હરિયાળી ક્રાંતિ : લિનીયર પાર્ક અને ઓક્સિજન પાર્કના વિકાસને વેગ

વિશ્વ પર્યાવરણ દિવસના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકાના પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગ દ્વારા શહેરને હરિયાળું બનાવવાના ઉદ્દેશ્ય સાથે દંતેશ્વર એ.પી.એસ.ની બાજુમાં આવેલી ૩૭૦૦ ચો.મી. જગ્યામાં સૂચિત લિનીયર પાર્કના વિકાસ માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ કામગીરી CSR હેઠળ L&T કંપનીના સહયોગથી કેચ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવશે. અહીં મિયાવાકી પદ્ધતિથી અંદાજે ૬૩ જાતના ૧૫,૫૦૦ જેટલા વૃક્ષો અને છોડનું વાવેતર કરવામાં આવશે. જેમાં લીમડો, અર્જુન, કદમ, પીપળો, વડ, સિંદુર, અવદુમ્બર, બિલી, બોરસલ્લી, બહેડો, ખાખરો, લીમ્બુ, આમળા, ફણસ, આંબો, રામફળ, અંજીર, દાડમ, જામ્બુ, રાયણ, ચીકુ સહિતના ફળઝાડ, ઔષધીય અને ફૂલછોડનો સમાવેશ થાય છે.
આ વિસ્તારમાં બાળકો માટે રમતગમત સાધનો, ઓપન જિમ, ફાઉન્ટેન, ગઝીબો, બેસવા માટે બેન્ચ, સ્ટ્રીટ લાઈટ, મ્યુઝિક સિસ્ટમ તેમજ અંદાજે ૫૦૦ મીટર લાંબો વોકિંગ ટ્રેક વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. ૬૦ લાખ છે. વૃક્ષોની ત્રણ વર્ષ સુધીની જાળવણી પણ CSR હેઠળ કેચ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે.આ ઉપરાંત હરણી વિસ્તારમાં ટી.પી. ૦૧ એફ.પી. ૧૫૯ ખાતે ઓક્સિજન પાર્ક વિકસાવવામાં આવ્યો છે. ૫૯૪૬ ચો.મી. વિસ્તારમાં બનેલા આ પાર્કમાં ૧૧,૫૦૦ વૃક્ષોનું મિયાવાકી પદ્ધતિથી વાવેતર કરવામાં આવ્યું છે. અહીં જોગિંગ ટ્રેક, ગઝીબો, બાળકો માટે સાધનો, કસરત સાધનો, ઇકો-ફ્રેન્ડલી બાકડા, આઉટડોર ક્લોક, વોલ ફાઉન્ટેન, ટોયલેટ બ્લોક, વોલ આર્ટ તથા મ્યુઝિક સિસ્ટમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ અંદાજે રૂ. ૯૪.૯૦ લાખ થયો છે.આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી, મેયર, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ, શાસક પક્ષના નેતા, શહેર ભાજપ પ્રમુખ સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Reporter:







