News Portal...

Breaking News :

માંડવીમાં કોંગ્રેસનો મોંઘવારી અને પેપર લીક મુદ્દે ઉગ્ર વિરોધ, સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર.

2026-06-06 10:53:38
માંડવીમાં કોંગ્રેસનો મોંઘવારી અને પેપર લીક મુદ્દે ઉગ્ર વિરોધ, સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર.


માંડવીમાં કોંગ્રેસનો મોંઘવારી અને પેપર લીક મુદ્દે ઉગ્ર વિરોધ, સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર.

વડોદરા જિલ્લાના માંડવી વિસ્તારમાં આજે કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી અને પેપર લીકના મુદ્દે સરકાર વિરુદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન યુવાનો અને પાર્ટીના કાર્યકરોએ કેન્દ્ર સરકારની નીતિઓ સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને સૂત્રોચ્ચાર કરીને સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.કોંગ્રેસે ખાસ કરીને ગેસ, પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવ તેમજ પરિવહન ખર્ચમાં થયેલા વધારાને કારણે સામાન્ય નાગરિકોના જીવન પર પડતા ભારને લઈને આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વધતી મોંઘવારીના કારણે મધ્યમ અને ગરીબ વર્ગની આર્થિક સ્થિતિ વધુ નબળી બની રહી છે અને રોજિંદા જીવનની જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ બની રહી છે.વક્તાઓએ સરકાર પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે દેશના વડાપ્રધાન મોંઘવારી જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મૌન છે અને જનતાની વાસ્તવિક સમસ્યાઓને અવગણવામાં આવી રહી છે. તેમનો દાવો હતો કે સરકાર લોકોના મૂળ પ્રશ્નો તરફ ધ્યાન આપવાને બદલે અન્ય મુદ્દાઓમાં ધ્યાન ભટકાવી રહી છે.

આ ઉપરાંત, પેપર લીકની ઘટનાઓને લઈને પણ ભારે રોષ જોવા મળ્યો હતો. યુવાનોના મતે વારંવાર થતી પેપર લીકની ઘટનાઓ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ગંભીર રમત છે અને લાખો યુવાનોની મહેનત પર પાણી ફેરવી રહી છે. તેમણે આક્ષેપ કર્યો કે પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા ન હોવાના કારણે વિદ્યાર્થીઓમાં નિરાશા વધી રહી છે.પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ સરકાર પાસે તાત્કાલિક જવાબદારી સ્વીકારીને મોંઘવારી નિયંત્રણમાં લેવા તથા પેપર લીક જેવી ઘટનાઓ રોકવા માટે કડક અને અસરકારક પગલાં લેવાની માંગ કરી હતી. સાથે જ ચેતવણી આપવામાં આવી હતી કે જો આ મુદ્દાઓનો યોગ્ય ઉકેલ નહીં લાવવામાં આવે તો આવનારા સમયમાં આંદોલન વધુ તેજ કરવામાં આવશે.પ્રદર્શન દરમિયાન પોલીસ તંત્ર સક્રિય રહ્યું હતું અને સ્થિતિને કાબૂમાં લેવા માટે કેટલાક કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાને કારણે વિસ્તારમાં થોડા સમય માટે તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો.

Reporter: admin

Related Post