પરિવાર મહેસાણા તરફ જઈ રહ્યો હતો ત્યારે માર્ગ ભૂલાતા સમિયાલા પાસે દુર્ઘટના સર્જાઈ
ઈકો અને ટ્રકની જોરદાર ટક્કરમાં વાહનનો કચ્ચરઘાણ થયો, પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે...

દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ વે પર વડોદરા નજીક સમિયાલા પાસે મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. ઈકો કાર અને ટ્રક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ચાર લોકોના મોત નીપજ્યા છે જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, પરિવાર મહેસાણા તરફ જઈ રહ્યો હતો પરંતુ માર્ગ ભૂલાતા તેઓ અમદાવાદ તરફના રૂટ પર પહોંચી ગયા હતા. પાદરા રોડ તરફ જતી વખતે આ દુર્ઘટના બની હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ઈકો કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. મૃતકોમાં ડ્રાઈવર સહિત પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે.
ઈજાગ્રસ્તોમાં એક મહિલાને પગમાં ફ્રેક્ચર અને માથામાં ગંભીર ઈજાઓ થતાં તેને પાદરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Reporter: admin







