હિમાચલ પ્રદેશની 17,350 ફૂટ ઊંચી ફ્રેન્ડશિપ પીક પર યુવતીઓનું સફળ ચઢાણ
એવરેસ્ટ વિજેતા અને એવરેસ્ટર નિશા સ્કિલ ફાઉન્ડેશન (ENSF) ની સ્થાપિકા એવરેસ્ટર નિશા કુમારીના નેતૃત્વ હેઠળ આયોજિત
ભારતના વિવિધ રાજ્યોમાંથી આવેલી યુવતીઓએ હિમાચલ પ્રદેશની પીર પંજાલ પર્વતમાળામાં આવેલી 17,350 ફૂટ ઊંચી ફ્રેન્ડશિપ પીક પર સફળ ચઢાણ કરીને સાહસ, શિસ્ત, આત્મવિશ્વાસ અને ટીમવર્કનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બરફથી ઢંકાયેલા ખતરનાક માર્ગો, બદલાતું હવામાન, ઓક્સિજનની અછત અને કઠિન પરિસ્થિતિઓ વચ્ચે ટીમે અદમ્ય હિંમત અને સંકલ્પશક્તિ દર્શાવી હતી.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભરની યુવતીઓને સાહસિક પ્રવૃત્તિઓ, ફિટનેસ, નેતૃત્વ તથા પર્યાવરણ પ્રત્યેની જવાબદારી માટે પ્રેરિત કરવાનો છે.
અભિયાનમાં એવરેસ્ટર નિશા કુમારી ટીમ લીડર તરીકે જોડાયા હતા. સાથે જ આરતી લાખોટરા, પ્રાચી અગ્રવાલ, પ્રાચી જયસિંહ, અવની ભટ્ટ, બંસી પટેલ, ધ્વનિ બલાણી, વિશ્વા કનેરિયા, વિશ્વા કાકડિયા, દિવ્યા રાઠવા, રમ્યા ચિલુવરી અને સ્નેહા ચાક સહિતની યુવતીઓએ ભાગ લીધો હતો.
આ દરમિયાન આરતી લાખોટરા અને પ્રાચી અગ્રવાલે સફળતાપૂર્વક સમિટ પૂર્ણ કરીને અભિયાન માટે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી હતી.
ટીમ દ્વારા “Change Before Climate Change”, “Fit India, Green India”, “મહિલા સશક્તિકરણ દ્વારા સાહસ” તથા “ફિટનેસ અને પર્યાવરણ જાગૃતિ” જેવા સંદેશાઓ પણ આપવામાં આવ્યા હતા.
એવરેસ્ટર નિશા કુમારીએ જણાવ્યું હતું કે, “મિશન શક્તિ માત્ર પર્વત ચઢવાની યાત્રા નથી, પરંતુ યુવતીઓમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ, શિસ્ત અને પ્રકૃતિ પ્રત્યે જવાબદારી વિકસાવવાનો પ્રયાસ છે. દરેક દીકરીએ પોતાના સપનાઓને ઊંચાઈઓ સુધી પહોંચાડવા જોઈએ.
આ અભિયાન યુવતીઓના સશક્તિકરણ, ફિટનેસ અને ક્લાઈમેટ એક્શન માટે પ્રેરણાદાયી પગલું સાબિત થયું છે.
Reporter: admin







