*કોણ સમજાવે આ જલ-માફિયાઓને કે જલ-સેવા પ્રભુ સેવા*...
*વોર્ડ નંબર-15 નાં કોર્પોરેટર આશિષ જોષીએ પકડ્યું, જલ-માફિયાઓનું ચાલતું પવનદૂત ટ્રેક્ટરનું રેકેટ*
પૂર્વપટ્ટી કાયમને માટે પાણીથી તરસી રહે છે,તેવો તકતો અધિકારીઓ જ ગોઠવે છે.પછી મળતીયા જલ-માફિયાઓનાં કરોડોનાં બીલ બન્યા કરે છે...
વડોદરા કોર્પોરેશનનું પાપ છતું: 2 સેકન્ડમાં આખું ટેન્કર ખાલી !! પાણીનાં માફિયા અને અધિકારીઓની જુગલબંધીથી જનતા પાણી વિના તરસશે
જીપીએસ ડેટા અને ટેન્કર ફેરાના રેકોર્ડમાં માત્ર 2 સેકન્ડના અંતરે ગેરરીતિની આશંકા, ખોટા બિલ અને ભ્રષ્ટાચારના આરોપો તેજ...
પાણીની તંગી વચ્ચે કાગળ પર હજારો ફેરા દર્શાવી કૌભાંડ થયાનો આક્ષેપ, સંપૂર્ણ ઓડિટ અને તપાસની માંગ ઉઠી..
વડોદરા શહેરમાં હાલ પાણીની ભયંકર ઘટ છે અને આ સ્થિતિ માટે સંપૂર્ણપણે અધિકારીઓની અણઆવડત જવાબદાર છે. નિયમ મુજબ ફેબ્રુઆરી મહિનાથી જ પાણી લેવાનું આયોજન શરૂ કરવાનું હતું, પરંતુ જવાબદારોએ કોઈ ધ્યાન આપ્યું નહીં. આજવા ડેમનું લેવલ 206 ફૂટ સુધી પહોંચ્યું ત્યાં સુધી આખું તંત્ર ઊંઘતું રહ્યું. તંત્રની આ ઘોર નિદ્રાનો સીધો ફાયદો પાણીના માફિયાઓ ઉઠાવી રહ્યા છે. તેઓ ખોટા બિલો બનાવે છે અને ભ્રષ્ટ અધિકારીઓ તેના પર સહીઓ પણ કરી આપે છે, જે તંત્ર માટે અત્યંત શરમજનક બાબત છે. આ સહિયારું કૌભાંડ કેટલું મોટું છે તેની સાબિતી કોન્ટ્રાક્ટરે બિલો સાથે જોડેલા જીપીએસના કટિંગ્સ પરથી મળે છે. રુદ્રાક્ષ એલિગન્સમાં બે ટેન્કર ખાલી થાય છે, પરંતુ બે ટેન્કર એક જ જગ્યાએ સાથે ઊભા કઈ રીતે રહી શકે તે મોટો સવાલ છે. જીપીએસના આ કટિંગ્સમાં માત્ર 2 સેકન્ડનો જ ફરક બતાવવામાં આવ્યો છે. માત્ર બે સેકન્ડમાં એક ટેન્કર ખાલી થઈ ગયું અને બીજું લોડ પણ થઈ ગયું, તે કેવી રીતે શક્ય છે? વાસ્તવમાં, એક જ ટેન્કરનાં અલગ-અલગ નંબરો દર્શાવવામાં આવે છે, પણ તે એક જ લોકેશન પર ખાલી થાય છે. આ ખેલમાં ટ્રેકર ગાડીમાં રહેવાને બદલે ખાલી કરનારના ખિસ્સામાં જતું રહે છે, જેના કારણે કાગળ પર સીધા 2 ફેરા ગણાઈ જાય છે! આ સિવાય, બે અલગ-અલગ મોટા ટેન્કરો વચ્ચેનો સમયગાળો માત્ર 5 થી 10 સેકન્ડનો જ બતાવવામાં આવ્યો છે, જે કાગળ પર ખોટા બિલો બનાવ્યાની આશંકાને દ્રઢ કરે છે અને ભ્રષ્ટાચારની હદ દર્શાવે છે. વડોદરાની જનતા સાથે સરેઆમ દ્રોહ કરીને આ ટેન્કરો દ્વારા પાણીનો વપરાશ કોર્પોરેશનની હદ બહાર લઈ જઈને ખાલી કરવામાં આવ્યો હોવાનું વીડિયો ફૂટેજમાં સાબિત થયું છે. વડોદરાનાં લોકો તરસ્યા રહે અને પાણી બહાર વેચાય તે શરમજનક છે. જાન્યુઆરીથી માર્ચ મહિના સુધીના ટૂંકા ગાળામાં જ કાગળ પર કુલ 19,971 જેટલા અધધ ફેરા બતાવી દેવામાં આવ્યા હોવાથી હવે આ તમામ બિલોની પુનઃચકાસણી અને ઓડિટ કરવું અનિવાર્ય બન્યું છે.
પાણીના માફિયાઓ તંત્રનો ફાયદો ઉઠાવી રહ્યા છે
આજવા ડેમનું લેવલ 206 ફૂટે પહોંચ્યું ત્યાં સુધી ઊંઘતા રહેલા અધિકારીઓની અણઆવડતને કારણે વડોદરામાં પાણીની ભયંકર ઘટ છે, જેનો સીધો ફાયદો જલ-માફિયાઓ ઉઠાવી રહ્યા છે. જીપીએસ રેકોર્ડ મુજબ ટેન્કર નંબર 6305 તારીખ 4-05-2026ના રોજ વહેલી સવારે 5:02 થી 7:45ના માત્ર પોણા ત્રણ કલાકમાં જ કાગળ પર અધધ 10 ફેરા મારી દે છે! સામાન્ય રીતે એક ફેરો મારવામાં અડધો-પોણો કલાક લાગે છે, ત્યારે આ 'હનુમાન ટેન્કર' ઊડીને પાણી આપી આવ્યું? વળી, રુદ્રાક્ષ એલિગન્સમાં બે ટેન્કરોના જીપીએસ કટિંગ્સ વચ્ચે માત્ર 2 સેકન્ડનો ફરક છે. 2 સેકન્ડમાં ટેન્કર ખાલી થઈને બીજું લોડ કેવી રીતે થાય? ટ્રેકર ખિસ્સામાં મૂકી અલગ-અલગ નંબર બતાવી ડબલ ફેરા ઉઘરાવવાનું આ તંત્ર માટે અત્યંત શરમજનક અને મોટું કૌભાંડ છે, જેની ઊંડી તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
Reporter: admin







