*ભાજપનાં 30 વર્ષના રાજમાં કોઈ કમિશનર- કોઈ મેયર- કોઈ ચેરમેન એવો નહીં આવ્યો કે જે આ પાણીની સમસ્યાને કાયમી ધોરણે નિકાલ કરી શકે*
*ડંફાસ મારનારા-ખોટો જસ લેનારા ધારાસભ્યો-સાંસદે પણ પાણીની સિસ્ટમ કેમ ખોરવાઈ તે જોવાની-સમજવાની દરકાર જ નથી કરી*
*ભ્રષ્ટ સીટી એન્જિનિયર અને ભ્રષ્ટ કાર્યપાલક-નાયબ ઇજનેરોને હવાલે વડોદરા*
ત્રણ વર્ષ માટે વડોદરા પાલિકાનો વહીવટ, સુરત-અમદાવાદનાં પાલિકાનાં અધિકારીઓને ડેપ્યુટેશન ઉપર સોંપી દો તો જ કંઈ મેળ પડશે*
કોર્પોરેશનની ઘોર અણઆવડતથી પ્રજા પાણી માટે તરસતી, પાણી માફિયાઓનો બેફામ કારોબાર...
શહેરની પાણીની ટાંકીઓ પર ખાનગી ટેન્કરોની લાંબી કતારો, પૂર્વ વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થા સંપૂર્ણ ખોરવાઈ હોવાનો આક્ષેપ...
અણઆયોજિત મેનેજમેન્ટ, વહીવટી વિલંબ અને ખોટા બિલિંગના કારણે પાણી કૌભાંડ વધ્યું હોવાનો ગંભીર આરોપ...
વડોદરા કોર્પોરેશનની ઘોર અણઆવડત, પ્રજા પાણી માટે તરસતી રહી અને પાણી માફિયાઓ કરોડો રૂપિયા સેરવી ગયા!

વડોદરા કોર્પોરેશનનાં વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પાંખની ઘોર બેદરકારી તેમજ અણઆવડતનાં કારણે શહેરની નિર્દોષ જનતા ફરી એકવાર ઉનાળાની આકરી ગરમીમાં પાણીના ટીપા માટે વલખાં મારી રહી છે. ઉનાળામાં શહેરની વિવિધ પાણીની ટાંકીઓ ઉપર ખાનગી ટેન્કરોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, જે સ્માર્ટ સિટીના દાવા કરતા તંત્ર માટે અત્યંત શરમજનક બાબત છે. નાગરિકોને પીવાનું શુદ્ધ અને પૂરતું પાણી પૂરું પાડવું એ કોર્પોરેશનની પ્રાથમિક અને બંધારણીય જવાબદારી છે, જેમાંથી વહીવટી તંત્ર કોઈપણ બહાના હેઠળ છટકી શકે નહીં. પરંતુ પાલિકાની આ સરેઆમ નિષ્ફળતાના કારણે આજે ખાનગી ટેન્કર સંચાલકોને બખ્ખાં થઈ ગયા છે. આ ઓપરેટરો પાણી વિતરણના નામે કોર્પોરેશન પાસેથી કાગળ પર ખોટા ફેરા બતાવીને બેફામ રૂપિયા ઉઘરાવી રહ્યા છે, તો બીજી તરફ સામાન્ય લોકોને પણ નળમાં પાણી ન આવવાના કારણે પોતાના ગજામાંથી મોંઘા ભાવનું પાણી ખરીદવા મજબૂર થવું પડી રહ્યું છે.
શહેરનો પૂર્વ વિસ્તાર તો હાલમાં પાણીના બુટલેગરોની સંપૂર્ણ ઝપેટમાં આવી ગયો છે. પૂર્વ ઝોનની ટાંકીઓ પરથી રોજની હજારો ટેન્કરો દોડી રહી છે, છતાં સ્થાનિક રહીશોના ઘરો સુધી પાણી પહોંચતું નથી. લોકોને પૂરતા ફોર્સથી પાણી ન મળતું હોવાના કારણે આખરે કંટાળીને ખાનગી ટેન્કરોનો સહારો લેવો પડે છે. ભ્રષ્ટ અધિકારીઓની રહેમનજર અને પાપના કારણે જ નાગરિકોને વેચાતું પાણી લેવાની નોબત આવી છે. ઉનાળામાં પાણીની ઘટ પડે તે સ્વાભાવિક છે, પરંતુ કોર્પોરેશનનાં અણઆવડતવાળા અધિકારીઓને પાણીનું યોગ્ય મેનેજમેન્ટ કે વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં સહેજ પણ આવડતું નથી, જેનાં કારણે પ્રજા હવે સંપૂર્ણપણે ભગવાન ભરોસે અને પાણી માફિયાઓનાં ભરોસે મુકાઈ ગઈ છે. આ આખી સ્થિતિ સરકારી તંત્ર માટે અત્યંત નામોશીભરી છે.
આ સમગ્ર કૌભાંડ અને અછત પાછળ અધિકારીઓની આયોજન વગરની નીતિ જવાબદાર છે. સામાન્ય રીતે ઉનાળાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ફેબ્રુઆરી મહિનાથી જ એક્શન પ્લાન બનાવીને આયોજનપૂર્વક પાણી વ્યવસ્થાનું સંચાલન શરૂ કરવાનું હોય છે. પરંતુ વડોદરા કોર્પોરેશનમાં આંતરિક ખેંચતાણના કારણે અને વહીવટી વિલંબના કારણે અત્યાર સુધી પાણી વિતરણ વ્યવસ્થા પર કોઈએ ધ્યાન જ આપ્યું નથી. વડોદરાની જીવાદોરી સમાન આજવા ડેમનું પાણીનું લેવલ ઘટીને 206 ફૂટ સુધી પહોંચી ગયું, ત્યાં સુધી તંત્રના તમામ જવાબદારો ઘોર નિદ્રામાં રહ્યા હતા.

જ્યારે ડેમ તળિયા ઝાટક થવા આવ્યો ત્યારે જાગેલા તંત્રની આ ઢીલી નીતિનો સીધો ફાયદો પાણીના બુટલેગરો ઉઠાવી રહ્યા છે. જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમમાં દેખીતી રીતે ખોટા અને અશક્ય સમય દર્શાવીને ઇજારેદારો દ્વારા રોજબરોજ લાખો રૂપિયાના ખોટા બીલો બનાવવામાં આવી રહ્યા છે, અને આશ્ચર્યની વાત એ છે કે પાલિકાના જવાબદાર અધિકારીઓ ક્રોસ વેરિફિકેશન કર્યા વિના જ તે બીલો પર આસાનીથી સહીઓ પણ કરી આપે છે. જો આગામી દિવસોમાં આ અણઆવડતવાળા અધિકારીઓ સામે કડક પગલાં ભરવામાં નહીં આવે અને પાણી વિતરણ વ્યવસ્થા સુધારવામાં નહીં આવે, તો જનતાનો આક્રોશ વડોદરાના રસ્તાઓ પર જોવા મળશે તે નક્કી છે.
Reporter: admin







