વડોદરા : હાલમાં અપર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે એક્ટિવ પ્રિમોન્સૂન ને કારણે હવામાન વિભાગ દ્વારા આગામી 12 મે સુધી રાજ્યમાં ગાજવીજ અને પવનો સાથે વરસાદ પડવાની આગાહી કરી છે

ત્યારે સોમવારે સાંજે સાડા છ વાગ્યે શહેરમાં 80 થી 95 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ ખાબક્યો હતો જેના કારણે શહેરમાં અનેક સ્થળોએ વૃક્ષો,હોર્ડિગ્સ, જર્જરિત ઇમારતોના ભાગ ધરાશાયી થવાના બનાવો સાથે સાથે ત્રણ લોકોના મોત નિપજ્યાં હતાં હજી તો ઠેરઠેર પડેલા વૃક્ષોને, હોર્ડિગ્સને હટાવવાની કામગીરી સાથે જ સફાઇની કામગીરી ચાલી રહી છે ત્યાં જ બુધવારે વહેલી સવારે 4:20 કલાકથી શહેરમાં ફરી એકવાર મેઘરાજાએ બેટિંગ શરૂ કરી હતી અને સવારે 9 વાગ્યા સુધીમાં શહેરમાં દોઢ ઇંચ થી વધુ વરસાદ ખાબકતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા

જેના કારણે વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં વાહનચાલકોને હાલાકી વેઠવી પડી હતી તો કેટલાક કાચા પાકા રહેણાંક વિસ્તારો જે નીચાણવાળા ભાગોમાં હતા ત્યાં પણ લોકોને હાલાકી ભોગવવી પડી હતી. સવારે સવા નવ વાગ્યે વરસાદે વિરામ લીધો હતો પરંતુ હવામાન વિભાગ દ્વારા રાજ્યના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, વડોદરા, દાહોદ અને આણંદ સહિતના 13 જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ, કારેલીબાગ જલારામ નગર, માંડવી, લહેરીપુરા દરવાજા, સંગમ રોડ, મહાવીર હોલ ચારરસ્તા માંજલપુર જેવા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.



Reporter: admin