News Portal...

Breaking News :

જનઆક્રોશનો વિસ્ફોટ: વોર્ડ 13માં કોર્પોરેટરનો ઘેરાવ, જનતાએ નેતાઓને કડક સંદેશ આપ્યો

2026-06-07 10:52:49
જનઆક્રોશનો વિસ્ફોટ: વોર્ડ 13માં કોર્પોરેટરનો ઘેરાવ, જનતાએ નેતાઓને કડક સંદેશ આપ્યો


જનઆક્રોશનો વિસ્ફોટ: વોર્ડ 13માં કોર્પોરેટરનો ઘેરાવ, જનતાએ નેતાઓને કડક સંદેશ આપ્યો

સત્તાનાં નશામાં ચૂર થઈને એરકન્ડિશન્ડ ચેમ્બરોમાં બેસતા વડોદરા મહાનગરપાલિકાના શાસકોના મોઢા પર જનતાએ તમાચો મારવાનું શરૂ કરી દીધું છે. વડોદરાના નવનિયુક્ત મેયર ગીતાબેન મકવાણાના પોતાના જ વોર્ડ નંબર 13માં શાસક પક્ષના પાપે એવો ભયંકર જનઆક્રોશ ફાટી નીકળ્યો છે કે નેતાઓને હવે ગલીઓમાં નીકળવું ભારે પડી ગયું છે. વોર્ડ નંબર 13ના ભાજપનાં કોર્પોરેટર શૈલેન્દ્રસિંહ ઠાકોર જ્યારે આજે પોતાના મતવિસ્તારમાં મોઢું બતાવવા ગયા, ત્યારે છેલ્લા કેટલાય સમયથી ગંદુ પાણી, બિસ્માર રસ્તાઓ સહિતની અનેક નરક જેવી યાતના ભોગવતી જનતાનો પિત્તો ગયો હતો. ગુસ્સે ભરાયેલા સ્થાનિકો, ખાસ કરીને મહિલાઓએ કોર્પોરેટર શૈલેન્દ્રસિંહને ચારેય તરફથી ઘેરી લીધા હતા અને તેમની શાન ઠેકાણે લાવી દીધી હતી. જનતાના ઘેરાવા વચ્ચે ફસાયેલા કોર્પોરેટર શૈલેન્દ્રસિંહ ઠાકોરની દશા ભૂંડી થઈ ગઈ હતી. તેમને એમ હતું કે કોર્પોરેટર થઈ ગયા એટલે હવે તો જલસા પડી જશે, પણ આજે તેમના જ વોર્ડની જનતાએ તેમને બતાવી દીધું કે કામ કરો, નહીં તો પાંચ વર્ષ પછી રવાના કરી દઈશું. લોકશાહીનો આ જ મિજાજ છે. જનતા જ સર્વોપરી છે. ત્યાં હાજર લોકો પાસેથી જાણવા મળ્યા મુજબ શૈલેન્દ્રસિંહ ઘસાયેલા પત્તાં નાખીને પોતાનો બચાવ કરવાનો કે કાયરની જેમ છટકવાનો પ્રયાસ કરતા રહ્યા હતા. પરંતુ છેલ્લા 35 વર્ષથી ભાજપના શાસકોના જૂઠ્ઠા વાયદાઓથી છેતરાયેલી અને પીસાતી આવેલી જનતા હવે એક પણ નેતાનો વિશ્વાસ કરવાના મૂડમાં નથી. લોકોએ નેતાજીને રીતસર ખખડાવી નાખ્યા હતા. લોકો તો એવું પણ કહેતા સંભળાયા હતા કે ચૂંટણી વખતે હાથ જોડીને ભીખ માંગવા આવો છો અને જીત્યા પછી મોંઘી ગાડીઓના કાચ ચડાવીને ફરો છો, તે હવે નહીં ચલાવી લેવાય. શૈલેન્દ્રસિંહને શરૂઆતમાં જ જે લોકરોષનો આકરો પરચો મળ્યો છે, તેનાથી વડોદરાના ભાજપના તમામ 69 કોર્પોરેટરોએ સમજી લેવાની જરૂર છે કે જનતા હવે જાગી ગઈ છે અને હિસાબ માંગવા રસ્તા પર ઉતરી આવી છે.

