News Portal...

Breaking News :

કોર્પોરેશનની ઘોર બેદરકારી: રાયકા અને દોડકા ઇન્ટેક વેલમાં રેતી ભરાતા એક મહિના સુધી પાણી સંકટ

2026-06-08 14:54:45
કોર્પોરેશનની ઘોર બેદરકારી: રાયકા અને દોડકા ઇન્ટેક વેલમાં રેતી ભરાતા એક મહિના સુધી પાણી સંકટ



ઇન્ટેક વેલની સફાઈ કામગીરીના નામે શહેરના અડધાથી વધુ વિસ્તારોમાં પાણી પુરવઠા પર મોટો અસર, નાગરિકોમાં રોષ
કોર્પોરેશનની સત્તાવાર જાહેરાત મુજબ પંપ બંધ અને ઓછા પ્રેશરથી પાણી વિતરણના કારણે આગામી 30 દિવસ સુધી વડોદરાના અનેક વિસ્તારોમાં પાણીની ભારે તંગી સર્જાશે.

વડોદરા કોર્પોરેશનની ઘોર બેદરકારી: રાયકા અને દોડકા ઇન્ટેક વેલમાં રેતી ભરાઈ જતાં એક મહિના સુધી વડોદરાવાસીઓ તરસશે...
નાગરિકો બૂમો ન પાડે એટલે એક મહિના સુધી પાણી પૂરું નહીં મળે તેવી જાહેરાત આપીને વડોદરા કોર્પોરેશને હાથ ઊંચા કરી દીધા...




વડોદરાને તરસતી નગરી બનાવી દેવામાં વડોદરા મહાનગર સેવા સદનના ભ્રષ્ટ અને નિષ્ક્રિય તંત્રએ કોઈ કસર છોડી નથી. સ્માર્ટ સિટીના નામે કરોડો રૂપિયાના ટેક્સ વસૂલતી કોર્પોરેશને વધુ એકવાર પોતાની નાકામીનો ટોપલો વડોદરાની નિર્દોષ જનતાના માથે ફોડી દીધો છે. મહીસાગર નદીના ફ્રેન્ચવેલમાંથી રેતી કાઢવાની કામગીરીને પગલે અનેક વિસ્તારોમાં ઓછા પ્રેશરથી પાણી મળશે. ઇન્ટેક વેલમાં રેતી ભરાઈ જવાના કારણે હવે વડોદરાના અડધાથી વધુ વિસ્તારોમાં આગામી એક મહિના સુધી પાણીનો ભયંકર કાપ ઝીંકવામાં આવ્યો છે. વહીવટી તંત્રની આ ઘોર બેદરકારી અને આગોતરા આયોજનના અભાવે સમગ્ર શહેરમાં હાહાકાર મચી ગયો છે. કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર નોટિસમાં જણાવાયું છે કે આ બંને ઇન્ટેક વેલમાંથી ક્રેન દ્વારા રેતી કાઢવાની કામગીરી તારીખ 08-06-2026થી શરૂ કરવામાં આવશે, જે અંદાજે એક મહિના સુધી ચાલશે. આ કામગીરી દરમિયાન બંને ઇન્ટેક વેલ પર આવેલા પંપ દિવસમાં 2 થી 3 કલાક બંધ રાખવામાં આવશે. સૌથી મોટો અને શરમજનક સવાલ એ છે કે નાગરિકો બૂમો ન પાડે એટલે એક મહિના સુધી પાણી પૂરું નહીં મળે તેવી જાહેરાત આપીને તંત્રએ પોતાના હાથ ઊંચા કરી દીધા છે! પાણી આપવાની જવાબદારીમાંથી મુક્ત થઈ જવા માટે કોર્પોરેશને માત્ર એક નોટિસ ફાડીને વડોદરાના લાખો કરદાતાઓને ભગવાન ભરોસે છોડી દીધા છે.


આ વિસ્તારોમાં સર્જાશે પાણીની ભારે તંગી
કોર્પોરેશનના આ તઘલખી નિર્ણયના કારણે નીચે મુજબની તમામ પાણીની ટાંકીઓ અને બૂસ્ટર હેઠળના વિસ્તારોમાં આગામી 30 દિવસ સુધી ઓછા પ્રેશરથી અને ઓછા સમય માટે પાણી વિતરણ કરવામાં આવશે. રાયકા અને દોડકા ફ્રેન્ચવેલ આધારિત ટાંકીઓમાં એરપોર્ટ બૂસ્ટર, આજવા રોડ ટાંકી, ખોડિયારનગર બૂસ્ટર, વારસિયા બૂસ્ટર, ગાજરાવાડી ટાંકી, નાલંદા ટાંકી, દરજીપુરા બૂસ્ટર, સમા ટાંકી, પૂનમ નગર ટાંકી, નોર્થ હરણી ટાંકી, કારેલીબાગ ટાંકી, વ્હિકલપૂલ બૂસ્ટર, સયાજીબાગ ટાંકી, જેલ ટાંકી, પાણીગેટ ટાંકી અને લાલબાગ ટાંકી તથા ફાજલપુર ફ્રેન્ચવેલ આધારિત ટાંકીઓમાં પરશુરામ બૂસ્ટર, જૂનીગઢી બૂસ્ટર, વ્હિકલપૂલ બૂસ્ટર, વારસિયા બૂસ્ટર, છાણી ગામ ટાંકી, છાણી જકાતનાકા ટાંકી, સમા જૂની ટાંકી, સમા-પૂનમ નગર ટાંકી, ટી.પી.-13 ટાંકી, જેલ ટાંકી, લાલબાગ ટાંકી, સયાજીબાગ ટાંકી, નવી ધરતી બૂસ્ટર, ફતેહપુરા બૂસ્ટર, સાધનાનગર બૂસ્ટર અને બકરાવાડી બૂસ્ટર વગેરે વિસ્તારોમાં પાણીની અછત રહેશે. આ લાંબી યાદી જ દર્શાવે છે કે કોર્પોરેશને વડોદરાના કયા ખૂણે-ખૂણાને તરસ્યો રાખવાનો નિર્ણય કર્યો છે.



તંત્રની ઘોર નિષ્ફળતા

વડોદરા મહાનગર સેવા સદન પાયાની સુવિધાઓ આપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે. સ્માર્ટ સિટીના બણગાં ફૂંકતા શાસકો અને કમિશનરે વડોદરાની જનતાને પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત માટે પણ ભીખ માંગતી કરી દીધી છે. જો આગામી દિવસોમાં વૈકલ્પિક વ્યવસ્થા યુદ્ધના ધોરણે પૂરી પાડવામાં નહીં આવે, તો વડોદરાની જનતા કોર્પોરેશનની કચેરીએ માટલા ફોડીને ઉગ્ર આંદોલન કરશે તે નક્કી છે.

Reporter: admin

Related Post