વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની હંસા મહેતા લાઈબ્રેરીનો એસી પ્લાન્ટ મેન્ટેનન્સના અભાવે શોભાના ગાંઠીયા સમાન પૂરવાર થઈ રહ્યો છે.ફરી એક વખત ઉનાળામાં લાઈબ્રેરીના રીડિંગ રુમમાં વિદ્યાર્થીઓને એસીની સુવિધા મળી નથી અને તેને લઈને વિદ્યાર્થીઓ દ્વારા આજે ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલરને રજૂઆત કરવામાં આવી હતી.
મળતી વિગતો પ્રમાણે ૨૦૧૪માં લગભગ ૨૮૦ ટનની ક્ષમતાવાળો એસી પ્લાન્ટ નાંખવામાં આવ્યો હતો અને તેના કારણે લાઈબ્રેરીના ૧૦૦૦થી વધારે વિદ્યાર્થીઓ બેસી શકે તેવી ક્ષમતા ધરાવતા રીડિંગ રુમમાં વિદ્યાર્થીઓને એસીની સુવિધા મળી હતી.પાંચ વર્ષ બાદ ૨૦૨૦માં કોરોના સમયે આ પ્લાન્ટ બંધ થયો હતો.પ્લાન્ટના મેન્ટેનન્સ માટે ૮૦ લાખ રુપિયાના ખર્ચે કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત મૂકાઈ ત્યારે જે તે સમયે સિન્ડિકેટ સભ્યોએ તેનો વિરોધ કર્યો હતો.સભ્યોનું કહેવું હતું કે, મેન્ટેનન્સ માટે જે રકમ ચૂકવવાનું નક્કી કરાયું છે તે ઘણી વધારે છે.
તેના પાંચ વર્ષ પછી પણ યુનિવર્સિટીનું તંત્ર મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ આપવા અંગે નિર્ણય લઈ શક્યું નથી અને તેના કારણે દરેક ઉનાળામાં લાઈબ્રેરીમાં વાચવા માટે આવતા હજારો વિદ્યાર્થીઓ હેરાન થાય છે.ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયને આજે ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર પ્રો.ધનેશ પટેલને મળીને રજૂઆત કરી હતી કે, અત્યારે હીટવેવ ચાલી રહ્યો છે અને વિદ્યાર્થીઓને એસીની સુવિધાની જરુર છે ત્યારે જ લાઈબ્રેરી સત્તાધીશો આ સુવિધા આપી રહ્યા નથી.માટે વહેલી તકે એસી પ્લાન્ટ રિપેર કરાવીને એસી શરુ કરવામાં આવે.કારણકે આગામી દિવસોમાં ઉનાળો વધારે આકરો બનશે અને પરીક્ષાના કારણે વાચવા માટે લાઈબ્રેરીમાં વિદ્યાર્થીઓની ભીડ વધશે.
Reporter: admin