વડોદરા કોર્પોરેશનમાં છેલ્લા ત્રણ દાયકાથી ભાજપનું એકચક્રી શાસન છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ અને કામ પર ભરોસો મૂકીને વડોદરાની ભોળી જનતાએ દર વખતે ભાજપની ઝોળી મતોથી ભરી દીધી છે. પરંતુ બદલામાં વડોદરાની જનતાને શું મળ્યું? માત્ર અને માત્ર હાલાકી, નરકાગાર જેવી સ્થિતિ અને ભ્રષ્ટાચાર! ભાજપના જ પૂર્વ હોદ્દેદારો અને નેતાઓએ 35 વર્ષમાં વડોદરાના વિકાસના નામે કંઈ ઉકાળ્યું નથી. પ્રજાને કાયમ માટે પાયાની સુવિધાઓ માટે લટકતી રાખી છે, જ્યારે નેતાઓએ પોતાની સાત પેઢીઓ તરી જાય એટલી સંપત્તિ બનાવીને ખિસ્સા ભર્યા છે. નેતા હોવાનો મિથ્યા ઘમંડ લઈને ફરતા આ શાસકોને હવે જનતા બરાબરનો પાઠ ભણાવવા સજ્જ થઈ ગઈ છે. આ આખી ઘટના વડોદરાના નવા બનેલા મેયર ગીતાબેન મકવાણા અને પાલિકાના આખા વહીવટી તંત્ર માટે ડૂબી મરવા જેવી બાબત છે. જે વોર્ડની જવાબદારી ખુદ શહેરના પ્રથમ નાગરિક એટલે કે મેયરની હોય, તે જ વોર્ડમાં પ્રજા પ્રાથમિક સુવિધાઓ માટે ત્રાહિમામ પોકારીને કોર્પોરેટરોને રસ્તા પર આડેહાથ લેતી હોય, તો કલ્પના કરો કે આખા વડોદરા શહેરની સ્થિતિ કેટલી બદતર હશે? વડોદરાના ખૂણે-ખૂણામાં જનતા ગંદા પાણીથી રોગચાળો અને ખાડારાજથી અકસ્માતો ભોગવી રહી છે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બંને હાલમાં મહિલાઓ છે. સામાન્ય રીતે મહિલાઓ અન્યાય અને ખોટું ક્યારેય સહન કરી શકતી નથી, તેથી વડોદરાની પીડાતી જનતાને હજુ પણ એક આખરી આશા છે કે આ બંને મહિલા હોદ્દેદારો પોતાની સત્તાનો દંડો ચલાવશે અને જનતાને આ નરકમાંથી કાયમી છુટકારો અપાવશે.વડોદરા કોર્પોરેશનના નવા મેયર, ચેરમેન અને ડેપ્યુટી મેયર માટે આગામી સમય ભારે કટોકટીભર્યો સાબિત થવાનો છે. પૂર્વ નેતાઓએ કરેલા પાપના ઘડા હવે ભરાઈ ચૂક્યા છે અને તેનો ભોગ આ નવા હોદ્દેદારોએ બનવું પડશે. જો તાત્કાલિક ધોરણે, કોઈની પણ શેહશરમ રાખ્યા વગર એક્શન લેવામાં નહીં આવે અને તાબડતોબ કામગીરી શરૂ નહીં થાય, તો વડોદરાની જનતા આ નેતાઓને ઓફિસોમાંથી બહાર નીકળવા પણ નહીં દે. વડાપ્રધાન મોદીજીની પ્રતિષ્ઠા અને પોતાની રાજકીય આબરૂ બચાવવી હશે તો નેતાઓએ એરકન્ડિશન્ડ ગાડીઓમાંથી ઉતરીને કાદવ-કીચડમાં કામ કરવું જ પડશે. આ વિવાદ માત્ર વોર્ડ નંબર 13 પૂરતો સીમિત નથી, પરંતુ આખા વડોદરાના શાસકો સામેનો એક મોટો ચેતવણીરૂપ ઘંટ છે. વડોદરા સ્માર્ટ સિટીના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ જમીની હકીકત એ છે કે જનતા આજે પણ બૂમો પાડી રહી છે. જો આગામી દિવસોમાં પાલિકા તંત્ર અને મેયર દ્વારા યુદ્ધના ધોરણે કામો પૂરા કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનો અને કોર્પોરેશન કચેરીઓ પર જનતાના મોરચાઓ મંડાય તેવી પૂરેપૂરી સંભાવના છે. હવે જોવાનું એ રહે છે કે શૈલેન્દ્રસિંહ ઠાકોરના ઘેરાવા પરથી બાકીના નેતાઓ કોઈ પાઠ ભણે છે કે પછી જનતાના રોષના ભોગ બનવા વારાફરતી તૈયાર રહે છે.

Reporter: admin

Related Post