાનું કામ હાલ ચાલી રહ્યું છે. આ બાંધકામ દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા ઘોર બેદરકારી દાખવીને ખાડીની અંદર જ માટી નાખી દેવામાં આવી છે અને અવરજવર માટે એક અસ્થાયી રસ્તો બનાવી દેવામાં આવ્યો છે. આ માટીના કારણે વરસાદી પાણીના કુદરતી વહેણને મોટો ફટકો પડ્યો છે અને પાણીની અવરજવર તદ્દન અવરોધાઈ ગઈ છે. આ ગંભીર મામલો સામે આવતાં જ વડોદરા મહાનગરપાલિકાના એક્ઝિક્યુટિવ ઇજનેર પ્રશાંત જોશી તરત કાફલા સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સ્થળ નિરીક્ષણ બાદ અધિકારીએ કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આકરું વલણ અપનાવ્યું છે અને ખાડીનું વહેણ તાત્કાલિક પૂર્વવત કરવા કડક સૂચના આપી છે. પાલિકાના અધિકારીઓએ જણાવ્યું છે કે પુલનું આ કામ 10 જૂન પહેલાં કોઈ પણ સંજોગોમાં પૂર્ણ કરવાનું હોવાથી કોન્ટ્રાક્ટરને સમયમર્યાદા સાથે આખરી અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું છે. જો નિર્ધારિત સમયમાં માટી હટાવીને વહેણ સાફ કરવામાં નહીં આવે, તો ચોમાસાની શરૂઆતમાં જ કારેલીબાગ સહિતના આસપાસના રહેણાંક વિસ્તારો જળબંબાકાર થઈ જશે. હાલ તંત્ર આ મુદ્દે સતર્ક બન્યું છે અને કામગીરી પર સતત નજર રાખવામાં આવી રહી છે.




બહુચરાજી ખાડી : બેદરકારીની હદ થઈ ગઈ!
ચોમાસું માથે આવ્યું છે અને કોન્ટ્રાક્ટર ખાડીમાં માટી ઠાલવી બેઠો છે! આ માત્ર બેદરકારી નહીં, પણ હજારો નાગરિકોની સુરક્ષા સાથે ખુલ્લો ખિલવાડ છે. કારેલીબાગના રહેવાસીઓ દર વર્ષે પૂરની પીડા ભોગવે છે, અને તંત્ર જોતું રહે છે. પાલિકાએ 10 જૂનનું અલ્ટીમેટમ આપ્યું — પણ સવાલ એ છે કે આ ગફલત થઈ જ કેમ? જવાબદાર અધિકારીઓ ક્યાં હતા? માત્ર નોટિસ નહીં, કડક કાર્યવાહી જ આ બેજવાબદારીનો સાચો જવાબ છે!

Reporter: admin

Related Post