મુંબઈ : શેરબજારનું નિયમન કરતી સંસ્થા સેબીના ચેરપર્સન માધબી પુરી બુચે ‘નિયમો વિરુદ્ધ જઈને મેળવેલા લાભો’ સામે કોંગ્રેસે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. કાયદાકીય જોગવાઈની વિરુદ્ધ જઈને માધવી પુરી બુચે સરકારી પગારની આવક કરતા પાંચ ગણી એટલે કે કુલ રૂ.16.80 કરોડની જંગી રકમનો લાભ તો પૂર્વ નોકરીમાંથી જ લઈ લીધો છે. આ રકમમાં પગાર, અન્ય આવક અને એમ્પલોઇ સ્ટોક ઓનરશિપ પ્લાન સામેલ છે.
હિંડનબર્ગ પણ માધવી પુરી બુચના વિદેશી રોકાણોનો પર્દાફાશ કરી ચૂક્યું છે. તે સંદર્ભે પણ કોંગ્રેસે સેબી ચેરપર્સનની નિયત અને નિષ્પક્ષતા પર શંકા કરીને સવાલ ઉઠાવ્યો છે કે, આખરે માધબી પુરી બુચને સરકારમાંથી કોનું આટલી હદે રક્ષણ મળી રહ્યું છે અને હજુ સુધી તેમની સામે કેમ કોઈ કાર્યવાહી કરાઈ નથી?
સેબીના ચેરપર્સન તરીકે નિમણૂક થતા પહેલા માધબી પુરી બુચ સેબીના પૂર્ણકાલીન સભ્ય હતા. 2017થી 2021ના સમયગાળા સુધી તેમણે આઈસીઆઈસીઆઈ બેંક અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલમાંથી પગાર લેવાનો પણ ચાલુ રાખ્યો હતો, જ્યાં તેઓ પહેલા નોકરી કરતા હતા. કોંગ્રેસે એક પત્રકાર પરિષદમાં વિગતો આપતા કહ્યું છે કે ‘સેબીના ચેરપર્સન બુચે પૂર્ણકાલીન સભ્ય હતા, ત્યારે આઈસીઆઈઆઈ બેંક પાસેથી રૂ. 12.63 કરોડ પગાર મેળવ્યો હતો. 2017થી 2024 દરમિયાન તેમણે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ પાસેથી પણ રૂ. 22.41 લાખની આવક મેળવી હતી. એટલું જ નહીં, આઈસીઆઈસીઆઈ બેંકના કર્મચારી હોય તે રીતે તેમણે એમ્પલોઇ સ્ટોક ઓનરશિપ પ્લાન (ઈસોપ) પેટે પણ રૂ. 2.84 કરોડનો લાભ મેળવ્યો હતો. ઈસોપ પેટે ભરવાપાત્ર ટીડીએસ (ટેક્સ ડિડક્ટડ એટ સોર્સ) રૂ. 1.10 કરોડ પણ બેન્કે જ સરકારી તિજોરીમાં જમા કરાવ્યા હતા. આમ માધબી પુરી બુચે નિયમ વિરુદ્ધ જઈને કુલ રૂ.16.80 કરોડના લાભ મેળવ્યા છે.
Reporter: admin