વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલાનિયા ટ્રમ્પે જેફ્રી એપસ્ટીન સાથેના કોઈ પણ પ્રકારના સંબંધોનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે.
વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, તેમને અને એપસ્ટીનને જોડતા તમામ દાવાઓનો અંત આવવો જોઈએ. આ ઉપરાંત મેલાનિયાએ એપસ્ટીન કેસના પીડિતો માટે અમેરિકન સંસદમાં સુનાવણી કરવાની માંગ કરી છે. તેમણે તે અફવાઓને પણ ફગાવી દીધી હતી કે જેમાં કહેવામાં આવ્યું હતું કે જેફ્રીએ તેમની મુલાકાત ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરાવી હતી. મેલાનિયાએ આ વાતોને પાયાવિહોણી અને તેમની છબી ખરાબ કરવાનું કાવતરું ગણાવ્યું હતું. જોકે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે મને મેલાનિયાના આ નિવેદન વિશે કંઈ જ ખબર નહોતી.
મેલાનિયા ટ્રમ્પે સ્પષ્ટતા કરી હતી કે તેઓ ક્યારેય એપસ્ટીનના પીડિત રહ્યા નથી અને વર્ષ 2000માં તેમની વચ્ચે માત્ર એક નાની મુલાકાત થઈ હતી. તેમણે એપસ્ટીનની સહયોગી ગિલેન મેક્સવેલને જાણતા હોવાનો પણ ઈનકાર કર્યો હતો. વર્ષ 2002ના એક ઈમેલ અંગે ખુલાસો કરતા તેમણે કહ્યું કે તે માત્ર એક સામાન્ય વાતચીત હતી. જોકે, ભૂતકાળમાં લેખક માઈકલ વોલ્ફે તેમના પુસ્તકમાં દાવો કર્યો હતો કે મેલાનિયા અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત એક એવા એજન્ટ દ્વારા થઈ હતી જેનો સંબંધ એપસ્ટીન સાથે હતો, જેની સામે મેલાનિયાએ કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી.
Reporter: admin







