રૂ. 1 હજારના દંડ સામે રૂ. 50ની પાવતી આપ્યાનો વીડિયો વાયરલ
ડો. જયસ્વાલ: પરિવારે ઉગ્ર વર્તન કરી માત્ર રૂ. 50 ભરવાની ઇચ્છા દર્શાવી હતી
વડોદરા કોર્પોરેશનના પાર્ક એન્ડ ગાર્ડન વિભાગના ડાયરેક્ટર ડો. મંગેશ જયસ્વાલ ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાયા છે. સયાજીબાગ (કમાટીબાગ) ખાતે આજે સવારે ટહેલવા ગયેલા એક સ્થાનિક પરિવાર સાથે દંડની રકમને લઈને ભારે માથાકૂટ થઈ હોવાની ઘટના સામે આવી છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ બદલ ઉચ્ચ અધિકારી દ્વારા કથિત રીતે મોટી રકમનો દંડ વસૂલીને નાની રકમની પાવતી પધરાવી દેવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવ્યો છે. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પાલિકા વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, એક પરિવાર સયાજીબાગમાં ફરવા ગયો હતો, ત્યારે પ્લાસ્ટિકના ઉપયોગ બદલ ડાયરેક્ટર ડો. મંગેશ જયસ્વાલે તેમને અટકાવ્યા હતા. રહીશનો આક્ષેપ છે કે, "અધિકારીએ અમારી પાસે સિંગલ યુઝ પ્લાસ્ટિક બદલ રૂ. 1,000ના દંડની માંગણી કરી હતી, પરંતુ તેની સામે માત્ર રૂ. 50ની જ પાવતી ફાડીને આપી હતી. જ્યારે અમે વિરોધ કર્યો અને પૂછ્યું કે, 'તમે કઈ રીતે આવું કરો છો? તમે મારી પાસે હજાર રૂપિયા માંગ્યા અને પાવતી 50ની કેમ આપી?' ત્યારે તેમની પાસે કોઈ યોગ્ય જવાબ નહોતો. તેમની અધિકૃત પાવતી બુકમાં તો રૂ. 3,000 પણ લખેલા જોવા મળ્યા હતા." લોકોને માત્ર સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે સમજાવ્યા હતા
સયાજીબાગમાં મુલાકાતી પરિવાર સાથે થયેલી માથાકૂટ અને વાયરલ વીડિયો અંગે પાલિકાના પાર્ક એન્ડ ગાર્ડન ડાયરેક્ટર ડો. મંગેશ જયસ્વાલે સ્પષ્ટતા કરી છે. તેમણે મીડિયાને જણાવ્યું કે, રવિવાર અને વેકેશન હોવાથી બાગમાં 50 હજારથી વધુ લોકોનો ધસારો હતો, જેથી ગંદકી અટકાવવા તેમની ટીમ કડક પેટ્રોલિંગ કરી રહી હતી. બગીચામાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધિત હોવાથી એક પરિવારને રોકીને નિયમ મુજબ રૂ. 1,000 પેનલ્ટી ભરવા કહ્યું હતું. જોકે, તેમણે ઉગ્ર વર્તન કરીને માત્ર રૂ. 50 ભરવાની તૈયારી બતાવી, તેથી સ્થળ પર રૂ. 50ની જ પાવતી આપવામાં આવી હતી. અમારો આશય કોઈનો આનંદ બગાડવાનો નથી, પરંતુ લોકો ગંદકી ન કરે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે તેવી અપીલ છે.
Reporter: admin







