વડોદરા શહેર અને જિલ્લામાં આવેલી વિપદામાં રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલી રાહત કામગીરીનું પ્રભાવી સંકલન અને નિરીક્ષણ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા નિયુક્ત કરાયેલા મંત્રી ભીખુસિંહજી પરમાર સતત પ્રવાસ કરી રહ્યા છે.
આજે તેમણે કલેક્ટર કચેરી ખાતે આ બાબતો અંગે મહત્વપૂર્ણ બેઠક યોજી સમીક્ષા કરી હતી. આ બેઠકમાં ઉપસ્થિત કલેક્ટર બિજલ શાહે જણાવ્યું કે, હાલમાં જળાશયોની સ્થિતિ સામાન્ય થતાં મોટા ભાગના વિસ્તારોમાંથી પાણી ઓસરી ગયું છે અને જનજીવન સામાન્ય થઇ રહ્યું છે.સમગ્ર તંત્ર દ્વારા કેશડોલ્સ વિતરણ અને ઘરવખરી સહાય ચૂકવણીની કાર્યવાહી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. ૮૭,૦૦૦ પૈકી ૫૦,૨૦૦ વ્યક્તિને ૧.૩૪ કરોડની કેશડોલ્સ ચૂકવણી થઇ ગઇ છે. આ ઉપરાંત સાત હજાર પૈકી ત્રણ હજાર કરતા વધારે પરિવારોને રૂ. ૭૬.૯૨ લાખ ઘરવખરી સહાય ચૂકવાઇ ગઇ છે. આ ઉપરાંત જિલ્લામાં આરોગ્યલક્ષી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરાએ જણાવ્યું કે, જિલ્લામાં આરોગ્યની બાવન ટીમો દ્વારા ઘનિષ્ઠ રીતે નાગરિકોની તબીબી તપાસણી કરવામાં આવી રહી છે. ૨૧ મોબાઇલ યુનિટ પણ આ કામગીરી રહ્યા છે. ખાસ કરીને નાગરિકો સાથે આંગણવાડી અને શાળાના બાળકોના આરોગ્યની તપાસણી કરવામાં આવી રહી છે. ફોગિંગ, ક્લોરિનેશન અને સુપર ક્લોરિનેશન, દવા છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે. એમજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર તેજસ પરમારે જણાવ્યું કે, વડોદરા શહેરમાં ૪૪ અને જિલ્લામાં ૭૦૦ જેટલા વીજપોલ ધરાશયી થઇ ગયા હતા. તેને તાબડતોબ ઉભી કરવામાં આવ્યા છે અને વૈકલ્પિક રીતે વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં આવ્યો છે.
કેટલીક ઇમારતોમાં હજુ પાણી ભરાયા હોવાથી તેના રહીશોની માંગણી અનુસાર વીજળી આપવામાં આવી નથી. એમજીવીસીએલ દ્વારા પાંચ હજાર જેટલા વીજ મિટરો રિપ્લેસ કરવાના થાય છે. માર્ગ-મકાન રાજ્ય અને પંચાયત હસ્તકના મોટા ભાગના રસ્તાઓ પૂર્વવત થઈ ગયા છે. આ ઉપરાંત જિલ્લામાં પાણી-પુરવઠો પૂરો પાડતી તમામ જૂથ પાણી યોજનાઓ કાર્યરત છે. આ ઉપરાંત જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે નાશ પામેલા કાચા-પાકા મકાનો, ઝૂંપડાઓના નુકસાનીના સરવેની કામગીરી હાલ ચાલી રહી છે. ઉક્ત હકીકતો જાણ્યા બાદ રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું કે, વડોદરામાં આવેલી વિપદામાં બચાવ અને તે બાદ રાહતની કામગીરી સરાહનીય છે અને તે માટે તમામ કર્મયોગીઓના દિનરાતના પરિશ્રમ બિરદાવાને પાત્ર છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારની આપત્તિને લગતી વિવિધ સહાય ચૂકવણી સારી રીતે થઇ છે અને તે ઝડપથી થાય એવું પ્રેરક સૂચન પણ તેમણે કર્યું હતું. બાદમાં રાજ્યમંત્રીએ શહેરના વાઘોડિયા રોડ ઉપરના કેટલાક વિસ્તારોમાં ફરીને સ્થળ-સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને નાગરિકો સાથે સંવાદ સાધી તેમના ક્ષેમકુશળ પૂછ્યા હતા.આ બેઠકમાં સંયુક્ત પોલીસ કમિશનર મનોજ નિનામા, નાયબ મ્યુનિસિપલ કમિશનર હસમુખભાઈ પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
Reporter: admin